એપશહેર

સીરમ ઈન્સ્ટિટ્યૂટમાં લાગેલી આગમાં 5ના મોત, કોરોનાની રસીનો પ્લાન્ટ સુરક્ષિત

SII દ્વારા કોરોના સામે રક્ષણ આપતી કોવિશિલ્ડ નામની રસીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.

I am Gujarat 21 Jan 2021, 7:10 pm
પુણે: દેશભરમાં કોરોનાની રસી આપવાનું શરુ થયાને હજુ અઠવાડિયું પણ નથી થયું ત્યાં રસીનું ઉત્પાદન કરતી પુણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં 5 લોકોના મોત થયા હોવાનું અને અત્યાર સુધીમાં 6 લોકોને બચાવાયા હોવાનું મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપે જણાવ્યું હતું. ગુરુવારે બપોરે 2.30 કલાકે લાગેલી આ આગ પર કાબૂ મેળવવા માટે 10 ફાયર ટેન્કર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આગ એટલી વિકરાળ છે કે તેનો ધૂમાડો દૂરથી જ જોઈ શકાય છે. આ આગ રસીના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના ટર્મિનલ 1 ગેટ પર લાગી છે.
I am Gujarat fire breaks out at terminal 1 gate of serum institute of india in pune
સીરમ ઈન્સ્ટિટ્યૂટમાં લાગેલી આગમાં 5ના મોત, કોરોનાની રસીનો પ્લાન્ટ સુરક્ષિત



જોકે, રાહતની વાત એ છે કે આ આગ સીરમ ઈન્સ્ટિટ્યૂટના કેમ્પસમાં આવેલી એક અંડરકન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં લાગી છે અને આગને લીધે રસીના પ્રોડક્શન તેમજ વિતરણને કોઈ અસર નહીં પડે તેવી માહિતી મળી છે. મહારાષ્ટ્રના સીએમની ઓફિસે આ અંગે જણાવ્યું હતું કે, સીએમ ઉદ્ધવ ઠાકરે પુણે મહાનગરપાલિકા સાથે સતત સંપર્કમાં છે, અને તેઓ ઘટનાના અપડેટ્સ પણ મેળવી રહ્યા છે. આગ પર ઝડપથી કાબૂ મેળવવા માટે તેમણે ઉચ્ચ અધિકારીઓને ત્વરિત કામગીરી કરવા માટે પણ આદેશ આપ્યા છે. આગને કાબુમાં લેવા એનડીઆરએફની એક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

દરમિયાનમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના લાગેલી આગ બાદ આદર પુનાવાલાએ બધાનો આભાર માનતી એક ટ્વીટ કરી જણાવ્યું હતું કે, કોવિશીલ્ડ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને તેને કોઈ નુકસાન નથી થયું.

સીરમ ઈન્સ્ટિટ્યૂટની ગણના દુનિયાની સૌથી મોટી વેક્સિન ઉત્પાદક કંપની તરીકે થાય છે. હાલમાં તે બ્રિટનની ઓક્સફોર્ડ યુનિ. દ્વારા બનાવાયેલી કોરોના સામે રક્ષણ આપતી વેક્સિન કોવિશિલ્ડનું ઉત્પાદન કરી રહી છે. દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ શરુ થઈ ગયું છે, અને કેન્દ્ર સરકારે કોવિશિલ્ડના કરોડો ડોઝનો ઓર્ડર સીરમને આપેલો છે. અહીંથી જ દેશના ખૂણે-ખૂણે વેક્સિન પહોંચાડવામાં આવી રહી છે. દેશ ઉપરાંત, વિદેશોમાં પણ સીરમે રસી પહોંચાડવાની તૈયારી કરી લીધી હોવાના સમાચાર તાજેતરમાં આવ્યા હતા.

Read Next Story