એપશહેર

માતાના નિધનના ત્રીજા દિવસે ફરજ પર હાજર થઈ ગયા સુરત મ્યુ.ના આ અધિકારી

સુરતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે SMCમાં નોકરી કરતાં એક અધિકારીએ તેમની માતાના મૃત્યુના ત્રીજા જ દિવસે ફરજ પર જોડાઈને કર્તવ્યનિષ્ઠાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

TNN 24 Jul 2020, 8:56 am
સુરતઃ 'મારા મૃત્યુ બાદ દુઃખી ન થતો, તું તારી ફરજ બજાવજે અને જરૂરિયાતમંદોની સેવા કરજે મારા દીકરા', આ છેલ્લા શબ્દો હતા સુરત મહાનગરપાલિકાના વરાછા-A ઝોનના ઝોનલ ચીફ દિનેશચંદ્ર જરીવાલાના 76 વર્ષીય માતાના. જેમણે 16મી જુલાઈના રોજ અંતિમ શ્વાસ લીધા હતા અને આ ફાની દુનિયાને અલવિદા કહ્યું હતું.
I am Gujarat SURAT SMC WARRIOR
તસવીર સૌજન્યઃ ગૌરાંગ જોશી


માતાએ કહેલા શબ્દોનું માન રાખીને જરીવાલા મહામારી સામેની લડાઈને ચાલુ રાખવા માટે માતાના અવસાનના ત્રીજા જ દિવસે ફરજ પર જોડાઈ ગયા હતા.

વાયરલ ન્યુમોનિયાના કારણે કાંતાબેન જરીવાલાનું ઓક્સિજન લેવલ ઘટી જતાં 8મી જુલાઈએ તેમને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વરાછા ઝોનમાં કોવિડ-19ના કેસ સતત વધી રહ્યા હોવાથી જરીવાલા એક દિવસની પણ રજા લઈ શક્યા નહીં. જો કે, તેમણે સમાજ તેમજ માતાની સેવા કરવાનું ચાલુ રાખ્યું હતું.

વરાછા-A ઝોનના ઝોનલ ચીફ હોવાથી જરીવાલાને સ્વચ્છતા, આરોગ્યની ટીમો સાથે કો-ઓર્ડિનેશન, હોટસ્પોટનું માઈક્રો પ્લાનિંગ, ધનવંતરી રથની જવાબદારી, હેલ્થ સર્વિલાન્સનું મોનિટરિંગ સહિતની અન્ય જવાબદારીઓની દેખરેખ રાખવી પડે છે.

'મારી માતા 16 જુલાઈએ મૃત્યુ પામ્યા અને તેના એક દિવસ પહેલા તેમણે મને કહ્યું હતું કે, તું વરાછામાં કોવિડ-19થી પીડિત લોકોની સેવા કરજે, મારા પાછળ શોક મનાવતો નહીં. જ્યારે તેઓ હોસ્પિટલમાં હતા ત્યારે પણ તેમણે મને સમયનો વેડફાટ ન કરવાની અને ડ્યૂટી પર જવાની તેમજ કામ પર ધ્યાન કેન્દ્રીત કરવાની સલાહ આપી હતી. મેં તેમને આપેલું વચન પાળ્યું અને તેમના મૃત્યુના ત્રીજા જ દિવસે ડ્યૂટી પર આવી ગયો', તેમ જરીવાલાએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું.

તેમણે તેમના બાળપણના દિવસો યાદ કરતાં જણાવ્યું હતું કે, તેમના માતા-પિતા જરીના યુનિટમાં કામ કરતા હતા અને તેઓ બેગમપુરામાં એક રૂમના મકાનમાં રહેતા હતા. આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવા છતાં તેમને યોગ્ય શિક્ષણ મળે તે માટે તેમના માતા-પિતાએ ખૂબ મહેનત કરી હતી અને તેમને મહાનગરપાલિકામાં સેવા આપવા માટે જોડાવવા સક્ષમ બનાવ્યા હતા.

'મને જ્યારે SMCમાં નોકરી મળી તો મારા માતા-પિતા ખુશ-ખુશ થઈ ગયા હતા. આ તેમના જ આશીર્વાદ છે', તેમ જરીવાલાએ ભાવુક થતાં જણાવ્યું હતું.
OMG! 299 કિમીની ઝડપે ચલાવી રહ્યો હતો બાઈક, પછી આ રીતે પકડાયો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો