એપશહેર

ભૂકંપમાં ગુમાવ્યું ઘર, ફેક્ટરી અને પત્ની, દુઃખને ભૂલાવી રાખમાંથી બેઠા થયા વેપારી

2001માં આવેલા ભૂકંપમાં પત્ની, ઘર અને ફેક્ટરી ગુમાવનાર રાજેશ ભટ્ટ અનેક મુશ્કેલીઓની વચ્ચે પણ તેઓ યોદ્ધાની જેમ લડ્યા. આજે તેઓ આજે સફળ ઉદ્યોગપતિ છે.

Reported byNimesh Khakhariya | Written byમિત્તલ ઘડિયા | TNN 26 Jan 2021, 8:24 am
નિમેષ ખાખરીયાઃ આજથી 20 વર્ષ પહેલાના એટલે કે 26મી જાન્યુઆરી, 2021ના દિવસને કોણ ભૂલી શકે? આ એ જ કાળો દિવસ હતો જેણે ગુજરાતમાં વિનાશ વેર્યો હતો. કેટલાક લોકોને મોતના મુખમાં ધકેલ્યા હતા તો કેટલાકને પરિવાર તેમજ ઘરવિહોણા કરી દીધા હતા. સાચી તકલીફ, દુઃખ, મુશ્કેલી અને પરેશાની કોને કહેવાય એ તો તે દિવસે જેમના પર વીત્યું એ જ જાણે. પરંતુ આ બધાની વચ્ચે પણ અમુક યોદ્ધાની જેમ લડ્યા.
I am Gujarat rajesh bhatt
ભૂકંપમાં પડી ગયેલું ઘર અને દીકરી પ્રાર્થના સાથે રાજેશ ભટ્ટ


કચ્છના રાજેશ ભટ્ટની પણ કંઈક આવી જ વાત છે. વર્ષ 2001ની 26મી જાન્યુઆરીએ જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે તેમનું જીવન જાણે થંભી જ ગયું હતું. તેમણે તેમની પત્ની, ઘર અને ફેક્ટરી ગુમાવી હતી. આટલું ઓછું હોય તેમ, તેઓ કચ્છના સફળ ઉદ્યોગપતિ હોવા છતાં બેંકે તેમને નાદાર જાહેર કર્યા હતા, કારણ કે તેઓ તેમની લોન ચૂકવી શક્યા નહોતા.

આર્થિક રીતે ભાંગી પડેલા રાજેશ ભટ્ટ પર તેમની 10 વર્ષની દીકરી પ્રાર્થનાને એકલા હાથે ઉછેરવાની જવાબદારી પણ હતી. દુઃખ વચ્ચે પણ તેઓ હિંમત હાર્યા નહીં અને ફીનિક્સની (પોતાની જાતને બાળીને રાખમાંથી ફરી જન્મનાર પક્ષી) જેમ બેઠા થયા.

ભટ્ટ અને તેમનો પરિવાર ત્રણ વર્ષ પુનર્વસન શિબિરમાં પણ રહ્યો, આ દરમિયાન તેમણે ગ્રીન બ્રિક્સ (લીલી ઈંટ) બનાવવાનું શરુ કર્યું. આ નવો કોન્સેપ્ટ હોવાથી તેમને ઓર્ડર મેળવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો. જ્યારે તેમને જાણ થઈ કે, તે સમયના રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામ કચ્છની મુલાકાત લઈ રહ્યા છે, તો ભટ્ટે તેઓ શું કરી રહ્યા છે તે અંગેનો વિગતવાર મેઈલ તેમને મોકલ્યો હતો. જે બાદ ઉત્સુક રાષ્ટ્રપતિએ તેમને તરત જ મળવા બોલાવ્યા હતા.

'જ્યારે ડો. કલામે મને મળવા બોલાવ્યો તો હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો. તેમણે મારા કોન્સેપ્ટની પ્રશંસા કરી હતી', તેમ ભટ્ટે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું. ડો. કલામ સાથે મુલાકાત બાદ ભટ્ટને મોટા પ્રમાણમાં ઓર્ડર મળવા લાગ્યા હતા.

માગને પહોંચી વળવા માટે ભટ્ટને એક મશીન ખરીદવું પડ્યું હતું. પરંતુ ટૂંક સમયમાં તેમા ખામીઓ મળી આવી. બહાર તેનો કોઈ ઉકેલ શોધવાના બદલે ભટ્ટ અને તેમના બે ભાઈઓએ ગ્રીન બ્રિક્સનું ઉત્પાદન કરી શકે તેવું નવું મશીન ડિઝાઈન કર્યું. જે બાદ તેમણે આજ સુધી પાછું વળીને જોયું નથી.

ભટ્ટની કંપની સહજાનંદ ફ્લાયએશ બ્રિક્સ પ્લાન્ટ પ્રાઈવેટ લિમેટેડે, હાલમાં ભારતભરમાં 50 મશીન વેચ્યા છે, જેની કિંમત 8થી 10 કરોડ રુપિયા છે. તેમની દીકરીના લગ્ન પણ તેમણે ગયા વર્ષે કરાવ્યા હતા.
લેખક વિશે
Nimesh Khakhariya
Nimesh Khakhariya is an assistant editor with Times Of India.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો