એપશહેર

કંઈક અલગ કરવા સરકારી નોકરી છોડી, આજે એલોવેરા ઉગાડી બન્યા કરોડપતિ

I am Gujarat 12 Jul 2016, 12:16 pm
વિમલ ભટિયાલ, જેસલમેર: રાજસ્થાનના એક યુવકને સારી એવી સરકારી નોકરી હતી, પરંતુ તે નોકરીથી સંતુષ્ટ નહોતો. ખેડૂત પરિવારમાંથી આવતો આ યુવક કંઈક અલગ કરવા માગતો હતો. એક વાર તે દિલ્હીમાં યોજાયેલા એગ્રી એક્સ્પોમાં ગયો, જે તેના જીવનનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો. તેણે તેની સરકારી નોકરી છોડી પોતાના 120 એકરના ખેતરમાં એલોવેરા (કુંવરપાઠુ) અને અન્ય પાકની ખેતી શરૂ કરી.
I am Gujarat he quit job grew aloe vera became crorepati
કંઈક અલગ કરવા સરકારી નોકરી છોડી, આજે એલોવેરા ઉગાડી બન્યા કરોડપતિ


આ વાત છે જેસલમેરના હરિશ ધનદેવની, જેઓ અત્યારે તેમના ખેતરમાંથી વર્ષે દોઢથી બે કરોડ રૂપિયાની કમાણી કરે છે. હરિશે જેસલમેરથી 45 કિલોમીટર દૂર દહીસરમાં ‘નેચરલો એગ્રો’ નામની કંપની પણ શરૂ કરી છે. થાર જિલ્લામાં એલોવેરો ઉગાડવામાં આવે છે અને એલોવેરા જ્યુસ બનાવતી પતંજલિ ફૂડ પ્રોડક્ટ્સ લિમિટેડમાં તે મોટા પ્રમાણમાં મોકલવામાં આવે છે.

રણ વિસ્તારોમાં ઊગતા એલોવેરાની ગુણવત્તા ખૂબ સારી હોય છે તેથી તેની દેશવિદેશનાં બજારોમાં ખૂબ માગ છે. પતંજલિના એક્સપર્ટ્સે પહેલાં તો એલોવેરાની ગુણવત્તા ચકાસી હતી, જે ખૂબ સારી હોવાનું જાણ્યા બાદ તુરંત જ એલોવેરાનાં પાનનો ઓર્ડર હરિશને આપ્યો હતો. સરકારી નોકરી છોડવા અંગે હરિશ કહે છે કે, તેમને જેસલમેર મ્યુનિસિપલ કાઉન્સિલમાં જુનિયર એન્જિનિયર તરીકે નોકરી મળી હતી, પરંતુ મન કંઈક અલગ જ કરવા માગતું હતું, જેથી સરકારી નોકરીમાંથી રાજીનામું આપી દીધું. તેમની પાસે ખેતર અને પાણી બંને હતાં, પરંતુ શું ઉગાડવું તેની મૂંઝવણ હતી. તે કંઈક નવું ઉગાડવા માગતા હતા. ગયા વર્ષે જ્યારે હરિશે દિલ્હીમાં યોજાયેલા એગ્રિકલ્ચર એક્સ્પોની મુલાકાત લીધી ત્યારે તેમને એલોવેરા, આમળા અને ગુંદા ઉગાડવાનો આઇડિયા આવ્યો.

સામાન્ય રીતે અહીં રણમાં બાજરી, ઘઉં, મગ, દાળ, રાઈ ઉગાડવામાં આવે છે, પરંતુ હરિશના મનમાં કંઈક અલગ જ યોજના હતી. ત્યાર બાદ તેમણે તેમના 120 એકર ખેતરમાં એલોવેરાની વિવિધ જાતિ ઉગાડવાનું શરૂ કર્યું. આ પ્રકારના એલોવેરાની બ્રાઝિલ, હોંગકોંગ અને અમેરિકામાં પણ માગ છે. શરૂઆતમાં હરિશે એલોવેરાના 80,000 છોડ ઉગાડ્યા હતા, જેની સંખ્યા હવે સાત લાખ સુધી પહોંચી ગઈ છે. હરિશ કહે છે કે, છેલ્લા ચાર મહિનાથી તેણે હરદ્વારમાં પતંજલિની ફેક્ટરીઓમાં 125થી 150 ટન એલોવેરાનો જથ્થો મોકલ્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો