એપશહેર

દાહોદથી મજૂરોને ખીચોખીચ ભરીને સૌરાષ્ટ્ર જતી ખાનગી ટ્રાવેલ્સ મહીસાગરમાં પલટી

દાહોદના સંજેલીથી 50થી વધુ મજૂરોને બસમાં ખીચોખીચ ભરીને કાલાવડ જતી ખાનગી ટ્રાવેલ્સ બસ વળાંકમાં પલટી મારી, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

I am Gujarat 21 Sep 2020, 3:59 pm
વડોદરા: દાહોદના સંજેલીથી સૌરાષ્ટ્રના કાલાવડ જઇ રહેલી ખાનગી ટ્રાવેલ્સ બસ મોડી રાત્રે મહીસાગર જિલ્લાના પઢારિયા ગામ પાસે પલટી ખાઇ જતાં 50થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્તોને સારવાર માટે લુણાવાડાની સિવિલ હોસ્પિટલ જ્યારે કેટલાક ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે ગોધરાની સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ ટ્રાવેલ્સ પલટી જવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
I am Gujarat 7

પ્રાપ્ત વિગતો મુજહ રવિવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ ટ્રાવેલ્સ મજૂરોને લઇને સંજેલીથી કાલાવડ તરફ જઇ રહી હતી, ત્યારે મહીસાગર પઢારિયા ગામ પાસે વળાંકમાં બસ પલટી ગઈ હતી. બસના ડ્રાઈવરે સ્ટયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રાવેલ્સ પલટી જતાં ધડાકાભેર અવાજ થયો હતો જેથી મોડીરાત્રે પઢારિયા ગામના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને ઈજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.
મીડિયા રિપોર્ટ મુજબ બસ પર કેટલા મજૂરો પર બેસેલા હતા જે અકસ્માત થતાંની સાથે જ નીચે પટકાયા હતા. જ્યારે કેટલાક લોકો બસની અંદર ફસાઇ ગયા હતા. સ્થાનિકોએ ઈજાગ્રસ્તોને બહાર કાઢીને 108 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બનાવની જાણ કરાતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે હાલ સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.

નિયમોના લીરેલીરા ઉડ્યા
કોરોના કાળમાં સરકાર દ્વારા બસમાં 50ની કેપિસિટીમાં 30 લોકોને બેસાડવાની સૂચના આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે આ ખાનગી ટ્રાવેલ્સમાં 50થી પણ વધુ મજૂરોને ખીચોખીચ ભરીને સૌરાષ્ટ્ર તરફ જઈ રહી હતી. જેથી સોશિયલ ડિસ્ટન્સિંગ અને સરકારની ગાઈડલાઈનનું પણ ઉલ્લઘંન થયું છે. જ્યારે બીજી તરફ એ સવાલ પણ થાય છે કે 50થી વધુ મજૂરોને લઈ જતી ઓવરલોડ બસને જોઈને પોલીસે કેમ ક્યાંય રોકી નહીં.

સ્થાનિકે જણાવ્યું હતું કે, રવિવારે મોડારાત્રે 10 વાગ્યાના સુમારે આસપાસ લુણાવાડાથી સંતરામપુર બાજુ જતી ખાનગી બસ પઢારિયા બસ સ્ટેન્ડ પલટી મારી હતી. બસ પલટી જતાં ધડાકો થયો હતો, જેની અવાજ સાંભળીને ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બસમાં અંદર જે માણસો ફસાયેલા હતા તેમને બહાર કાઢ્યા હતા. તેમજ જે લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી એ બધાને અમે 108 અને પોલીસનો સંપર્ક કરી હોસ્પિટલ ખસેડ્યા હતા. 10થી 15 લોકોને ગંભીર ઈજાઓ થઈ છે. જેમાંથી 4 લોકોની હાલત ગંભીર છે. પરંતુ એમાં કોઈ મોટી જાનહાનિ નથી થઈ તે કુદરતની મેહરબાની છે. મારે તંત્રને એવું કહેવું છે કે, આવી ખાનગી બસોમાં ખીચોખીચ ભરીને બેફામ રીતે હંકારવા સામે પગલા લેવામાં આવે તો આવા ગમ્ખવાર અકસ્માતો અટકાવી શકાય છે.

Read Next Story