એપશહેર

એસ.ટી બસમાં દારૂની હેરાફેરી થઈ રહી હતી, કંડક્ટરને ગંધ આવી જતા ભાંડો ફૂટી ગયો

I am Gujarat 9 Feb 2021, 1:39 pm
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રોજે રોજે હજારોની કિંમતનો દારૂ પકડાઈ રહ્યો છે. બીજી તરફ બૂટલેગરો પણ રાજ્યમાં દારૂ ઘુસાડવા માટે અવનવી તરકીબો અપનાવી રહ્યા છે. એવામાં હવે એસ.ટી બસમાંથી દારૂની હેરાફેરી કરાતી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. તાજેતરમાં બોડેલી પોલીસે એસ.ટી બસમાંથી 32 હજાર રૂપિયાની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. સાથે જ આ દારૂની હેરાફેરી કરી રહેલા બૂટલેગરની પણ ધરપકડ કરાઈ છે.
I am Gujarat bus 1


સ્થાનિક ન્યૂઝ રિપોર્ટ્સ મુજબ, છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી બસ ડેપોમાં એક બૂટલેગર એક થેલામાં દારૂની બોટલો મૂકીને હેરાફેરી કરી રહ્યો હતો. દારૂની હેરાફેરી માટે બૂટલેગરે વિમલના થેલાનો ઉપયોગ કર્યો હતો. તેમાં ભારતીય બનાવટની દારૂની બોટલો મૂકી હતી અને આ થેલાને એસ.ટી બસના લગેજ બોક્સમાં મૂકવ્યો હતો. એટલું જ નહીં, બૂટલેગરે કંડક્ટર પાસેથી લગેજની ટિકિટ પણ મેળવી હતી. જે બાદમાં બૂટલેગર પોતે બસમાં સવાર થઈ ગયો હતો.

આ બસ છોટાઉદેપુરથી અમદાવાદ શહેર ખાતે આવી રહી હતી. જોકે, આ દરમિયાન કંડક્ટરને દારૂની ગંધ આવી હતી. આથી તેણે લગેજ બોક્સ તપાસ્યું હતું. લગેજ બોક્સમાં કંડક્ટરને એક વિમલના થેલામાં દારૂની બોટલો ભરી હોવાનું માલુમ પડતા તેણે પોલીસને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં જ પોલીસ ત્યાં દોડી આવી હતી અને લગેજ બોક્સમાંથી દારૂ ભરેલો થેલો બહાર કાઢ્યો હતો. જ્યારે બસની અંદર બેઠેલા વિનયા રાઠવા નામના બૂટલેગરને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 32 હજાર રૂપિયાની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ મામલે પોલીસે બૂટલેગરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બુટલેગર આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને ક્યાં લઈ જતો હતો તેની તપાસ શરૂ કરી છે.

Read Next Story