એપશહેર

કિડનેપરની 'પ્રેમિકા' બનીને મહિલા પોલીસકર્મીએ બાળકનો જીવ બચાવ્યો

સનકી પ્રેમીએ પ્રેમિકાની માસીના માસૂમ પુત્રનું અપહરણ કર્યું હતું. અપહરણ કરીને બાળકને જંગલમાં લઈ ગયો હતો.

I am Gujarat 7 Dec 2020, 8:15 am
ઈંદોરમાં એક અપહરણની ઘટના સામે આવી છે. આ ઘટનાને એક સનકી પ્રેમીએ અંજામ આપ્યો હતો કારણકે તેની પ્રેમિકા તેને છોડીને કોઈ અન્ય વ્યક્તિ સાથે જતી રહી હતી. રોષે ભરાયેલા પ્રેમીએ પ્રેમિકાની માસીના માસૂમ દીકરાનું અપહરણ કરી લીધું હતું. બાળકને લઈને તે જંગલમાં જતો રહ્યો હતો. તેણે બાળકની માતાને ફોન કરીને પોતાની પ્રેમિકાને મોકલવાનું કહ્યું હતું. ત્યારે મહિલા પોલીસકર્મીએ ગર્લફ્રેન્ડ બનીને તેની સાથે વાત કરી અને જંગલની બહાર કાઢીને તેની ધરપકડ કરી હતી.
I am Gujarat saumya jain police
મહિલા પોલીસકર્મી સૌમ્યા જૈન


સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો, ઈંદોરના ચંદનનગર વિસ્તારની છે. જ્યાં પ્રેમની એવી સનક ચડી કે યુવક અપરાધના માર્ગે ચડી ગયો. જે યુવતી સાથે તેને પ્રેમ થયો હતો તે તેને છોડીને બીજા કોઈ વ્યક્તિ પાસે જતી રહી હતી. તેને પામવા માટે યુવકે પ્રેમિકાની માસીના દીકરાનું અપહરણ કરવાનું તરકટ રચ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, માસૂમ બાળકની માએ ગુરુવારે ચંદનગર પોલીસ સ્ટેશન પહોંચીને બાળક ગુમ થયાની ફરિયાદ લખાવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મામલો ગાંધીનગર પોલીસ સ્ટેશનનો હોવાથી પોલીસે તેમને ત્યાં જવાનું કહ્યું હતું. દરમિયાન આરોપીએ બાળકની માને ફોન કર્યો હતો. આરોપીએ ફોનમાં કહ્યું કે, જ્યાં સુધી મહિલાની બહેનની દીકરી (પ્રેમિકા)ને તેની પાસે નહીં મોકલે ત્યાં સુધી તે બાળકને છોડશે નહીં. આ મામલે જ્યારે પોલીસને જાણ થઈ ત્યારે મહિલા પોલીસકર્મી સૌમ્યા જૈને માસૂમને છોડાવવા માટે દીપકના નામના આરોપી સાથે તેની પ્રેમિકા બનીને વાત કરી હતી.

આરોપીને જાળમાં ફસાવવા માટે મહિલા પોલીસ સૌમ્યા જૈન સતત તેની સાથે પ્રેમિકા બનીને વાત કરતા રહ્યા. વાતચીત દરમિયાન આરોપીના નંબરનું લોકેશન મળી ગયું હતું. આરોપી બાળક સાથે ખરગોનના જંગલમાં છુપાયો હતો. જે બાદ ઈંદોર પોલીસની ટીમ રવાના થઈ. આ ટીમમાં એક મહિલા સિપાઈ પણ હતા. તેમણે કિડનેપર સાથે બાળકની માસી બનીને વાત કરી હતી. સાથે જ તેને જંગલ નજીક મળવા બોલાવ્યો હતો.

મહિલા સિપાહી દીપક (કિડનેપર)ને મળવા પહોંચ્યા ત્યારે તે બાળકને લઈને જંગલની બહાર આવ્યો હતો. જે બાદ ઈંદોર પોલીસે તેની ધરપકડ કરી હતી. સાથે જ બાળકને પણ હેમખેમ ઉગાર્યો હતો. પોલીસે બાળકને તેના પરિવારને સોંપી દીધો છે.

એસપી (પશ્ચિમ) મહેશચંદ્ર જૈને આ મિશન પાર પાડનારી પોલીસની ટીમને રોકડ ઈનામ આપ્યું છે. મહિલા પોલીસકર્મી સૌમ્યા જૈનની આ યુક્તિની પ્રશંસા કરી છે. માહિતી પ્રમાણે, આરોપી દીપકનો જે મહિલા સાથે સંબંધ હતો તે પોતાના પતિને છોડી ચૂકી હતી. બાદમાં તે દીપક સાથે રહેતી હતી. પરંતુ તેની સાથે ઝઘડો થતાં બીજા કોઈ સાથે રહેવા જતી રહી હતી. પરિણામે આરોપીએ આ પગલું ભર્યું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો