એપશહેર

28 વર્ષના ડાન્સરની બોડી PM બાદ ગાયબ, પેટમાં ટાંકા જોઈ પરિવારજનોને પડી હતી શંકા

ગયા મહિને અકસ્માત થતાં માથામાં થઈ હતી ગંભીર ઈજા, મહિનાની સારવાર બાદ રવિવારે લીધા હતા અંતિમ શ્વાસ

I am Gujarat 14 Sep 2020, 4:28 pm
મુંબઈ: સરકારી હોસ્પિટલોમાં ઘણીવાર મૃતદેહોની અદલાબદલી થતી હોવાના કિસ્સા તો સામે આવતા જ રહે છે, પરંતુ મુંબઈની સાયન હોસ્પિટલમાં તો તેનાથીય મોટી એક ઘટના સામે આવી છે. અંકુશ સુરવાડે નામના 28 વર્ષીય યુવકનું રવિવારે સવારે મોત થયું હતું. જોકે, હોસ્પિટલમાં પીએમ બાદ અંકુશની બોડી જ ગાયબ થઈ ગઈ હતી. તેના પરિવારજનોનો આક્ષેપ છે કે અંકુશના શરીરમાંથી કિડની પણ કાઢી લેવામાં આવી હતી.
I am Gujarat ankush
વડાલાના રહેવાસી અંકુશના પેટ પર ટાંકા જોઈને પરિવારજનોએ હોસ્પિટલ પર કર્યો ગંભીર આક્ષેપ


મુંબઈના વડાલામાં રહેતો અંકુશ એક ડાન્સર હતો. ગયા મહિને એક બાઈક એક્સિડેન્ટમાં તેને માથામાં ઈજા થઈ હતી, અને તે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ હતો. લાંબી સારવાર બાદ આખરે તેનું ગઈકાલે મોત થયા પરિવારજનોના આગ્રહ પર તેનું પીએમ કરવામાં આવ્યું હતું. જોકે, પીએમ બાદ તેનો મૃતદેહ હોસ્પિટલમાંથી ગાયબ થઈ ગયો હતો.

અંકુશના પરિવારજનોનો દાવો છે કે તેમને જ્યારે પહેલા બોડી સોંપવામાં આવી ત્યારે તેના પેટ પર ટાંકા લીધેલા હતા. અંકુશને માથામાં વાગ્યું હતું, ત્યારે તેના પેટમાં ટાંકા કઈ રીતે આવ્યા તેવો સવાલ કરી પરિવારજનોએ તેના પીએમની માગ કરી હતી. મૃતકના મિત્રો અને પરિવારજનો બપોરે 1 વાગ્યા સુધી તેની બોડી માટે રાહ જોઈ રહ્યા હતા. જ્યારે બોડીને પીએમ બાદ વેરિફિકેશન માટે લવાઈ ત્યારે તે અંકુશની જ બોડી હોવાનું તેના પરિવારજનોએ કન્ફર્મ કર્યું હતું, અને તેના અંતિમ સંસ્કારની વ્યવસ્થા ના થાય ત્યાં સુધી તેને શબઘરમાં રાખવા કહ્યું હતું.

આખરે સાંજે પાંચ વાગ્યે પરિવારજનો અંકુશની બોડી લેવા આવ્યા હતા. ત્યાં તેમને બીજી બોડી આપી દેવાઈ હતી. શબઘરમાં બીજી ત્રણ બોડી પણ હતી, અંકુશના પરિવારજનોએ ચેક કર્યું તો ચારેયમાંથી એકેય બોડી અંકુશની નહોતી.

અંકુશના મિત્ર જિતેશ ગુપ્તાના જણાવ્યા અનુસાર, સાંજે ચાર વાગ્યે એક વૃદ્ધ દંપતીને એક બોડીનો કબજો અપાયો હતો, જેના અંતિમ સંસ્કાર સાયન સ્મશાનગૃહમાં કરાયા હતા. અમને શંકા છે કે અંકુશની બોડી તેમને જ આપી દેવાઈ હતી. અંકુશની કિડની કાઢી લેવામાં આવી હતી તેવી શંકા પણ જિતેશે વ્યક્ત કરી હતી. તેણે જણાવ્યું હતું કે ગયા મહિને અંકુશના મગજનું ઓપરેશન થયું હતું, પરંતુ તેના પેટ પર ટાંકા ક્યાંથી આવ્યા?

આ મામલે અમારા સાથી અખબાર મુંબઈ મિરરે સાયન હોસ્પિટલના ડીન ડૉ. મોહન જોષીનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો કોઈ પ્રત્યુત્તર નહોતો મળ્યો. બીએમસીના પીઆરઓએ પણ ફોન નહોતો ઉપાડ્યો. સાયનના ધારાસભ્ય કેપ્ટન આર તમિલ સેલ્વનના જણાવ્યા અનુસાર, માથામાં ઈજા થઈ હોવા છતાં, અંકુશની કિડની પાસે કટ હતો. તેમણે શંકા વ્યક્ત કરી હતી કે અંકુશની બોડી બીજા કોઈ પરિવારને આપી દેવાઈ હોઈ શકે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો