એપશહેર

આ રાજ્યમાં કોરોનાની દવા રેમડેસિવિરની કાળાબજારી, આટલી ઊંચી કિંમતે વેચાણ

તમિલનાડુમાં રેમડેસિવિર દવા કિંમત કરતા ઊંચા ભાવે વેચાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. બ્લેક માર્કેટમાં રૂપિયા 12,500થી 13,000ની કિંમતે વેચાઈ રહી છે.

I am Gujarat 31 Jul 2020, 6:33 pm
ચેન્નઈ: કોરોનાના ઈલાજમાં એન્ટિ વાયરલ તરીકે જાણીતી દવા રેમડેસિવિર (Remdesivir)ની ભારે માગ છે. તેવામાં આ દવાના નામે ચાલતા કૌભાંડ પણ સામે આવી રહ્યા છે. તમિલનાડુમાં આ દવા ત્રણગણા વધારે ભાવે વેચાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. રેમડેસિવિરની એક બોટલની કિંમત (જીએસટી સહિત) રૂપિયા 3,000થી 5,000ની વચ્ચે છે. જ્યારે તમિલનાડુના બ્લેક માર્કેટમાં આ દવા રૂપિયા 12,500થી 13,000ની કિંમતે વેચાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે.
I am Gujarat q10
પ્રતીકાત્મક તસવીર


અહીં ઉલ્લેખનીય છે કે સરકારી હોસ્પિટલોમાં રેમડેસિવિર (Remdesivir) પર્યાપ્તમાત્રામાં ઉપલબ્ધ છે. પણ, ખાનગી હોસ્પિટલ્સમાં દવાનો સપ્લાય ઓછો છે અને અહીં આ દવાઓના એજન્ટ નફાખોરી કરે છે. ઘણી વખત તો ડોક્ટર જ કેટલાંક દર્દીઓને એજન્ટના નંબર આપે છે કે જેની પોતાની ફાર્માસ્યુટિકલ ડિસ્ટ્રિબ્યુશન એજન્સી હોય અથવા તેઓ હોસ્પિટલ અને ફાર્માસ્યુટિકલ ફર્મ માટે કામ કરતા હોય.

પ્રાપ્ત માહિતી મુજબ શરૂઆતનો સંપર્ક મેસેજિંગ એપ્લિકેશન દ્વારા થાય છે. ત્રિચીમાં કોરોનાના દર્દીએ એક એજન્ટને રેમડેસિવિરની 6 બોટલ ખરીદવા માટે રૂપિયા 75,000 આપ્યા. તેઓને એક પ્રાઈવેટ હોસ્પિટલે નંબર આપ્યો હતો. તમિલનાડુ ડ્રગ્સ કંટ્રોલ વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું કે દર્દીઓને આ દવા સીધી વેચવામાં નથી આવતી. આ દવા હજુ છૂટક બજારમાં આવી નથી. માત્ર સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. તમિલનાડુમાં આ દવા બ્લેક માર્કેટમાં ઉપલબ્ધ નથી. તેમ છતાં અમે આ મુદ્દે વિશેષ કાર્યવાહી કરીશું.

અહીં નોંધનીય છે કે હાલના દિવસોમાં રેમડેસિવિરની ભારે માગ જોવા મળી છે. ક્લિનિકલ ટ્રાયલમાં કોરોના વાયરસના દર્દીઓના રિકવરી પિરિયડમાં સુધારો થતા તેની માગ વધી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો