એપશહેર

વાપીઃ કારને ગીરવે મૂકાવી મૃતદેહ સોંપનારી હોસ્પિટલની કોવિડ-19 હોસ્પિટલ તરીકેની માન્યતા રદ

મૃતકના પરિવાર પાસે બિલ ચૂકવવાના રૂપિયા ન હોવાથી વાપીની હોસ્પિટલે તેમની પાસે કાર ગીરવે મૂકાવ્યા બાદ મૃતદેહ સોંપ્યો હતો

I am Gujarat 16 Apr 2021, 8:50 pm
કોરોના કાળમાં ઘણી હોસ્પિટલો દ્વારા માનવતા પણ નેવે મૂકી દેવામાં આવી હોય તેવી ઘટનાઓ સામે આવતી રહે છે. આવી જ એક ઘટના વાપીમાં સામે આવી છે. દર્દીના મૃત્યુ બાદ તેનો મૃતદેહ સોંપવા માટે કાર ગીરવે મૂકાવવા બદલ વાપીની જાણીતી ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલની પરવાનગી રદ્દ કરી દેવામાં આવી છે.
I am Gujarat hospital


વલસાડ જિલ્લા કલેક્ટરે પોતાની માનમાની કરતા તથા ગંભીર બેદરકારી હોસ્પિટલોને પાઠ ભણાવવા માટે જિલ્લાની સૌથી જાણીતી ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલમાં ચાલતી કોવિડ હોસ્પિટલની માન્યતા રદ્દ કરવાનો આદેશ કર્યો છે.

સરીગામની કોરોનાગ્રસ્ત મહિલાને ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. હોસ્પિટલે કહ્યું હતું કે બિલ ચૂકવ્યા બાદ જ મૃતદેહ સોંપવામાં આપવામાં આવશે. જોકે, ત્યારે પરિવારજનોએ રૂપિયા ન હોવાથી સંચાલકે કાર ગીરવે મૂકીને લાશનો કબ્જો આપ્યો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. જોકે, હોસ્પિટલે આવા આક્ષેપોને ફગાવી દેતાં તેને પાયાવિહોણા ગણાવ્યા હતા.

પોતાના સ્વજનના મોતથી આઘાતમાં રહેલા પરિવારજનોને હોસ્પિટલે કહ્યું હતું કે તેઓ બિલની રકમ ચૂકવશો પછી જ મૃતદેહ સોંપવામાં આવશે. જેના કારણે પરિવારજનોની હાલત કફોડી બની ગઈ હતી. નાણાની વ્યવસ્થા ન થઈ શકવાના કારણે કાર ગીરવે મૂકીને લાશને સોંપવામાં આવી હોવાનો આરોપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે. મૃતકના સંબંધીએ જણાવ્યું હતું કે, બીજા દિવસે હોસ્પિટલમાં જઈને બિલની ચૂકવણી કર્યા બાદ કાર પરત આપવામાં આવી હતી.

જોકે, હોસ્પિટલની બેદરકારી અહીં જ પૂરી થઈ ન હતી. હોસ્પિટલ સત્તાવાળાઓએ કોરોનાના શંકાસ્પદ દર્દીના મૃતદેહને કોવિડ-19 પ્રોટોકોલ મુજબ અંતિમ સંસ્કાર કરવાના બદલે મૃતદેહ પરિવારજનોને સોંપી દીધો હતો. હોસ્પિટલની ગંભીર બેદરકારી અંગે મીડિયામાં અહેવાલો વહેતા થયા હતા. વલસાડ જિલ્લા કલેક્ટરે પણ આ ઘટનાને ગંભીરતાથી લીધી હતી. તેમણે આવી હોસ્પિટલોને પાઠ ભણાવવા માટે ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલમાં ચાલતી કોવિડ-19 હોસ્પિટલની માન્યતા રદ્દ કરી દીધી હતી અને તપાસનો આદેશ પણ આપ્યો છે.

Read Next Story