એપશહેર

સુરતમાં નવાજૂનીના એંધાણ? AAP કોંગ્રેસથી આગળ, આપી રહી છે ભાજપને ટક્કર

120 બેઠકોમાંથી આમ આદમી પાર્ટી 18 બેઠકો પર આગળ, જ્યારે ભાજપ 40 અને કોંગ્રેસ 18 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે

I am Gujarat 23 Feb 2021, 11:26 am
સુરત: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ભાજપનો ગઢ ગણાતા સુરતમાં આમ આદમી પાર્ટીનો ઉદય થતો દેખાઈ રહ્યો છે. મતગણતરી શરુ થયાના ત્રણ કલાક બાદ આમ આદમી પાર્ટી કોંગ્રેસથી આગળ નીકળી ગઈ છે, અને ભાજપને ટક્કર આપી રહી છે. નવાઈની વાત એ છે કે, સુરતમાં જે વિસ્તારો ભાજપના વફાદાર ગણાય છે ત્યાં AAPના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.
I am Gujarat aap is emerging as a major challenger to bjp in early trends
સુરતમાં નવાજૂનીના એંધાણ? AAP કોંગ્રેસથી આગળ, આપી રહી છે ભાજપને ટક્કર


સવારે 11.15 કલાક સુધી થયેલી મતગણતરી બાદના ટ્રેન્ડ્સ અનુસાર, સુરતના કુલ 30 વોર્ડની 120 બેઠકોમાંથી ભાજપના ઉમેદવારો 40 બેઠક પર આગળ ચાલી રહ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટી 18 અને કોંગ્રેસ 10 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. નવાઈની વાત એ છે કે, આમ આદમી પાર્ટી સુરતમાં કોંગ્રેસ કરતાં પણ આગળ ચાલી રહી છે.

આમ આદમી પાર્ટીના આગેવાનોનો દાવો છે કે, તેઓ છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી સુરતમાં ગ્રાઉન્ડ તૈયાર કરવા માટે મહેનત કરી રહ્યા છે. પક્ષ દ્વારા જે ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો હતો તેમાં પણ શહેરીજનો ખરેખર શું ઈચ્છે છે તેને ધ્યાનમાં રાખી તેના મુદ્દા તૈયાર કરાયા હતા. ઉલ્લેખનીય છે કે, સુરતમાં જ પાટીદાર આંદોલનની સૌથી વધુ અસર જોવા મળી હતી અને તે વખતે પણ આમ આદમી પાર્ટીએ પોતાના પગ જમાવવા પ્રયાસ કર્યા હતા.

જોકે, સુરત સિવાય આમ આદમી પાર્ટી અન્ય પાંચ શહેરોમાં ખાસ કાઠું કાઢી શકી હોય તેવું અત્યારસુધી નથી દેખાઈ રહ્યું. અમદાવાદમાં AIMIMની બહેરામપુરાની પેનલ આગળ ચાલી રહી છે, તે સિવાય શહેરની 65 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ 10 બેઠકો પર આગળ છે. સવારે 11.15ની સ્થિતિ અનુસાર, અમદાવાદ અને રાજકોટમાં ભાજપ વિજય તરફ આગળ વધી રહેલો દેખાઈ રહ્યો છે.

વડોદરામાં 76 બેઠકોમાંથી ભાજપ 15 બેઠક પર જ્યારે કોંગ્રેસ 10 બેઠક પર આગળ ચાલી રહ્યા છે. આ બે પક્ષો સિવાય અહીં ત્રીજો કોઈ પક્ષ પોતાનું ખાતું હજુ સુધી ખોલી શક્યો નથી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો