એપશહેર

સુરતમાં કાર સળગી અને મોટો ભાંડો ફૂટ્યો, બોનેટમાંથી મળી દારુની બોટલો

સુરતના વરાછા વિસ્તારમાં રોડ પર પાર્ક કરેલી કારમાં એકાએક લાગી આગ. ફાયર બ્રિગેડના કર્મચારીઓને આગ બુઝાવવા દરમિયાન કારમાંથી મળી દારૂની બોટલો.

I am Gujarat 28 Jan 2021, 6:04 pm
સુરત: રાજ્યમાં દારુબંધી માત્ર કહેવા પૂરતી રહી ગઈ છે. છાશવારે ટ્રકે-ટ્રક ભરીને દારૂ રાજ્યમાંથી પકડાતો રહે છે અને છૂટક દારુ તો લગભગ રોજ ક્યાંકને ક્યાંક પકડાતો રહે છે. જોકે, બુટલેગરો પોલીસની નજરમાંથી બચવા એવી-એવી તરકીબો અજમાવે છે કે, જ્યારે તેમનો ભાંડો ફૂટે ત્યારે પોલીસ પણ એમની ચાલાકી જોઈને ચોંકી જાય છે. સુરતમાં આજે પણ એક એવો જ બનાવ બન્યો છે. જોકે, અહીં તો પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યા જેવો ઘાટ સર્જાયો છે. બન્યું એવું કે, સુરતના વરાછા વિસ્તારમાં એક કારમાં આગ લાગી હતી, જેના બોનેટમાંથી દારૂની બોટલો મળી આવી હતી.
I am Gujarat Surat burning car


સુરતના વરાછા વિસ્તારમાં ઈશ્વરકૃપા ત્રણ રસ્તા પાસે આહિર સમાજની વાડી પાસે રસ્તા પર રેનોલ્ટની ક્વીડ કાર પાર્ક કરેલી હતી. જેમાં અચાનક આગ લાગી ગઈ હતી. જેને પગલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આગ પર કાબુ મેળવવા દરમિયાન ફાયર બ્રિગેડના કર્મચારીઓને કારના બોનેટમાં દારૂની બોટલો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું તપાસ કરતાં બોનેટમાંથી દારૂ ભરેલી 62 બોટલો અને 5 બોટલો ખાલી મળી આવી હતી. આ ઉપરાંત બોનેટની નીચે એન્જિનના ભાગમાં પણ બોટલો સંતાડીને રાખવામાં આવી હતી.

આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં કારની નંબર પ્લેટ પણ બોગસ હોવાનું સામે આવ્યું હતું. કારની આગળના ભાગમાં વલસાડ અને પાછળ સુરત પાસિંગની નંબર પ્લેટ જોવા મળી હતી. વરાછા પોલીસે કારમાંથી રૂ. 20 હજારથી વધુની કિંમતનો દારૂ અને કાર મળી કુલ 1 લાખથી વધુની મત્તા કબજે કરી, અજાણ્યા કાર માલિક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read Next Story