એપશહેર

વડોદરાઃ ફીનિક્સ સ્કૂલમાં શોર્ટ સર્કિટથી આગ લાગી, 450 બાળકોને સુરક્ષિત બહાર કઢાયા

Vadodara Phoenix School Fire: વડોદરાના મકરપુરા વિસ્તારના સુસેન સર્કલ પાસે આવેલી ફીનિક્સ શાળામાં આજે વહેલી સવારે MCBમાં શોર્ટ સર્કિટને કારણે આગ ફાટી નીકળી હતી. આગની ઘટનાને પગલે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગની ટીમ દ્વારા ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

Edited byHarshal Makwana | I am Gujarat 24 Jun 2022, 5:33 pm

હાઈલાઈટ્સ:

  • ત્રીજા માળે આવેલી MCBમાં શોર્ટ સર્કિટથી આગ ફાટી નીકળી
  • ત્રીજા, ચોથા અને પાંચમા માળે ફસાયેલાં 450થી વધુ વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કઢાયા
  • સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં, માત્ર એક વિદ્યાર્થીને સામાન્ય ઈજા પહોંચી
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Vadodara Phoenix School Fire
વડોદરાઃ ફીનિક્સ સ્કૂલમાં શોર્ટ સર્કિટથી આગ લાગી, 450 બાળકોને સુરક્ષિત બહાર કઢાયા
Vadodara Phoenix School Fire: વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી ફીનિક્સ સ્કૂલમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્રીજા માળે આવેલી MCBમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતાં ત્રીજા, ચોથા અને પાંચમા માળે અનેક વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા. આગની ઘટનાને પગલે શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં દોડધામ મચી જવા પામી હતી. આગની ઘટનાને પગલે મોટી સંખ્યામાં વાલીઓ પણ સ્કૂલે દોડી આવ્યા હતા. ફાયર વિભાગ અને પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી, અને ફીનિક્સ શાળામાં 450 બાળકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ફાયર વિભાગની ટીમે ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. જો કે, શાળામાં આગ લાગવાની આ ઘટનામાં માત્ર એક વિદ્યાર્થીને સામાન્ય ઈજા પહોંચી હતી અને સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.
ત્રીજા માળે આવેલી MCBમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ
ઉનાળું વેકેશન બાદ શાળાઓ ફરીથી રાબેતામુજબ શરૂ થઈ ગઈ છે. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં સુસેન સર્કલ પાસે આવેલી ફીનિક્સ શાળામાં નિત્યક્રમ મુજબ આજે પણ અનેક વિદ્યાર્થીઓ શાળાએ આવ્યા હતા. પણ વહેલી સવારે શાળાના ત્રીજા માળે આવેલી MCBમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ ફાટી નીકળી હતી. આગ લાગવાને કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને પોતાનો જીવ બચાવવા માટે નાસભાગ મચી ગઈ હતી.

ત્રીજા, ચોથા અને પાંચમા માળે અનેક વિદ્યાર્થીઓ ફસાયા
શોર્ટ સર્કિટને કારણે આગ લાગતાં ત્રીજા માળે ધૂમાડો ભરાઈ ગયો હતો. જેને કારણે ત્રીજા, ચોથા અને પાંચમા માળે અનેક વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા. આગની ઘટનાને પગલે તાત્કાલિક મકરપુરા GIDCની ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી તેમજ પોલીસ તેમજ સ્થાનિકોએ પણ વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું.

450થી વધારે વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યાશાળાની ઈમરજન્સી વિન્ડો તેમજ મુખ્ય ગેટમાંથી દિલધડક રીતે વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર વિભાગ દ્વારા ત્રીજા, ચોથા અને પાંચમા માળે ફસાયેલાં 450થી વધારે વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતાં એમ્બ્યુલન્સ પણ મંગાવી લેવામાં આવી હતી. જો કે, સદનસીબે તેનો ઉપયોગ કરવાની નોબત આવી ન હતી. જો કે, આગની ઘટનાને પગલે મોટી સંખ્યામાં વાલીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને પોતાના બાળકોને સુરક્ષિત જોઈને તેઓએ હાશકારો અનુભવ્યો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો