એપશહેર

લીંબડીના રાજમહેલમાંથી 56 કિલો ચાંદીની એન્ટિક વસ્તુઓની ચોરી થતાં ખળભળાટ

Thefe in Limbdis Digbhuvan Palace: લીંબડીના રાજવી પરિવારના પેલેસમાંથી અમૂલ્ય વસ્તુઓની ચોરીની ઘટના બની છે. જોકે, આશ્ચર્યની વાત તો એ છે કે, 16થી 26 ફેબ્રુઆરીના 10 દિવસ દરમિયાન આ તમામ વસ્તુઓની ચોરી થઈ હતી. જેમાં વિવિધ એન્ટિક વસ્તુઓ તથા 56 કિલો ચાંદી પણ ચોરાઈ છે. હાલના ભાવ મુજબ કુલ 36 લાખથી પણ વધુની કિંમતની ચાંદી ચોરાઈ છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાત ધરવામાં આવી છે.

Edited byદીપક ભાટી | I am Gujarat 2 Mar 2022, 4:03 pm
સુરેન્દ્રનગર: લીંબડી સ્ટેટના રાજવી પરિવારના દિગ ભવન પેલેસમાં 16થી 26 ફેબ્રુઆરી દરમિયાન 10 દિવસમાં એન્ટિક તથા 56 કિલો ચાંદીની વસ્તુઓની ચોરી થતાં ખળભળાટ મચ્યો છે. મહેલમાં કામ કરતા બહેને તૂટેલી બારી જોઈને કશું બન્યું હોવાનું લીંબડી સ્ટેટ જયદીપસિંહ ઝાલાને જણાવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યુ કે, ચોર ટોળકીએ પેલેસના ગ્રાઉન્ડ ફ્લોર પાસે આવેલી લોખંડની બારી તોડીને મહેલમાં પ્રવેશ્યા હતા. ત્યારબાદ પેલેસના પહેલા અને બીજા માળના દસ જેટલા સ્ટોર રૂમના તાળા તોડ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો.
I am Gujarat Stealing in Limbdis Rajmahel
બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો


મીડિયા રિપોર્ટ અનુસાર પેલેસમાં થયેલી ચોરીમાં મુખ્ય 56 કિલો ચાંદી છે. ચોર ટોળકીએ 150 ગ્રામ ચાંદીની કુલ 45 વસ્તુઓની ચોરી કરી છે. ચોરાયેલી ચાંદી બીજા માળના સ્ટોર રૂમના પતરાની ચાર પેટીમાં રાખવામાં આવી હતી. આ ઉપરાંત રાજમાતા સાહેબના સમયના 2 રેડિયો, હાર્મોનિયમ અને બેન્જો, જયદીપસિંહજી બાપુના નાનાએ તેમનાં બહેનને આપેલી શુદ્ધ ચાંદીની ફુલદાની, ચુસ્કી, જારી, ટ્રે, હેફ ગ્લાસ, પ્યાલા, કટોરી, વાઈનકપ, ફોટોફ્રેમ, પલંગ પાયા, સદ્દગત ઠાકોરસાહેબ જસવંતસિંહજી બાપુની પીત્તળની પગ પાદુકાઓ અને રાજમાતાની એન્ટિક વસ્તુઓનો સમાવેશ થાય છે.

ચોરી પાછળ કોઈ જાણભેદુ હોવાની શક્યતા
પોલીસ તપાસમાં સામે આવ્યુ કે ચોરી કરનાર ટોળકી મહેલનો જાણભેદુ હોઈ શકે છે. કારણ કે, ચોર ટોળકી મહેલના કોઈ પણ સીસીટીવી કેમેરામાં દેખાઈ નથી. જેનો મતલબ કે, તેઓેને મહેલમાં ક્યાં ક્યાં સીસીટીવી લાગેલા છે તેની જાણ હતી. તેમજ ચોરી એક રાતમાં થઈ નથી અલગ અલગ દિવસોમાં વસ્તુઓ ઉઠાવવામાં આવી છે. જેથી આ ચોરીની તપાસ મામલે એફએસએલની ટીમની મદદ લેવાશે તેવું જાણવા મળ્યું છે.

36 લાખથી વધુની ચાંદી ચોરાઈરાજશાહી વખતની શુદ્ધ ચાંદી કે એન્ટિક વસ્તુ અમૂલ્ય હોય છે. રજવાડા વખતની ચાંદીની કિંમત આંકવી મુશ્કેલ છે પરંતુ હાલ ચાંદીનો ભાવ રૂ.65000ની આસપાસ હાવોથી 56 કિલો ચાંદીની કિંમત 36 લાખથી વધુ હોવાનું સામે આવી રહ્યું છે.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story