એપશહેર

કોરોના પોઝિટિવ થયા બાદ યુવક 10 દિવસ ઘરે જ રહ્યો, આખરે ના થવાનું થયું

ડૉક્ટર્સની ચેતવણી, યુવાનો તાવ આવે તો જાતે દવા લેવાનું કે ડોક્ટરને ના બતાવવાની ભૂલ ના કરે

I am Gujarat 19 Nov 2020, 5:58 pm
નાગપુર: દેશમાં છેલ્લા દસેક મહિનાથી કોરોનાએ પગપેસારો કર્યો છે, પરંતુ હજુય ઘણા લોકો તેને ગંભીરતાથી નથી લઈ રહ્યા. લોકો માસ્ક પહેરવાનું તો ટાળી જ રહ્યા છે, સાથે તાવ આવી જાય અને રિપોર્ટ પોઝિટિવ આવે તો પણ ગંભીર નથી થતાં.
I am Gujarat covid positive man stays home 10 days losses life
કોરોના પોઝિટિવ થયા બાદ યુવક 10 દિવસ ઘરે જ રહ્યો, આખરે ના થવાનું થયું


મહારાષ્ટ્રના નાગપુરમાં બનેલા આવા જ એક કિસ્સામાં 36 વર્ષનો યુવક ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ પણ 10 દિવસ સુધી ઘરમાં જ રહ્યો, અને આખરે તેને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. આ યુવકને હોસ્પિટલ લવાયો ત્યારે તેની હાલત ખૂબ જ ગંભીર થઈ ચૂકી હતી અને ડૉક્ટરો તેને બચાવી નહોતા શક્યા.

ઘણા શહેરોની જેમ નાગપુરમાં પણ લોકો તાવ આવે તો ડૉક્ટર પાસે જવાને બદલે જાતે જ દવા લઈ સાજા થવા પ્રયાસ કરી રહ્યા છે. તેવામાં આ કિસ્સો હાલ ચર્ચાસ્પદ બન્યો છે. ડૉક્ટર્સનું કહેવું છે કે રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ પણ દિવસો સુધી હોસ્પિટલ ના આવતા દર્દીઓ ચિંતા વધારી રહ્યા છે.

નાગપુરની GMCH હોસ્પિટલના ડૉ. ગવાંડેના જણાવ્યા અનુસાર, ઘણા દર્દીઓ ગમે તેવી દવા લઈને પોતાનો જીવ જોખમમાં નાખી રહ્યા છે. તેમાંય દિવાળી બાદ કોરોનાની બીજી લહેર શરુ થઈ છે, ત્યારે સુપર સ્પ્રેડર્સને પણ ઝડપથી ઓળખવા ખૂબ જ જરુરી બની ગયા છે.

અન્ય એક ડૉક્ટરના જણાવ્યા અનુસાર, ઘણા દર્દીઓ તો તાવ આવે ત્યારપછી પણ ટેસ્ટ કરાવવાનું તો દૂર, પરંતુ જાતે જ મેડિકલ સ્ટોર પરથી જઈને દવા લઈ લે છે. OCHRIના ડિરેક્ટર ડૉ. અનુપ મરારના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં પણ પાછલા કેટલાક દિવસોમાં જે કેસ વધ્યા છે તે લોકોની બેદરકારીનું જ પરિણામ છે.

ડૉક્ટર્સ જણાવે છે કે, લોકો એ ડરથી ડોક્ટર પાસે નથી આવતા કે તેમને કોરોનાનો ટેસ્ટ કરાવવાનું કહેવામાં આવશે. જો ટેસ્ટ પોઝિટિવ આવ્યો તો તેમને કદાચ હોસ્પિટલમાં એડમિટ થવું પડશે, અને 14 દિવસ આઈસોલેશનમાં રહેવું પડશે. જેથી નાની ઉંમરના લોકો તો ડોક્ટર પાસે જતા જ નથી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો