એપશહેર

અરૂણાચલમાં ચીનના રસ્તાની 'ભેદી ચાલ'ની કઇ રીતે થઇ જાણ?

Gaurang Joshi | I am Gujarat 9 Jan 2018, 11:47 pm
I am Gujarat how chinese road construction activity in arunachal pradesh was detected
અરૂણાચલમાં ચીનના રસ્તાની 'ભેદી ચાલ'ની કઇ રીતે થઇ જાણ?


ભારતીય વિસ્તારમાં બનાવ્યો રસ્તો

તાજેતરમાં જ ચીનની એક ટીમ વિશે રિપોર્ટ આવ્યા હતાં કે જેણે ભારતીય વિસ્તારમાં આશરે દોઢ કિ.મી સુધી ઘુસીને રસ્તો બનાવ્યો હતો. હવે આ વિશે રસપ્રદ જાણકારી સામે આવી છે. અરૂણાચલ પ્રદેશમાં અપર સિયાંગ જિલ્લામાં ટ્યૂટિંગ વિસ્તારનું બિશિંગ ગામ તે જગ્યાથી નજીક આવેલું છે જ્યાં ચીનના રસ્તા બનાવનાર મશીન ચાલી રહ્યાં હતાં. આ વાસ્તવિક નિયંત્રણ રેખા અથવા મેકમોહન લાઇનની 1.25 કિ.મી અંદર છે. આ રસ્તો સિયાંગ નદીના પૂર્વી કિનારા પર બનાવવામાં આવ્યો હતો. જે તિબેટમાંથી આવે છે. તિબેટમાં તેને યારલંગ સાંગપો કહેવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય સીમાંથી શરૂ કર્યું કામ

ચીનની ટીમે આંતરરાષ્ટ્રીય સીમા પરથી કામ શરૂ કર્યું હતું. બિશિંગ સુધી ગાડી પહોંચાડવા માટે કોઇ રસ્તો નથી. સ્થાનીક યુવાન જોન મજૂર તરીકે કામ કરે છે અને ITBP ચોકી સુધી સામાન પહોંચાડે છે. આ જ યુવાને ગત મહિને ચીનની ખોદકામ કરનાર મશીન જોઇ હતી. તેણે આ વિશે ITBPને એલર્ટ કરી હતી અને પછી સેના સુધી સૂચના પહોંચી હતી.

શા માટે ન બની શકે રોડ?

ટ્યૂટિંગ સર્કલના નિયુક્ત ઇનચાર્જ કે.અપાંગે અમારી સહયોગી ન્યૂઝ સાઇટ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે,’અમે નીતિઓથી બંધાયેલા છીએ. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY)ના નિયમો અનુસાર કોઇપણ ગામમાં ઓછામાં ઓછા 100 લોકો હોવા જોઇએ તો જ ત્યાં સરકારી રસ્તો બની શકે છે. બિશિંગની વસ્તી માત્ર 54 જ છે. જેમાં 16 પરિવાર રહે છે. આથી અહીં રોડ બની શકે તેમ નથી.’

સૌથી ઉંચા વિસ્તારમાં પહોંચ્યા ચીની મશીન

જે જગ્યાએ ચીનના ખોદકામ કરવાના મશીન પહોંચ્યા હતાં તે વિસ્તાર સૌથી ઉંચો વિસ્તાર છે. જેની ઉંચાઇ આશરે 4 હજાર ફૂટ છે. બિશિંગથી અહીં પહોંચવા માટે આશરે 8થી 10 દિવસ થાય છે. ગ્રામજનોએ આશરે 4 કિ.મી ચાલવું પડે છે અને તે પછી જ સિયાંગ નદીને પાર કરીને જેલિંગ પહોંચાય છે. જોકે, આ પછી પણ 4 કિ.મી ચાલવું પડે છે પછી રસ્તો શરૂ થાય છે.

પહેલાથી જ બનાવ્યો 1.25 કિમીનો રસ્તો

અપાંગ કહે છે કે, ‘જ્યાં ચીનના સૈનિકો આવ્યા હતા તે વિસ્તાર ઘણો દુર્ગમ છે અને ગામના શિકારીઓ સિવાય બીજું કોઈ ત્યાં જઈ શકતું નથી. પહેલાં અમે વિચારતા હતા કે આ વિસ્તાર ‘નો મેન્સ લેન્ડ’ છે, કારણ કે ત્યાં કોઈ નદી નથી, કોઈ ધારા નથી, જેથી આંતરરાષ્ટ્રીય સરહદ નક્કી કરી શકાય. હાલમાં જ જ્યારે ગૂગલ મેપ જોયો તો અમને લાગ્યું કે, આ અમારી જમીન છે.’ અપાંગ વધુમાં કહે છે કે, ચીનની ટીમ પહેલેથી જ 1250 મીટર (1.25 કિમી)નો રસ્તો ભારતીય વિસ્તારમાં બનાવી ચૂકી છે.

સ્થિતિ પડી થાળે

અપાંગ કહે છે કે, ‘આ બધું જ સામાન્ય છે. એ જગ્યાએ ચીન અને ભારતીય સૈન્યના જવાનોએ હાથ મિલાવ્યા હતા અને ત્યાં ખોદકામ કરનારાં મશીન્સ સહિત ઘણો સામાન લઈ ગયા હતા. અમે જાણતા નથી કે તેમનો આવું કરવા પાછળનો મકસદ શું હતો. સૈન્ય અત્યારે ITBPના જવાનો સાથે તહેનાત છે.’

વધ્યો સૈન્ય પહેરો

જોકે સંરક્ષણ મામલાના જાણકાર એક સૂત્રના જણાવ્યાનુસાર, ડોકલામ બાદ ચીન કદાચ બીજો મોરચો ખોલવા માગતું હતું. ચીન તરફથી માર્ગ બનાવવાનું આ પગલું એવા સમયે ભરવામાં આવ્યું છે કે, જ્યારે સરહદ પર સૈન્યની મહિનાથી ચાલતી વાર્ષિક EWT (અર્લી વોર્નિંગ ટેસ્ટ)નું સમાપન થયું છે. ડોકલામ વિવાદને કારણે અત્યારે EWT તહેનાતી ઘણી વધી છે, પરંતુ ગત મહિના બાદ તમામ વધારાના સૈનિકોને પાછા બોલાવી લેવાયા હતા અને ત્યારે આ માર્ગ નિર્માણનો મામલો સામે આવ્યો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો