એપશહેર

લખીમપુર હિંસાઃ કેન્દ્રીય મંત્રીના પુત્રને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલાયો

લખીમપુર ખીરી હિંસાના મુખ્ય આરોપી અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાને ત્રણ દિવસીય પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો

I am Gujarat 11 Oct 2021, 6:33 pm
લખીમપુર ખીરી હિંસાના મુખ્ય આરોપી અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાને ત્રણ દિવસીય પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. કોર્ટે કેટલીક શરતો સાથે પોલીસને રિમાન્ડની મંજૂરી આપી છે.
I am Gujarat ashish mishra2


આશિષ મિશ્રાના વકીલ એસપી યાદવે જણાવ્યુ હતું કે એસઆઈટી એ 14 દિવસના રિમાન્ડ માટે અરજી કરી હતી જેમાંથી ત્રણ દિવસના પોલીસ રિમાન્ડની મંજૂરી મળી છે. આ મંજૂરી કેટલીક શરતો સાથે મળી છે જેમાં 12 ઓક્ટોબર સવારે 10 વાગ્યાથી 15 ઓક્ટોબર બપોરે 3 વાગ્યા સુધી રિમાન્ડનો સમય રહેશે. આશિષ મિશ્રાનું મેડિકલ કરાવવામાં આવશે અને પૂછપરછ દરમિયાન તેના વકીલ પણ હાજર રહી શકશે.

લખીમપુર કાંડમાં શનિવારે 12 કલાક ચાલેલી પૂછપરછ બાદ એસઆઈટીની ટીમે આશિષ મિશ્રાની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ તેને કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાંથી તેને જેલમાં મોકલવામાં આવ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે આશિષની 12 કલાસ સુધી પૂછપરછ ચાલી હતી. તેણે પૂછાયેલા સવાલોના યોગ્ય જવાબ આપ્યા ન હતા અને સહયોગ પણ આપ્યો ન હતો. એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, 12 કલાક સુધી ચાલેલી પૂછપરછમાં આશિષને 32 જેટલા સવાલો પૂછવામાં આવ્યા હતા. જોકે મોટા ભાગના સવાલના જવાબમાં તેણે એક જ જવાબ આપ્યો હતો કે તે ત્યાં હાજર ન હતો.

લખીમપુર હિંસામાં 8 લોકોના મોત થયા હતા
નોંધનીય છે કે 3 ઓક્ટોબરે લખીમપુર ખીરીમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર થાર જીપ ચડાવી દેવામાં આવી હતી. જેમાં ચાર ખેડૂતોના મોત થયા હતા. ત્યારબાદ હિંસા ભડકી હતી જેમાં વધુ ચાર લોકોના મોત થયા હતા. ત્યારબાદ સરકાર પર સતત દબાણ વધતું ગયું હતું. ઉત્તર પ્રદેશ સરકારે મૃતકોના પરિવારજનોને 45-45 લાખ રૂપિયાનું વળતર આપ્યું હતું. જ્યારે પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી હતી.

Read Next Story