એપશહેર

સુરત 'પાસ'ના નેતા નિખિલ સવાણીનું રાજીનામું

I am Gujarat 1 Sep 2016, 5:51 pm
સુરતઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)માં કેતન પટેલ અને ચિરાગ પટેલની હકાલપટ્ટી કરાયા બાદ હવે સુરત ‘પાસ’ના કન્વીનર નિખિલ સવાણીએ સમિતિના તમામ પદેથી રાજીનામું આપી દીધું છે. નિખિલે સુરતમાં અનામત આંદોલન દરમિયાન મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. છેલ્લા ઘણા સમયથી પાટીદાર અનામત આંદોલન સમિતિમાં મતભેદો અને ભાગલા પડી ગયા હોવાની ચર્ચા છે. હવે નિખિલના રાજીનામાથી પાટીદાર આંદોલનને દક્ષિણ ગુજરાતમાં અસર થઈ શકે છે. નિખિલ સવાણીએ વડોદરા, ભરૂચ અને નર્મદાના ‘પાસ’ મીડિયા કન્વીનરપદેથી રાજીનામું આપ્યું છે. રાજીનામાના કારણ અંગે નિખિલે કહ્યું છે કે, તેણે હાર્દિક પટેલના અડિયલ વલણને કારણે રાજીનામું આપ્યું છે. સુરતના આ પાટીદાર નેતાએ ગુરુવારે કહ્યું હતું કે, ‘હાર્દિક પટેલ જિદ્દી છે અને કોઈનું પણ સાંભળતો નથી.’
I am Gujarat surat pass convenor nikhil sawani resign to pass
સુરત 'પાસ'ના નેતા નિખિલ સવાણીનું રાજીનામું


નિખિલ સવાણીએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, ‘અનામત આંદોલન પાટીદાર સમાજના હિત માટે શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ લાગે છે કે હવે તે રાજકીય થઈ ગયું છે. આંદોલનના નેતા મૂળ મુદ્દાથી ભટકીને રાજકારણ તરફ આગળ વધી રહ્યા છે. આંદોલનની શરૂઆતમાં હાર્દિક સૌનું સાંભળતો હતો, પણ હવે તે મનમાની કરે છે. કોઈની સલાહ લેવામાં માનતો નથી.’ રાજદ્રોહના આરોપમાં હાર્દિક પટેલ લાજપોર જેલમાં હતો ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં નિખિલ સવાણીએ આંદોલનને સક્રિયા રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેણે ઉપવાસ પણ કર્યા હતા.

તેણે કહ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલન સમિતિએ સમાજના હિતનું સંગઠન છે. આ સંગઠન કોઈ રાજકીય પાર્ટી નથી. ઇચ્છા પડે તે નિવેદન આપીને સમાજને નુકસાન કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, ‘મારી પરના આરોપો સાબિત કરો, પછી પોતે સાચા છો એવું કહેજો. તાકાત હોય તો આરોપો મૂકજો અને માનસિક ત્રાસ આપજો. આંદોલન ભાજપ સરકાર સામે ચાલુ જ રહેશે. હું હાર નહિ માનું અને બદનામીથી પણ ડરતો નથી.’

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો