એપશહેર

દમણથી આવેલી લક્ઝરીમાંથી ઝડપાઈ દારુની 360થી વધુ બોટલો, 43 જણાંની ધરપકડ

લક્ઝરી બસ ભાડે કરીને દમણ ફરવા ગયેલા સુરત જિલ્લાના યુવકો પોતાની સાથે દારૂની બોટલો પણ લેતા આવ્યા હતા.

I am Gujarat 11 Jan 2021, 11:29 pm
અમદાવાદ: રાજ્યમાં દારૂની હેરાફેરી રૂટિન વાત થઈ ગઈ છે. છૂટક-છૂટક તો રોજે-રોજ દારૂ પકડાતો રહે છે. વળી, રાજ્યમાંથી ખાસ દારૂ પીવા માટે દીવ, દમણ અને આબુ જનારાઓની સંખ્યા પણ ઘણી છે. પણ, સુરત જિલ્લાના યુવકોએ તો બધાને પાછળ છોડી દીધા છે. મોજ-મસ્તી કરવા દમણ ગયા અને ત્યાંથી પોતાની સાથે દારૂ પણ લેતા આવ્યા અને તે પણ એટલી બધી બોટલો કે પોલીસ પણ આશ્ચર્યમાં મૂકાઈ ગઈ હતી. લક્ઝરી બસ ભાડે કરીને દમણ ફરવા ગયેલા આ સુરતીઓને પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારુ સાથે ઝડપી લીધા. લક્ઝરી બસમાંથી 363 જેટલી દારુની બોટલો પોલીસે જપ્ત કરી છે અને લક્ઝરી બસના ડ્રાઈવર-ક્લીનર સહિત 43 લોકોની ધરપકડ કરી છે. આ તમામ સુરત જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
I am Gujarat Surat liquor


મળતી માહિતી મુજબ, સુરત જિલ્લાના બારડોલી અને ઓલપાડ આસપાસના વિસ્તારના દારૂ પીવાના શોખીન યુવકો લક્ઝરી બસ ભાડે કરીને દમણ ફરવા ગયા હતા. દમણમાં આ લોકોએ મનભરીને મોજ-મસ્તી કરી અને દારૂ પણ ખૂબ પીધો. પણ આટલેથી તેમનું મન ભરાયું ન હોય તેમ આ લોકો ત્યાંથી પાછા આવતી વખતે પોતાની સાથે દારૂની બોટલો પણ લઈને આવ્યા હતા અને તે પણ એક-બે નહીં, 363થી વધુ દારૂની બોટલો લઈને આવ્યા હતા.

દરમિયાનમાં ગુજરાત અને દમણની હદ પર આવેલી પાતલીયા ચેકપોસ્ટ પાસે વલસાડ જિલ્લાની પારડી પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી. તે સમયે દમણમાંથી ગુજરાતમાં પ્રવેશી આ લક્ઝરી બસને પણ પોલીસે રોકી હતી. લક્ઝરીના ડ્રાઈવર અને ક્લીનરની તપાસ કરતા તેમની પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. બાદમાં પોલીસે બસમાં બેઠેલા લોકોની તપાસ કરતા તે બધાની પાસેના થેલામાંથી પણ દારૂની બોટલો મળી હતી. જેથી આખી લક્ઝરી બસને પારડી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી હતી. આ લોકોનો દમણમાં કરેલી મજાનો બધો નશો પોલીસ સ્ટેશનમાં પહોંચતાં જ ઉતરી ગયો હતો.

પોલીસે આ લક્ઝરી બસના ડ્રાઈવર સૌરભ ભાવસાર અને ક્લીનર સહિત બસમાં બેઠેલા 43 લોકો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ લોકો પાસેથી અંદાજે 91 હજાર રૂપિયાથી વધુ કિંમતની દારૂની 363 જેટલી બોટલો અને લક્ઝરી બસને જપ્ત કરી છે. 31મી ડિસેમ્બરની આસપાસ તો રાજ્યમાં અવાર-નવાર દારૂનો આટલો જથ્થો ઝડપાતો હોય છે. પણ, તેમાં એકાદ-બે જણ પકડાતાં હોય છે. પણ આ તો 43 લોકો દારૂની બોટલો સાથે ઝડપાયા છે.

Read Next Story