એપશહેર

મૈસુર: એમ્બુલન્સનો રસ્તો રોકવો ભારે પડ્યો, કાર ચાલકને ફટકારાયો રૂ. 11 હજારનો દંડ

ગત 22 ઓગસ્ટે હાર્ટ એટેકના દર્દીને લઈ જતી એમ્બુલન્સને કાર ચાલકે રસ્તો ન આપતા દર્દીનું રસ્તામાં જ મોત નીપજ્યું હતું.

TNN 7 Sep 2020, 8:47 pm
મૈસુર: એમ્બુલન્સને રસ્તો ન આપવો માનવતાની સાથે-સાથે મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત ગુનો છે. કર્ણાટકના મૈસુરમાં એક કાર ચાલકે એમ્બુલન્સને રસ્તો ન આપતા ટ્રાફિક વિભાગે તેને ભારે દંડ ફટકાર્યો છે. ગત શનિવારે હાર્ટ એટેકના દર્દીને લઈ જતી એમ્બુલન્સને રસ્તો ન આપનારા કાર ચાલકને રૂ. 11 હજારનો દંડ ફટકારાયો છે. એમ્બુલન્સનો રસ્તો રોકવામાં આવતા દર્દીને સમયસર સારવાર મળી શકી ન હતી અને તેનું મોત નીપજ્યું હતું.
I am Gujarat Ambulance
કર્ણાટકના મૈસુરમાં એક કાર ચાલકે એમ્બુલન્સને રસ્તો ન આપતા ટ્રાફિક વિભાગે તેને ભારે દંડ ફટકાર્યો. (પ્રતિકાત્મક તસવીર)


મૈસુર શહેરના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (ટ્રાફિક) એસએન સંદેશ કુમારે જણાવ્યું કે, હાસન વિસ્તારમાં રહેતા જયનાથ નામના આ કારચાલકને ઈમરજન્સી કેસ લઈને જઈ રહેલા વાહનને રસ્તો ન આપવા બદલ રૂ. 10 હજાર અન જોખમી રીતે વાહન ચલાવવા માટે રૂ. 1 હજારનો દંડ કરાયો છે. કુમારે જણાવ્યું કે, તેને મોટર વ્હીકલ (અમેડમેન્ટ) એક્ટ 2019 અંતર્ગત આ દંડ કરવામાં આવ્યો છે.

ગત 22 ઓગસ્ટે ચિકમગલુરુના 85 વર્ષના ચંદ્રશેખર આચાર્યને હાર્ટ એેટેક આવ્યો હતો. તેમને એમ્બુલન્સ દ્વારા મૈસુરની મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા. રાત્રે 8.30 કલાકે એમ્બુલન્સ દર્દીને લઈને હુન્સુર રોડ પર આવેલા બેલાવડી જંક્શને પહોંચી ત્યારે એક કારચાલકે રોડ બ્લોક કરી દીધો હતો.

એમ્બુલન્સની સાયરન સતત વાગી રહી હતી અને તેના ડ્રાઈવર કિશોરે સતત હોર્ન માર્યા હોવા છતાં કારચાલક જયનાથે પોતાની કાર હટાવવાની ના પાડી દીધી. જયનાથે પોતાની કાર રોડની વચ્ચોવચ્ચ ઊભી રાખી દીધી હતી. આખરે એમ્બુલન્સના ડ્રાઈવરે નીચે ઉતરીને જયનાથને કાર હટાવવા કહેવું પડ્યું. જોકે, જયનાથે તેમ છતાં કાર હટાવવાની ના પાડી દીધી. એટલું જ નહીં, દર્દીના સગાઓએ પણ જયનાથને વિનંતી કરી, પણ તે ન માન્યો. આ માથાકૂટમાં 15 મિનિટ જેટલો સમય બગડ્યો. તે પછી જ્યારે એમ્બુલન્સ ચંદ્રશેખરને લઈને હોસ્પિટલ પહોંચી ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હતું અને ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા હતા. ડોક્ટરોએ કહ્યું કે, તેમને લાવવામાં મોડું થતાં મોત થયું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો