એપશહેર

દેશમાં કોરોનાના કેસોની સંખ્યા ઘટી, પરંતુ 5 રાજ્યોમાં હજુય સ્થિતિ ચિંતાજનક

દેશમાં એક્ટિવ કેસોનો આંકડો ઘટીને 6.25 લાખ થયો, પરંતુ તેમાંથી 35 ટકા કેસો માત્ર 18 જિલ્લામાં સક્રિય

I am Gujarat 28 Oct 2020, 2:35 pm
નવી દિલ્હી: દેશના મોટાભાગના રાજ્યોમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. જોકે, પાંચ રાજ્યોમાં હજુય સ્થિતિ કાબૂમાં ના આવતા કેન્દ્ર સરકારની ચિંતા વધી રહી છે. કેરળ, બંગાળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હીમાં જ અત્યારે દેશના અડધોઅડધ નવા કેસ નોંધાઈ રહ્યા છે.
I am Gujarat five states account for nearly fifty percent of new covid cases
દેશમાં કોરોનાના કેસોની સંખ્યા ઘટી, પરંતુ 5 રાજ્યોમાં હજુય સ્થિતિ ચિંતાજનક


હાલ દેશમાં એક્ટિવ કેસોનો આંકડો ઘટીને માત્ર 6.25 લાખ પર આવી ગયો છે. જોકે, તેમાંથી પણ 35 ટકા તો માત્ર 18 જિલ્લામાં જ નોંધાયેલા છે.

સપ્ટેમ્બર 23-29 દરમિયાન રોજેરોજ સરેરાશ 83,232 કેસો નોંધાયા હતા. જે 21-27 ઓક્ટોબર દરમિયાન ઘટીને 49,909 થયા છે. મહત્વની વાત એ છે કે, રોજેરોજ દેશમાં 11 લાખ જેટલા ટેસ્ટ થતા હોવા છતાં નવા કેસોની સંખ્યા ઘટી રહી છે.


સોમવારે દેશભરમાં નોંધાયેલા નવા કેસોનો આંકડો 36,470 હતો. જે 17 જુલાઈ બાદનો સૌથી ઓછો આંકડો છે. બીજી તરફ, સોમવારે 9.58 લાખ જેટલા સેમ્પલ લેવાયા હતા.


હાલ કેસો ઘટી રહ્યા છે, પરંતુ યુરોપ અને અમેરિકાની માફક ફરી કોરોના માથું ઉંચકે તેવી ચેતવણી પણ સરકારે તાજેતરમાં જ આપી હતી. નીતિ આયોગ (હેલ્થ)ના મેમ્બર ડૉ. વીકે પૉલના જણાવ્યા અનુસાર, યુરોપ અને અમેરિકામાં જે થઈ રહ્યું છે તે આપણા માટે પણ સબક સમાન છે.


તેમણે એમ પણ જણાવ્યું હતું કે, સદ્દનસીબે આપણે ત્યાં યુરોપ અને અમેરિકાથી ઉંધો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. બે-ત્રણ રાજ્યોને બાદ કરતા બાકી બધે કેસો ઘટી રહ્યા છે. ઘણા દેશોમાં કેસો વધ્યા છે, ત્યારે ભારતમાં થયેલો ઘટાડો નોંધપાત્ર છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પણ ગઈકાલે સતત ત્રીજા દિવસે 1 હજારથી ઓછા ડેલી કેસ નોંધાયા હતા, જ્યારે મંગળવારે સમગ્ર રાજ્યમાં કોરોનાથી માત્ર પાંચ દર્દીના મોત થયા હતા. રાજ્યનો રિકવરી રેટ પણ હવે સુધરીને 89.84 ટકા થઈ ગયો છે.

મંગળવારે સુરતમાં સૌથી વધુ 225 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદમાં 170, વડોદરામાં 114, રાજકોટમાં 94, ગાંધીનગરમાં 46, મહેસાણામાં 35, પાટણમાં 33 અને જામનગરમાં 26 કેસ સામે આવ્યા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો