એપશહેર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી MAના અભ્યાસક્રમમાં રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ વિશે ભણાવશે

Mitesh Purohit | TNN 19 Jul 2019, 8:09 am
નિમેશ ખાખરિયા, રાજકોટઃ દેશ અને ગુજરાતના રાજકરણમાં ભાજપ માટે રાજકોટ એક મહત્વનો ગઢ અને ગૌરવનું સ્થળ છે. આ એજ જગ્યા છે જ્યાં આશરે 40 વર્ષ પહેલા રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ(RSS)ની રાજકીય પાંખ કહેવાતા જનસંઘના આગેવાનોએ ગુજરાતમાં ભાજપનો પાયો સૌ પ્રથમવાર નાખ્યો હતો. હવે એ જ રાજકોટમાં આવેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માસ્ટર્સ ઓફ આર્ટ્સનો અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓને રાષ્ટ્ર નિર્માણમાં સંઘના ફાળા અંગે ભણાવવામાં આવશે. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો યુનિવર્સિટીમાં MAના ત્રીજા સેમેસ્ટરમાં આગામી શૈક્ષણિક વર્ષથી RSS અંગે એક ચેપ્ટર ઉમેરવા માટેની તમામ જરુરિયાતો પૂરી કરી દેવામાં આવી છે. યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને ગુજરાતમાં જનસંઘના સંસ્થાપકો પૈકી એક પાયાના પથ્થર ચીમન શુક્લના પુત્ર નેહલ શુક્લ દ્વારા આ બાબતે રિપ્રેઝન્ટેશન આપ્યા બાદ આ પ્રકારનો નિર્ણય લેવાયો છે. ભાજપના એક્ટિવ કાર્યકર્તા નેહલ શુક્લએ પોતાના પત્રમાં યુનિવર્સિટીને લખ્યું હતું કે, ‘ભારતની આઝાદી પછી કોંગ્રેસ અને તેના જ સાથીદારો વર્ષો સુધી આ દેશ પર રાજ કરતા રહ્યા. તેમણે ઇરાદાપૂર્વક અને બદદાનતથી ભારતની આઝાદીની લડાઈમાં ગાંધી પરિવાર સિવાય કોઈ અન્યના ફાળાને મહત્વ આપ્યું જ નથી. જેનો ભોગ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ બન્યું છે. સંઘની વિચારધારાને તોડીમરોડીને ખોટી રીતે લોકો સમક્ષ રજૂ કરવામાં આવી છે.’ શુક્લે વધુમાં લખ્યું કે, ‘હવે જ્યારે સમગ્ર દેશમાં સંઘની વિચારધારાને લોકો આવકારી રહ્યા છે ત્યારે આગામી પેઢીઓએ ખાસ જાણવું જોઈએ કે આ સંસ્થાએ રાષ્ટ્રના નિર્માણમાં કેટલો ફાળો આપ્યો છે અને આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જવાબદારી છે કે તેઓ આ ફરજ નિભાવે.’ જ્યારે આ અંગે યુનિવર્સિટીની વાઈસ ચાન્સેલર નિતિન પેથાણીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, ‘અમને આ બાબતે પત્ર મળ્યો છે અને તેને લઈને અમે આગામી શૈક્ષણિક વર્ષમાં મંજૂરી મળી રહે તે માટે બોર્ડ ઓફ સ્ટડિઝ સમક્ષ એક પ્રસ્તાવ મુક્યો છે. હાલ સંઘ અંગેના આ કોર્સ પર અમારો ઈતિહાસ વિભાગ કામ કરી રહ્યો છે.’ જનસંઘે પહેલીવાર રાજકોટની સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં 1975માં વિજય પતાકા લહેરાવી હતી. આ એક ખૂબ જ મહત્વની ઘટના હતી જેના કારણે અટલ બિહારી વાજપેયી જેવા જનસંઘના દિગ્ગજ રાષ્ટ્રીય નેતા રાજકોટમાં જનસંઘના સ્થાપકો પૈકી એક અરવિંદ મણિયારના મેયર તરીકેના શપથ વિધિ કાર્યક્રમમાં સામેલ થવા આવ્યા હતા. યુનિવર્સિટીના ઈતિહાસ વિભાગના હેડ પ્રફુલા રાવલે કહ્યું કે, ‘અમે નાગપુર યુનિવર્સિટી સહિતની અન્ય યુનિવર્સિટીના RSS અંગના અભ્યાસક્રમનો અભ્યાસ કરીશું અને તેના આધારે યુનિવર્સિટીનો અભ્યાસક્રમ તૈયાર કરીશું. અત્યાર સુધી ઇતિહાસમાં RSSના ફાળાને યોગ્ય સ્થાન મળ્યું નથી અને અમને લાગી રહ્યું છે કે તેનો સમાવેશ પણ ઇતિહાસ ભણવામાં થવો જોઈએ.’

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો