એપશહેર

સુરતઃ જેલમાં બંધ માતાને જોવા તડપી રહ્યો હતો દીકરો, અધિકારીઓએ વિડીયો કોલથી કરાવી મુલાકાત

Yogesh Gajjar | I am Gujarat 1 May 2020, 8:15 am
સુરતઃ કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે કરાયેલા લોકડાઉનથી ઘણા લોકો જ્યાં છે ત્યાં અટવાઈ ગયા છે. લોકો ઘરની બહાર ન જઈ શકવાથી પોતાના સ્વજનો સાથે વિડીયો કોલથી જોડાયેલા રહે છે. ગુરુવારે 9 વર્ષના અક્ષય (નામ બદલ્યું છે)ને પણ 20 કિલોમીટર દૂર રહેલી પોતાની માતા સાથે વિડીયો કોલથી વાત કરવી પડી. અક્ષય બાળ સંરક્ષણ ગૃહમાં રહે છે, જ્યારે તેની માતા હત્યાના ગુનામાં લાજપોર જેલમાં બંધ છે. લોકડાઉનના કારણે તે પોતાની માતાને મળી નહોતો શકશો. જોકે ગુરુવારે વિડીયો કોલ દ્વારા તેની આ ઈચ્છા પૂરી કરવામાં આવી.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:અક્ષય છેલ્લીવાર પોતાની માતાને 25મી ફેબ્રુઆરીએ મળ્યો હતો. આમ છેલ્લા 65 દિવસથી માતાનો ચહેરો ન જોઈ શકતા તે ઉદાસ હતો, પરંતુ ગુરુવારે પોતાની માતા જુન્નુ સાહુ સાથેના 10 મિનિટના વિડીયો કોલે તેના ચહેરા પર સ્મિત લાવી દીધું. તે દર મહિનાની 25 તારીખે પોતાની માતાને મળવા લાજપોર સેન્ટ્રલ જેલ જતો હતો. પરંતુ લોકડાઉનના કારણે છેલ્લા બે મહિનાથી તેની ઈચ્છા પૂરી નહોતી થઈ શકતી.ગુરુવારે અધિકારીઓએ માતા અને દીકરાને એકબીજાના ખબર અંતર પૂછવા માટે વિડીયો કોલની વ્યવસ્થા કરી આપી હતી. બાળ સંરક્ષણ ગૃહ તરફથી મીટિંગ માટે એપ્લિકેશન કરવામાં આવી હતી. જેલ અધિકારીઓ દ્વારા મીટિંગની તારીખ અપાતા અક્ષયે ફોનથી વિડીયો કોલ દ્વારા માતા સાથે મુલાકાત કરી હતી.સાહુએ પોતાના મિત્ર પપ્પુ ચૌહાણ સાથે મળીને લિંબાયતમાં 2014માં પોતાના પતિ પુરણચંદની હત્યા કરી હતી. આ મામલે કોર્ટે તેને દોષી જાહેર કરીને આજીવન કેદની સજા ફટકારી હતી. અક્ષય પોતાની માતા સાથે જેલમાં જ 6 વર્ષ સુધી રહ્યો. બાદમાં નિયમો મુજબ તેને કતારગામમાં આવેલા વી.આર પોપવાલા બાળગૃહમાં મૂકાયો. તે ધોરણ 4માં અભ્યાસ કરે છે.બાળ સંરક્ષણ ગૃહના કાઉન્સેલર વિજય પરમાર કહે છે, છોકરો પોતાની માતાને બે મહિનાથી નહોતો મળ્યો. પર્સનલ મીટિંગમાં તે માતાને ગળે લાગી શકે છે, પરંતુ વિડીયો કોલમાં તે શક્ય નથી. પરંતુ તેઓ એકબીજાને જોઈ શકે છે.જિલ્લા ચાઈલ્ડ પ્રોટેક્શન ઓફિસર જયેન્દ્ર ઠાકોરે કહ્યું, અમે જેલમાં રહેતા અન્ય કેદીઓ માટે પણ પોતાના બાળકો સાથે મુલાકાત કરાવવા આ પ્રકારની મીટિંગનું આયોજન કર્યું હતું. પોતાના બાળકોને આ રીતે જોઈને પણ મા-બાપે રાહતનો શ્વાસ લીધો હતો.લાજપોર જેલના સુપ્રિટેન્ડેન્ટ મનોજ નિનામા કહે છે, અમે માતા અને દીકરા માટે વિડીયો મીટિંગની વ્યવસ્થા કરી હતી. લોકડાઉનના કારણે જેલમાં રહેલા અન્ય કેદીઓને પણ પોતાના પરિવાર સાથે મુલાકાત વિડીયો કોન્ફરન્સિંગની મદદ લેવાઈ હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો