એપશહેર

વલસાડ: બાઈક સ્લીપ થતાં રોડ પર પટકાયું દંપતી, બસ નીચે કચડાતા ઘટનાસ્થળે જ મોત

ફુલ લઈને દર્શન કરવા મંદિર જઈ રહેલા દંપતીને કાળ ભરખી ગયો, બસનું ટાયર ફરી વળતા પતિ-પત્નીનું કમકમાટીભર્યું મોત

Agencies 4 Jan 2021, 4:18 pm
વલસાડ: વલસાડમાં બાઈક સ્લીપ થતાં એક દંપતીનું કરૂણ મોત નીપજ્યું છે. મળતી માહિતી પ્રમાણે બાઈક સ્લીપ થતાં પાછળથી આવી રહેલી એસટી બસનું ટાયર બંનેના માથાના ભાગે ફરી વળતા પતિ-પત્નીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. તેમજ 108 એમ્બ્યુલન્સ અને પોલીસને બનાવ અંગે જાણ કરાતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
I am Gujarat 7
પ્રતિકાત્મક તસવીર


બસનું ટાયર ફરી વળતા મોત
સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ આ અકસ્માત વલસાડના આરપીએફ ગ્રાઉન્ડ પાસે સર્જાયો હતો. પતિ-પત્ની બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ બાઈક સ્લીપ થતાં રોડ પર પટકાયા હતા. આ દરમિયાન પાછળથી આવી રહેલી એસટી બસની નીચે આવી જતા બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.

દર્શન કરવા જઈ રહ્યું હતું દંપતી અને કાળ ભરખી ગયો
મળતી માહિતી પ્રમાણે અકસ્માતમાં મોતને ભેટેલું દંપતી ફૂલ લઈને તડકેશ્વર મંદિરે દર્શન કરવા જઈ રહ્યું હતું ત્યારે રસ્તામાં અકસ્માત નડ્યો હતો. મૃતક પતિ-પત્ની મોટા તાઈવાડના હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ એસટી બસનો ડ્રાઈવર પોલીસ સામે હાજર થઈ ગયો હતો. હાલ સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

બાઈક સ્લીપ થતાં રોડ પર પટકાયા હતા પતિ-પત્ની
મીડિયા રિપોર્ટ મુજબ મોટા તાઈવાડનાં લક્ષ્મીબેન અને ધીરુભાઈ ટંડેલ ધરમપુર રોડ પર બાઈક લઈને મંદિરે દર્શન માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન RPF ગ્રાઉન્ડ પાસે તેમનું બાઈક સ્લીપ થઈ જતાં બંને રોડ પર પટકાયાં હતાં. ત્યારે પાછળથી આવતી એસટી બસનું ટાયર ફરી વળ્યું હતું.

Read Next Story