એપશહેર

વડોદરા નજીક બાઈક ટચ થઈ જતાં ગાડીવાળાએ શિક્ષકને ઉઠાવીને ના કરવાનું કર્યું

કરજણ પાસે ગાડી ઓવરટેક કરી રહી હતી ત્યારે બાઈક ટચ થઈ ગયું, ગાડીવાળા શિક્ષકને ઉઠાવી ગયા અને ઢોર માર મારી ફેંકી દીધા

I am Gujarat 28 Dec 2020, 3:42 pm
વડોદરા: બાઈક પર ડભોઈથી ભરુચ જઈ રહેલા 48 વર્ષના એક શિક્ષકની બાઈક એક ગાડીને ટચ થઈ ગયા બાદ થયેલી બબાલમાં શિક્ષક પર કલ્પના પણ ના થઈ શકે તેવી હિંસા આચરવામાં આવી છે. નિલેશ વસાવા નામના આ શિક્ષકને ન માત્ર ઢોર માર મારવામાં આવ્યો હતો, પરંતુ તેની સાથે તેમની પાસેથી 82 હજાર રુપિયા તેમજ ફોન પણ લૂંટી લેવાયા હતા.
I am Gujarat bharuch accident
પ્રતિકાત્મક તસવીર


કરજણ પાસે નેશનલ હાઈવે-48 પરથી નિલેશ વસાવા બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે 25 ડિસેમ્બરના રોજ આ ઘટના બની હતી. ગાડી ઓવરટેક કરી રહી હતી ત્યારે તેમની બાઈક તેને ટચ થઈ ગઈ હતી. જોકે, નિલેશ વસાવાએ તેના પર ખાસ ધ્યાન નહોતું આપ્યું. પરંતુ ગાડીવાળાએ તેમને કરજણ પાસે અટકાવ્યા હતા, અને ચાકૂ બતાવીને ગાડીમાં બેસી જવા માટે કહ્યું હતું. ગાડી ચલાવી રહેલા શખ્સે નિલેશભાઈના બાઈકની ચાવી લઈ લીધી હતી, અને તેમને માર મારી ગાડીમાં બેસાડી દીધા હતા.

ગાડીમાં તેમને મારવાની ધમકી આપીને તેમની પાસેથી મોબાઈલ ફોન તેમજ એટીએમ કાર્ડ પણ લઈ લેવાયા હતા, અને તેના પીન નંબર પણ જબરજસ્તી લઈ લેવાયા હતા. થોડો સમય ગાડી ચલાવ્યા બાદ આ શખ્સોએ વસાવાને નીચે ઉતાર્યા હતા અને તેમને એટલા માર્યા હતા કે તેઓ બેભાન થઈને પડી ગયા હતા. ત્યારબાદ તેમને કોસંબા નજીકની એક હોટેલ પાસે ફેંકી દઈને આ શખ્સો ફરાર થઈ ગયા હતા.

થોડા સમય બાદ ભાનમાં આવેલા નિલેશભાઈએ હોટેલવાળાના ફોન પરથી સાળાને ફોન કરી પોતાની સાથે જે થયું તે જણાવ્યું હતું. ત્યારબાદ તેમને રાજપીપળાની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બીજા દિવસે તેમના દીકરા બાઈક શોધવા નીકળ્યા હતા, પરંતુ તેનો ક્યાંય પત્તો નહોતો લાગ્યો. નિલેશભાઈએ એટીએમ કાર્ડ બ્લોક કરાવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તેમના અકાઉન્ટમાંથી 82 હજાર રુપિયા ઉપડી લેવાયા હતા. આ મામલે નિલેશ વસાવાએ શનિવારે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Read Next Story