એપશહેર

નર્સ પત્નીને લફરું હોવાની શંકા જતા શિક્ષક પતિએ માથામાં સળિયો ફટકારી કર્યું મર્ડર

પત્ની નાઈટ શિફ્ટમાં નોકરીએ જતી હતી ત્યારે રસ્તામાં જ પતિએ સળિયો મારીને કરી નાખી હત્યા

Authored byJay Pachchigar | TNN 5 Dec 2020, 3:59 pm
વડોદરા: આજવા રોડ પર રહેતા અને સરકારી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા એક શખ્સની પોલીસે તેની પત્નીની હત્યા કરવા બદલ ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી જયેશ પટેલને પોતાની પત્ની શિલ્પા પટેલના ચારિત્ર્ય પર શંકા હતી, જેના કારણે તેણે તેની હત્યાનો પ્લાન બનાવ્યો હતો.
I am Gujarat teacher husband kills wife over suspicion of extra marital affair
નર્સ પત્નીને લફરું હોવાની શંકા જતા શિક્ષક પતિએ માથામાં સળિયો ફટકારી કર્યું મર્ડર


મૃતક શિલ્પા પટેલ (ઉં. 39 વર્ષ) ગોત્રીમાં આવેલી GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા હતા. પોલીસને તેમનો મૃતદેહ શુક્રવારે મોડી સાંજે વીઆઈપી રોડ પર આવેલી વૈકુંઠ-2 સોસાયટી નજીકથી મળી આવ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, રસ્તા પરથી પસાર થઈ રહેલા એક વ્યક્તિએ શુક્રવારે સાંજે 8.30 કલાકની આસપાસ એક મહિલાની લાશ પડી હોવાની માહિતી આપી હતી. શિલ્પા પટેલ શુક્રવારે સાંજે હોસ્પિટલમાં નાઈટ શિફ્ટમાં જઈ રહ્યા હતા ત્યારે જ તેમની હત્યા કરવામાં આવી હતી.

શરુઆતમાં પોલીસે શંકા હતી કે અકસ્માતમાં તેમનું મોત થયું હોઈ શકે છે, પરંતુ તેમના વાહનમાં કોઈ નુક્સાન નહોતું થયું, અને ઈજા પણ એવી થઈ હતી કે પોલીસને અકસ્માતને બદલે કોઈએ કરેલા હુમલામાં શિલ્પા પટેલનું મોત થયાની શંકા ઉપજી હતી.

શંકાના આધારે પોલીસે શિલ્પા પટેલના પતિ જયેશ પટેલની પૂછપરછ કરી હતી, પરંતુ તે ગોળગોળ જવાબ આપતો હતો. જોકે, કલાકો સુધી આકરી પૂછપરછ કરાયા બાદ જયેશ ભાંગી પડ્યો હતો અને તેણે પોતે જ શિલ્પાની હત્યા કરી હોવાનું કબૂલી લીધું હતું.

જયેશે પોલીસને જણાવ્યું હતું કે તેને શિલ્પાનું બહાર લફરું ચાલતું હોવાની શંકા હતી, અને તે અવારનવાર પ્રેમીને મળવા જતી હતી. શુક્રવારે જ્યારે શિલ્પા પટેલ હોસ્પિટલ જવા નીકળ્યાં ત્યારે જયેશે તેમનો પીછો કરી સોસાયટીના દરવાજા પાસે જ તેઓ ટુ વ્હીલર ડ્રાઈવ કરી રહ્યાં હતાં ત્યારે જ જયેશે તેમના મોઢા પર સળિયો ફટકાર્યો હતો.

પોતાની પત્ની પર જીવલેણ હુમલો કરી જયેશ ત્યાંથી ફરાર થઈ ગયો હતો, અને શિલ્પા પટેલ ત્યાં જ તરફડિયા મારતા પડી રહ્યાં હતાં, અને થોડા સમયમાં તેમણે રસ્તા પર જ દમ તોડ્યો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો