એપશહેર

'એક નાઈટના 10 હજાર થશે...' રાજકોટમાં બે યુવાનો સાથે અડધી રાતે રમાઈ મોટી ગેમ

કાજલ નામની મહિલાએ વ્હોટ્સેપ પર ચાર છોકરીઓના ફોટા મોકલ્યા, 10 હજારમાં ડીલ નક્કી થઈ પણ આખો પ્લાન તો કંઈક અલગ જ હતો

I am Gujarat 15 Dec 2020, 2:52 pm
રાજકોટ: શરીર સુખ માણવાની લાલચમાં મોરબીના બે યુવકો સાથે મોટી ગેમ રમાઈ ગઈ છે. જો અડધી રાતે પોલીસ આ યુવાનોની મદદે ના આવી હોત તો કદાચ તેમની પાસેથી મોટો તોડ થઈ ગયો હોત. હાલ આ મામલે કુવાડવા પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે, જ્યારે યુવાનોને ફસાવનારી કાજલ ઉર્ફે દિવ્યા નામની યુવતી પોલીસને હાથતાળી આપી રફુચક્કર થઈ જવામાં સફળ રહી છે.
I am Gujarat rajkot police arrest three for trying to extort 1 lakh in honeytrap from two youths
'એક નાઈટના 10 હજાર થશે...' રાજકોટમાં બે યુવાનો સાથે અડધી રાતે રમાઈ મોટી ગેમ


સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, મોરબીમાં રહેતા દીપ ગાજીપરાને એક મિત્ર મારફતે કાજલ નામની એક યુવતીનો નંબર મળ્યો હતો. જેના પર ફોન કરીને દીપે એક નાઈટ માટે છોકરી જોઈએ છે તેવી વાત કરી હતી. કાજલે દીપને ચાર છોકરીઓના ફોટા મોકલી આપ્યા હતા, અને તેની સાથે વિડીયો કોલ પર પણ વાત કરી હતી. આખરે એક નાઈટના 10 હજાર રુપિયા ભાવ નક્કી થયા બાદ દીપને કહેવાયું હતું કે છોકરીની ડિલિવરી રાજકોટના બેડીથી મળશે.

સોદો ફાઈનલ થયા બાદ દીપ પોતાના અન્ય એક મિત્ર શૈલેષ બોરિયા સાથે ગાડી લઈને કાજલે કહેલી જગ્યા પર પહોંચી ગયો હતો. મોરબી રોડ જકાતનાકા પાસેથી કાજલ પણ દીપ અને શૈલેષ સાથે ગાડીમાં બેસી ગઈ હતી, અને તેના બતાવેલા રસ્તે દીપ અને શૈલેષ કાર હાંકવા લાગ્યા હતા. જોકે, બેડી પહેલા હડમતીયા ગામ નજીક કોઈની અવરજવર ના હોય ત્યાં કાજલે કાર લેવડાવી હતી, અને છોકરી હમણા આવી જશે તેમ કહી રાહ જોવા જણાવ્યું હતું.

દીપ અને શૈલેષ છોકરીની રાહ જોઈ રહ્યા હતા તેવામાં બે ટુ વ્હીલર પર ત્રણ લોકો ત્યાં ધસી આવ્યા હતા. તેમણે આ વિસ્તારમાં પાણીની મોટરો ચોરી થાય છે તેમ કહી દીપ અને શૈલેષને તમે કોણ છો કેમ કહીને તેમની સાથે ઝઘડવાનું શરુ કર્યું હતું. જોકે, આ દરમિયાન કાજલને જોઈને એક શખ્સે દીપ અને શૈલેષને ધમકી આપી હતી કે તમને બંનેને છોકરીના કેસમાં ફસાવી દઈશું. વળી, બીજા શખ્સે તો છરી કાઢી દીપને ધમકાવ્યો હતો, અને મેટર પૂરી કરવી હોય તો બે લાખ આપી દો તેમ જણાવ્યું હતું.

આખરે રકઝક બાદ એક લાખ રુપિયામાં પતાવટ કરવાનું નક્કી થતાં એક શખ્સ કાજલ સાથે રવાના થઈ ગયો હતો, અને બીજા બંનેએ દીપને પોતાની પાસે બેસાડી લઈ શૈલેષ પાસેથી સાડા છ હજાર પડાવી તેના એટીએમમાંથી પણ દસ હજાર કઢાવ્યા હતા, અને બાકીના પૈસાની વ્યવસ્થા કરવા માટે મોકલ્યો હતો. માંડ છટકેલા શૈલેષે મોકો મળતા જ પોલીસ કંટ્રોલ રુમમાં ફોન કરીને આ અંગે જાણ કરી દેતા પોલીસ હરકતમાં આવી ગઈ હતી.

કુવાડવા પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.પી. મેઘલાતરે ટ્રેપ ગોઠવી શૈલેષને જણાવ્યું હતું કે તે પેલા બંને શખ્સોને પૈસા લેવા માટે બેડી માર્કેટિંગ યાર્ડ પાસે પૈસા લેવા બોલાવી લે. શૈલેષે ફોન પર તે અનુસાર વાત કરતા બંને લોકો પૈસા લેવા આવ્યા હતા, અને આ દરમિયાન જ સાદા ડ્રેસમાં રહેલી પોલીસે બંનેને ઝડપી લીધા હતા. પૂછપરછમાં તેમણે પોતાના નામ વિજય ગરચર અને ગુણવંત મકવાણા જણાવ્યા હતા. જે શખ્સ કાજલને લઈને રવાના થઈ ગયો હતો તે અશોક કેરાળિયા હતો તેમ પણ પોલીસને જાણવા મળ્યું હતું.

પોલીસે સોમવારે અશોકની પણ ધરપકડ કરી લીધી હતી. જોકે, આ હનીટ્રેપની મુખ્ય સૂત્રધાર કાજલ ઉર્ફે દિવ્યા પોલીસની પકડમાં આવી શકી નથી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો