એપશહેર

વરસાદમાં બારી બંધ ના થઈ, 7 વર્ષની લાંબી લડાઈ બાદ રેલવેને ચૂકવવું પડશે વળતર

મુસાફરી દરમિયાન પડી અગવડ અંગે મુસાફરે ટીટીઈ તેમજ સ્ટેશન માસ્ટરને પણ ફરિયાદ કરી, પરંતુ ક્યાંયથી સંતોષકારક જવાબ ના મળ્યો

I am Gujarat 25 Jan 2021, 6:33 pm
તિરુવનંતપુરમ: ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે ઘણી વાર બારી બરાબર બંધ ના થતી હોય કે પછી મુસાફરી દરમિયાન બીજી પણ કોઈ સમસ્યા આવે ત્યારે આપણે તેને મોટાભાગે નજર અંદાજ કરી દેતા હોઈએ છીએ. જોકે, રેલવે તમામ મુસાફરોને તેણે જે ક્લાસનું ભાડું ચૂકવ્યું હોય તે ક્લાસમાં મળતી પૂરેપૂરી સવલત આપવા માટે બંધાયેલી છે. આમ ના કરવા પર મુસાફર રેલવે પાસેથી વળતર મેળવવા હક્કદાર છે. આવા જ એક કિસ્સામાં ટ્રેનની બારી બરાબર ના હોવાથી રેલવેએ મુસાફરને પાંચ હજાર રુપિયા વળતર પેટે ચૂકવવા પડ્યા છે.
I am Gujarat train rain
પ્રતિકાત્મક તસવીર


આ ઘટના છે કેરળની, જેમાં પીઓ સેબેસ્ટિઅન નામના એક વ્યક્તિ 29 જૂન 2013ના રોજ તિરુવનંતપુરમથી જન શતાબ્દી એક્સપ્રેસમાં ત્રિશુર જઈ રહ્યા હતા. ચોમાસાના સમયમાં ચાલુ મુસાફરીએ વરસાદ તૂટી પડતાં સેબેસ્ટિઅને પોતાની સીટ પાસેની બારી બંધ કરવા પ્રયાસ કર્યો, પરંતુ તે જામ હોવાથી બંધ નહોતી શકી. આ અંગે તેમણે ટીટીઈને પણ જાણ કરી, અને તેણે બારી રિપેર થઈ જશે તેવું પણ કહ્યું, પરંતુ કંઈ થયું નહીં.

ભારે વરસાદ વચ્ચે બારી બંધ ના થવાથી સેબેસ્ટિઅન મુસાફરી દરમિયાન પલળી ગયા, અને તેમનો સામાન પણ પલળી ગયો. ટીટીઈને તેમણે બીજી સીટ આપવા માટે વિનંતી કરી, પરંતુ તેમ પણ ના થઈ શક્યું. આ અંગે તેમણે તિરુવનંતપુરમના સ્ટેશન માસ્ટરને પણ જાણ કરી, પરંતુ ત્યાંથી પણ તેમને સંતોષકારક જવાબ મળ્યો નહીં.

સેબેસ્ટિઅને ગમે તેમ કરીને મુસાફરી તો કરી લીધી, પરંતુ તેમણે રેલવેને પાઠ ભણાવવાનું નક્કી કર્યું, અને પોતાના વકીલ મારફતે રેલવેને 50 હજાર રુપિયાનું વળતર આપવાની માગ સાથે કાયદાકીય નોટિસ મોકલાવી. નોટિસમાં તેમણે દાવો કર્યો હતો કે, વરસાદમાં પલળી જવાથી તેમની તબિયત બગડી હતી. તેમણે પોતાની ટ્રીટમેન્ટના દસ્તાવેજો ઉપરાંત મેડિકલ સર્ટિ. પણ રજૂ કર્યું હતું. વળી, આ કારણે તેમને મુસાફરીમાં પણ ખૂબ જ તકલીફ થઈ તેવું પણ તેમણે નોટિસમાં લખ્યું હતું.

આખરે, આ મામલો ગ્રાહક સુરક્ષા કોર્ટમાં પહોંચતા પંચે ઘટના બન્યાના સાત વર્ષ બાદ ફરિયાદીના પક્ષમાં ચુકાદો આપતા રેલવેને તેમને પાંચ હજાર રુપિયા વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો. આ ઉપરાંત, ફરિયાદીને ત્રણ હજાર રુપિયા કાયદાકીય ખર્ચ પેટે પણ ચૂકવવાના રહેશે. પોતાના ચુકાદામાં પંચે જણાવ્યું હતું કે રેલવે પ્રતિષ્ઠિત સંસ્થા છે, અને દરેક મુસાફર શાંતિથી મુસાફરી કરી શકે તે સુનિશ્ચિત કરવા તે બંધાયેલી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો