એપશહેર

મહારાષ્ટ્ર રાજકીય સંકટમાં નવો વળાંક, બળવાખોર ધારાસભ્યોને મનાવવા શિવસેના છોડી દેશે કોંગ્રેસ-NCPનો સાથ!

Maharashtra Political Crisis: મહારાષ્ટ્રના રાજકીય સંકટમાં શિવસેના સાંસદ સંજય રાઉતના એક નિવેદનથી રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. સંજય રાઉતે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, જો બળવાખોર ધારાસભ્ય 24 કલાકની અંદર મુંબઈ પરત ફરે છે, તો તેઓ મહાવિકાસ અઘાડી સરકારમાંથી બહાર થવા અંગે વિચારી શકે છે. આ ઉપરાંત રાઉતે શિંદે ઉપર પણ આકરા પ્રહાર કર્યાં હતા.

Edited byHarshal Makwana | TNN 23 Jun 2022, 4:30 pm

હાઈલાઈટ્સ:

  • શિવસેના સાંસદ સંજય રાઉતના નિવેદનથી રાજકારણમાં સર્જાયો ભૂકંપ
  • બળવાખોર ધારાસભ્ય મુંબઈ આવી ઉદ્ધવ ઠાકરે સાથે ચર્ચા કરે- સંજય રાઉત
  • EDના દબાણ હેઠળ આ ધારાસભ્યો પાર્ટી છોડીને જતાં રહ્યા છે- સંજય રાઉત
હાઈલાઈટ ટેક્સ્ટ

Maharashtra Political Crisis: મહારાષ્ટ્રના રાજકીય સંકટમાં આજે વધુ એક નવો વળાંક આવ્યો છે. શિવસેનાના સાંસદ સંજય (Sanjay Raut) રાઉતે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે, જો બળવાખોર ધારાસભ્ય 24 કલાકમાં મુંબઈ પરત ફરશે તો, શિવસેના (Shivsena) મહાવિકાસ અઘાડી સરકારમાંથી બહાર થવા તૈયાર છે. સંજય રાઉતના આ નિવેદનથી મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. કેમ કે, મહાવિકાસ અઘાડી સરકારને બચાવવા માટે કોંગ્રેસ અને NCP સુપ્રીમો શરદ પવાર પણ સતત પ્રયાસો કરી રહ્યા છે. જો કે, સંજય રાઉતના અલગ થવાના નિવેદનથી કોંગ્રેસ અને NCPમાં હડકંપ મચી જવા પામ્યો છે.
ગુરુવારે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં સંજય રાઉતે કહ્યું હતું કે, ધારાસભ્યોએ ગુવાહાટીથી વાતચીત ન કરવી જોઈએ. તેઓએ મુંબઈ પરત આવવું જોઈએ અને આ મુદ્દે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવી જોઈએ. જો આ તમામ ધારાસભ્યોની ઈચ્છા હશે તો, અમે MVAમાંથી બહાર થવા અંગે વિચારી શકીએ છીએ, પણ તે માટે તેઓએ અહીં આવવું પડશે અને મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવી પડશે.

આ ઉપરાંત સંજય રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્રમાં MVA સરકારમાંથી બહાર થવા માટે શિવસેના તૈયાર છે, પણ જે બળવાખોર ધારાસભ્યો આ માગણી કરી રહ્યા છે, તેઓએ 24 કલાકમાં ગુવાહાટીથી મુંબઈ પરત આવે, અને આ મુદ્દો પાર્ટી ચીફ ઉદ્ધવ ઠાકરેની સમક્ષ રજૂ કરે અને બાદમાં તેના પર ચર્ચા કરવામાં આવશે.

ગુરુવારે પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં મીડિયા સમક્ષ નીતિન દેશમુખ અને કૈલાશ પાટિલને રજૂ કર્યાં હતા. આ ઉપરાંત બળવાખોર ધારાસભ્યના લીડર એકનાથ શિંદે પર હુમલો કરતાં સંજય રાઉતે કહ્યું હતું કે, આ લોકોમાં મુંબઈ આવવાની હિંમત નથી. આ ઉપરાંત સંજય રાઉતે કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી સરકાર મજબૂત છે, અને જ્યારે ફ્લોર ટેસ્ટ થશે ત્યારે સૌ કોઈને ખબર પડી જશે.

સંજય રાઉતે કહ્યું કે, EDના દબાણ હેઠળ જે લોકોએ પાર્ટી છોડી દીધી છે, તે બાલાસાહેબ ઠાકરેના સાચા ભક્ત નથી. જ્યારે શિંદે પર પ્રહાર કરતાં સંજય રાઉતે કહ્યું કે, હું બાલાસાહેબ ઠાકરેને સપોર્ટ કરું છું, અને આ પ્રકારના નિવેદન તમને બાલાસાહેબ ઠાકરેના સાચા ફોલોઅર બનાવતાં નથી, તેઓને EDનો ડર છે.

સંજય રાઉતે વધુમાં કહ્યું કે, હું કોઈ કેમ્પ વિશે વાત નહીં કરું. હું મારી પાર્ટી અંગે વાત કરીશ. આજના દિવસે પણ અમારી પાર્ટી મજબૂત છે. 20 ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. તેઓ જ્યારે મુંબઈ પરત ફરશે, ત્યારે તમને જાણ થશે. અમે ખુલાસો કરીશું કે, કયા સંજોગોમાં અને દબાળ હેઠળ આ ધારાસભ્યો છોડીને જતા રહ્યા છે.

Read Next Story