એપશહેર

આબુમાં 48 કલાકમાં 59 ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર

નવરંગ સેન | I am Gujarat 25 Jul 2017, 11:01 am
આબુ: ગુજરાતીઓના પ્રિય ટુરિસ્ટ પ્લેસ માઉન્ટ આબુમાં બારે મેઘ ખાંગા થયા છે. છેલ્લા 48 કલાકમાં માઉન્ટ આબુમાં રેકોર્ડ તોડ 59 ઈંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. માઉન્ટ આબુમાં છેલ્લા 100 વર્ષમાં આટલો વરસાદ પડ્યાનો કોઈ રેકોર્ડ નથી. હવામાન ખાતાનું કહેવું છે કે આબુમાં કદાચ પહેલી વાર આટલો ધોધમાર વરસાદ થયો છે. ભારે વરસાદના કારણે આબુના રસ્તાઓ જાણે નદી બન્યા હોય તેમ તેના પરથી પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે. અતિ ભારે વરસાદના કારણે માઉન્ટ આબુમાં પ્રવાસીઓને જતા અટકાવવામાં આવ્યા છે, અને જે લોકો ફસાયેલા છે તેમને નીચે મોકલવામાં આવી રહ્યા છે. માઉન્ટ આબુને રેલવે સ્ટેશન સાથે કનેક્ટ કરતો 28 કિલોમીટર લાંબો રસ્તો પણ ઠેર-ઠેર ધોવાઈ ગયો છે. આબુના સ્થાનિક લોકોને પણ ભારે વરસાદના કારણે ખાસ્સી પરેશાની ભોગવી પડી રહી છે. છેલ્લા બે દિવસથી અહીં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વરસાદના કારણે કેટલીક જગ્યાએ ભેખડો ધસી પડ્યાની ઘટના પણ બની છે, જોકે તેમાં કોઈ જાનહાની થયાના અહેવાલ નથી. સ્થિતિ પર સ્થાનિક તંત્ર પણ ચાંપતી નજર રાખી રહ્યું છે. પ્રવાસીઓથી સદાય ધમધમતા રહેતા આબુમાં ભારે વરસાદના કારણે સોપો પડી ગયો છે. સમગ્ર આબુના માર્કેટ્સ તેમજ દુકાનો સજ્જડ બંધ છે. સ્કૂલો પણ વરસાદના કારણે બંધ કરી દેવાઈ છે. રાજસ્થાનના જાલોર, બાડમેર, પાલી તેમજ જોધપુર જિલ્લાઓમાં પણ આગામી 24 કલાકમાં અતિ ભારે વરસાદની શક્યતા હોવાના કારણે રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. જાલોરમાં સ્થિતિ વિકટ બનતા પૂરગ્રસ્ત વિસ્તારોમાં રેસ્ક્યુ ઓપરેશન ચલાવાઈ રહ્યું છે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો