એપશહેર

ચારધામ યાત્રાઃ પૂજા અર્ચના બાદ ખૂલ્યા કેદારનાથ ધામના કપાટ, હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા

Chardham Yatra 2023:ચારધામ યાત્રાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે આજે એટલે કે મંગળવારે કેદારનાથ ધામના કપાટ ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. આ સમયે હજારો શ્રદ્ધાળુઓ આ પરંપરાગત વિધિમાં હાજર રહ્યા હતા. 20 ક્વિન્ટલથી પણ વધારે ફૂલોથી કેદારનાથ ધામને સજાવવામાં આવ્યું હતું. આ સમયે જય શિવ શંભુ અને હર હર મહાદેવના નાદ પણ ગૂંજી ઉઠ્યા હતા. લાકો શ્રદ્ધાળુઓ હવે ચારધામની યાત્રાએ પહોંચશે.

I am Gujarat 25 Apr 2023, 9:57 am
Kedarnath Yatra 2023: કેદારનાથ ધામના કપાટ મંગળવારે સંપૂર્ણ વિધિ સાથે ખોલવામાં આવ્યા હતા. આગામી છ મહિના સુધી બાબા કેદાર પોતાના ધામમાં શ્રદ્ધાળુઓને દર્શન આપશે. ભારે હિમવર્ષા વચ્ચે મોટી સંખ્યામાં ભક્તો કેદારનાથ ધામમાં ઉમટ્યા હતા. ઉત્તરાખંડમાં પ્રસિદ્ધ ધાર્મિક યાત્રાની આ સાથે વિધિવત રીતે શરુઆત થઈ હતી. તો તાજેતરમાં અહીં ભારે હિમવર્ષા થઈ હોવાથી કેટલાંક ફૂટ સુધી બરફ જામેલો પણ જોવા મળ્યો હતો. તેમ છતાં હજારોની સંખ્યામાં ભક્તો મંગળવારની સવારે કપાટ ખોલવાના સમયે હાજર રહ્યા હતા. પરંપરાગત વાદ્યોની સાથે કપાટ ખોલવાની પ્રક્રિયા પૂરી થઈ હતી.
I am Gujarat chardham yatra 2023 kedarnath dham kapat opens for devotees
ચારધામ યાત્રાઃ પૂજા અર્ચના બાદ ખૂલ્યા કેદારનાથ ધામના કપાટ, હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા


વિધિગત રીતે કપાટ ખોલ્યા, ભક્તોએ કર્યા દર્શન

ઉત્તરાખંડના કેદારનાથ ધામના કપાટ મંગળવારની સવારે 6.20 વાગે ખોલવામાં આવ્યા હતા. મંદિરના મુખ્ય પૂજારી જગદગુરુ રાવલ ભીમ શંકર લિંગ શિવાચાર્યએ મંદિરના કપાટ ખોલ્યા હતા. આ દરમિયાન પરંપરાગત વાદ્યો પણ વગાડવામાં આવ્યા હતા. આ દરમિયાન વૈદિક મંત્રોચ્ચારથી કેદારનાથ ધામ ગૂંજી ઉઠ્યું હતું. ભક્તોએ જય કેદાર, હર હર શંભો અને બમ બમ ભોલેના નાદ લગાવ્યા હતા અને કેદારનાથ ધામમાં ભક્તિનો માહોલ સર્જાયો હતો.

20 ક્વિન્ટલ ફૂલોથી સજાવવામાં આવ્યું કેદારનાથ ધામ

બાબા કેદારનાથ ધામને લગભગ 20 ક્વિન્ટલ ફૂલોથી સજાવવામાં આવ્યું હતું. કેદારનાથ ધામમાં છેલ્લાં 72 કલાકોથી ભારે હિમવર્ષા થઈ રહી છે. ખરાબ હવામાનના કારણે મંદિરે જઈ રહેલાં હજારો ભક્તોને આગળ વધવાથી રોકવામાં આવ્યા હતા. એ પછી લગભગ 8 હજાર જેટલાં શ્રદ્ધાળુઓ બાબા કેદારનાથ ધામ પહોંચ્યા હતા.

પંચમુખી મૂર્તિનો થયો શ્રંગાર

કેદારનાથ ધામની પૌરાણિક પરંપરાગત હેઠળ મંગળવારે સવારે 6.20 વાગે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. ખરાબ હવામાનના કારણે સીએમ પુષ્કર સિંહ ધામી આ સમયે હાજર રહી શક્યા નહોતા. આ પહેલાં કેદારબાબાની પંચમુખી મૂર્તિને શ્રૃંગાર પણ કરવામાં આવ્યો હતો. તેમને ભોગ પણ ધરાવવામાં આવ્યો હતો અને વિધિવત રીતે પૂજા અર્ચના કરવામાં આવી હતી.

કડકડતી ઠંડીમાં શ્રદ્ધા અને ઉલ્લાસનો માહોલ

કેદારનાથ ધામમાં સતત ભારે હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે ઠંડીનો પારો માઈનસ 6 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે. કડકડતી ઠંડી હોવા છતા પણ કેદારનાથ ધામમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી.

બાબા કેદારની પહોંચી ડોલી

કેદારનાથ ધામમાં સવારે પાંચ વાગે જ કપાટ ખોલવા માટેની પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી. ધાર્મિક પંરપરાઓની સાથે બાબા કેદારનાથની પંચમુખી ભોગ મૂર્તિ ડોલીમાં રાવલ નિવાસથી મંદિર પરિસરમાં પહોંચી હતી. અહી ભક્તોએ બાબાનો જયકાર કર્યો હતો.

કેદારનાથ ધામને રોશનીથી શણગારવામાં આવ્યું

બાબા કેદારનાથનો ધામ રોશનીથી શણગારવામાં આવ્યું હતું. સોમવારની સાંજથી જ બાબાના ધામમાં ભવ્ય નજારો જોવા મળ્યો હતો. અહીં પહોંચેલા ભક્તો મંદિરના કપાટ ખોલવાની રાહ જોઈ રહ્યા હતા.

કેદારનાથ ધામમાં જોવા મળ્યો ભવ્ય નજારો

કેદારનાથ ધામમાં ભારે હિમવર્ષા વચ્ચે કપાટ ખોલવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. આ દરમિયાન બાબા કેદારનાથ ધામનો ભવ્ય નજારો જોવા મળ્યો હતો.

Read Next Story