એપશહેર

હરિદ્વારમાં યોજાનારા મહાકુંભમાં જવાનું પ્લાનિંગ હોય તો પહેલા આ નિયમો જાણી લેજો

ઉત્તરાખંડના પવિત્ર ધામ હરિદ્વારમાં 27મી ફેબ્રુઆરીથી 30 એપ્રિલ સુધી મહાકુંભ યોજાય તેવી શક્યતા છે. તેને પગલે કેન્દ્રએ એસઓપી જારી કરી છે.

Agencies 24 Jan 2021, 11:59 pm
દહેરાદૂન: કોરોના કાળમાંહરિદ્વારમાં યોજાનારા કુંભમેળા માટે તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે કુંભ માટે સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર્સ (SOPs) જારી કરી દીધી છે. તે અંતર્ગત શ્રદ્ધાળુઓએ પોતાની સાથે નેગેટિવ કોવિડ રિપોર્ટ ફરજિયાત લાવવાનો રહેશે.. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી આ એસઓપી જારી કરાઈ છે. તેમાં કહેવાયું છે કે, કુંભમાં આવનારા શ્રદ્ધાળુઓએ પોતાની સાથે ફરજિયાત 72 કલાક પહેલા કરાયેલો કોવિડ-મુક્ત હોવાનો તપાસ રિપોર્ટ લાવવાનો રહેશે.
I am Gujarat Haridwar
ફાઈલ તસવીર


એસઓપી મુજબ, કુંભ દરમિયાન છ ફૂટનું સામાજિક અંતર, ચહેરા પર માસ્ક પહેરવું અને સેનિટાઈઝેશન સહિત બધા પ્રકારના કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું ફરજિયાત હશે. કુંભ મેળામાં કોઈપણ સ્થાને થૂંકવું પ્રતિબંધિત હશે. દિશા-નિર્દેશોમાં 65 વર્ષથી વધુ અને 10 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓ ઉપરાંત ગર્ભવતી મહિલાઓ અને ગંભીર બીમારીઓથી ગ્રસ્ત લોકોને કુંભ મેળામાં આવતા રોકવા માટે રાજ્ય સરકારને પૂરતો પ્રચાર કરવા કહેવાયું છે. કુંભ મેળામાં મેળા પ્રશાસને પૂરતી એમ્બુલન્સની વ્યવસ્થા કરવાની રહેશે અને એક હજાર પથારીવાળી અસ્થાયી હોસ્પિટલ બનાવવી પડશે. તેને બાદમાં 2000 પથારી સુધી વધારી શકાય તેની તૈયારી પણ રાખવા માટે કહેવાયું છે. તે ઉપરાંત, દૂન હોસ્પિટલ, જોલીગ્રાન્ટ હોસ્પિટલ અને અન્ય નજીકની હોસ્પિટલોમાં ટેસ્ટિંગની સુવિધાને પણ મજબૂત કરવાની રહેશે.

એસઓપીમાં સ્પષ્ટ કરાયું છે કે, આરોગ્યકર્મી અને આગળની હરોળ પર રહી કામ કરાનારા અન્ય કર્મચારીઓને વેક્સીનેશન બાદ જ મેળામાં ડ્યૂટી પર તૈનાત કરાશે. મહાકુંભના આયોજનની અંદાજિત તારીખ 27 ફેબ્રુઆરીથી 30 એપ્રિલ સુધી છે. આ દરમિયાન મોટા સ્નાન પર્વો જેવા કે, 27 ફેબ્રુઆરીએ માઘ પૂર્ણિમા, 11 માર્ચે મહાશિવરાત્રી 21 એપ્રિલે રામનવમી પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાની શક્યતા છે.

દેશમાંથી કોરોના હજુ સંપૂૂર્ણ નાબૂદ થયો નથી, ત્યારે કુંભમેળામાં ભીડ એકઠી થાય અને કોરોના પાછો માથું ઉંચકે તો સરકારને જવાબ આપવો ભારે પડી શકે છે. તે કારણે લોકોની શ્રદ્ધાને ઠેસ ન પહોંચે અને કોરોના ફેલાય નહીં તે માટે પૂરતી કાળજી રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકાર આગળ વધી રહી છે.

Read Next Story