એપશહેર

પટાવાળાની નોકરી માટે CA લાઈનમાં! ભાજપે રાજસ્થાનમાં આવો વિકાસ કર્યો!?

નવરંગ સેન | THE ECONOMIC TIMES 10 Sep 2018, 3:59 pm
I am Gujarat 23k vying for 5 peon posts ignites debate in rajasthan
પટાવાળાની નોકરી માટે CA લાઈનમાં! ભાજપે રાજસ્થાનમાં આવો વિકાસ કર્યો!?


ચૂંટણી ટાણે બેરોજગારી બન્યો મોટો મુદ્દો

ઋતુરાજ તિવારી: ઈતિહાસના વિષય સાથે એમએ થયેલો રામક્રિશ્ના મિણા જયપુરથી 80 કિમી દૂર આવેલા દૌસામાં શાકભાજી વેચી પોતાનું ગુજરાન ચલાવે છે. પોસ્ટ ગ્રેજ્યુએટ થયો હોવા છતાં તેને ત્રણ વર્ષમાં ન તો કોઈ નોકરી મળી છે, કે ન સરકારે તેની કોઈ ચિંતા કરી છે. 2017માં રાજસ્થાનમાં પટાવાળાની નોકરી માટે અરજી કરનારા 129 એન્જિનિયર, 23 વકીલ અને 393 પોસ્ટ ગ્રેજ્યુએટ્સ તેમજ સીએ સાથે અરજી કરનારો તે પણ એક હતો.

જે નોકરીઓ ન આપી તેનું શ્રેય પણ સરકારે લીધું!

2015માં પણ રાજસ્થાનના રાજ ભવનમાં પટાવાળાની ભરતી આવી હતી. જેમાં 23,000 લોકોએ અરજી કરી હતી. રામક્રિશ્ના મીણાનું કહેવું છે કે, સરકારે તો તેને કોઈ નોકરી ન આપી. પરંતુ આજે તે જાતે જ પોતાનું પેટિયું રળી રહ્યો છે. જોકે, તેણે જાત મહેનતે ઉભા કરેલા ધંધાનો શ્રેય પણ સરકાર લઈ રહી છે.

સરકારના મોટા દાવા

આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે, ત્યારે બેરોજગારી જેવી વિકરાળ સમસ્યા ભાજપ સરકાર સામે મો ફાડીને ઉભી છે. ભાજપની સરકાર બેરોજગારીના મુદ્દા પર જ 2013માં સત્તા પર આવી હતી. વસુંધરા રાજેની સરકાર દાવો કરે છે કે, તેણે પોતાના શાસનકાળમાં સવા ત્રણ લાખ સરકારી નોકરી ઉભી કરી છે, જેમાંથી 1.35 લાખ નોકરીઓ પર ભરતી ચાલુ છે.

2013માં આ મુદ્દાએ જ સત્તા અપાવી હતી

2013માં ભાજપે વચન આપ્યું હતું કે, તે 16 લાખ નોકરીઓનું સર્જન કરશે. આ મુદ્દે જ તેણે 200માંથી 165 બેઠકો જીતી હતી. થોડા દિવસ પહેલા જ પોતાની એક ચૂંટણી રેલીમાં વસુંધરા રાજેએ કહ્યું હતું કે, તેમની સરકારે સ્કીલ ટ્રેઈનિંગથી 16 લાખ નોકરીઓ સર્જી હોવાનો દાવો કર્યો હતો. જોકે, CAGના રિપોર્ટમાં સરકારે કરેલા આ દાવા સામે સવાલ ઉભા કરવામાં આવ્યા છે.

CAGએ જ ઉઠાવ્યા સવાલ

આ જ મહિને વિધાનસભામાં મૂકાયેલા સીએજીના રિપોર્ટમાં 2014 થી 2017 દરમિયાન સર્જાયેલી નોકરીઓ અંગે સરકારે આપેલા આંકડા સામે સીએજીએ પ્રશ્ન કર્યો છે. આ રિપોર્ટમાં દાવો કરાયો છે કે, સરકારે 1,27,817 યુવકોને તાલિમ આપી, જેમાંથી 42,758 લોકોને નોકરી મળી. જોકે, આ અંગે વેરિફિકેશન કરાયું ત્યારે માત્ર 9,904 લોકોને નોકરી મળી હોવાનું બહાર આવ્યું હતું.

વિપક્ષ પણ પૂછી રહ્યો છે સવાલ

પૂર્વ સીએમ અને કોંગ્રેસના નેતા અશોક ગેહલોત વસુંધરા રાજેના નોકરીઓ અંગેના દાવા પર સવાલ ઉઠાવતા કહે છે કે, રાજેએ યુવાનોને અંધારામાં રાખ્યા છે. ભાજપે જેનું વચન આપ્યું હતું તે નોકરીઓ ક્યાં છે? સરકારે જે નોકરીઓનો દાવો કર્યો છે તેનું વિવરણ કેમ નથી અપાતું? જાણકારોના મત અનુસાર, રાજસ્થાનમાં બેરોજગારીનું પ્રમાણ 9.8 ટકા જેટલું ઉંચું છે, જ્યારે આ આંકડો રાષ્ટ્રીય સ્તરે 6.4 ટકા છે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો