એપશહેર

ટ્રેન દુર્ઘટનાઃ પંજાબમાં રાજકીય શોક, 60થી વધુનાં મોત

Gaurang Joshi | I am Gujarat 19 Oct 2018, 11:44 pm
I am Gujarat many people are feared dead in a train accident in amritsar
ટ્રેન દુર્ઘટનાઃ પંજાબમાં રાજકીય શોક, 60થી વધુનાં મોત


રાવણ દહન જોતાં બની ઘટના

ચંદિગઢઃ પંજાબના અમૃતસરમાં એક ભયાનક ટ્રેન દુર્ઘટનામાં 60થી વધુ લોકોના મોત થયાં છે. આ દુર્ઘટના અમૃતસર અને મનાવલા વચ્ચે ફાટક નંબર 27 વચ્ચે થઈ હતી. આ દુર્ઘટના જે સમયે થઈ ત્યારે રાવણ દહન જોવા માટે લોકોની ભીડ એકઠી થઈ હતી. આ દરમિયાન ડીએમયુ ટ્રેન નંબર 74943 ત્યાંથી પસાર થઈ રહી હતી. રાવણ દહનમાં ફટાકડાના અવાજના કારણે લોકોને ટ્રેનનો અવાજ સંભળાયો નહોતો.આ ટ્રેન દુર્ઘટનાના પગલે પંજાબમાં આજે રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. દરેક ઓફિસ અને શિક્ષણ સંસ્થાનો બંધ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ઘટનામાં માર્યા ગયેલાના પરિવારને 2 લાખ રુપિયા અને ઘાયલોને પચાસ હજારની સહાયતાની જાહેરાત કરી છે.

ચાલુ છે બચાવકાર્ય

અમૃતસરના જોડા ફાટક નજીક આ ઘટના બની હતી. આ ઘટના ત્યારે બની હતી જ્યારે લોકો ટ્રેનના પાટા પર ઉભા રહીને રાવણદહન જોઈ રહ્યાં હતાં. જીઆરપી એસએચઓ બલવીર સિંહે અમારા સહયોગી એનબીટી સાથે વાત કરતાં જણાવ્યું કે,’હાલ મૃતકોની સંખ્યાનો ચોક્કસ આંકડો જાણી શકાયો નથી. અમે બચાવકાર્ય શરુ કર્યું છે.’ એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યાનુસાર,’ટ્રેન ખૂબ જ ઝડપથી આવી રહી હતી આ દરમિયાન અનેક લોકો ટ્રેનની ઝપેટમાં ચડી ગયાં હતાં.’

નરેન્દ્ર મોદીએ દર્શાવી સંવેદના

એક રિપોર્ટ અનુસાર ફટાકડાંના કારણે લોકોને ટ્રેન આવવાનો અવાજ સંભળાયો નહોતો. જેને કારણે આ કરુણાંતિકા સર્જાઈ હતી. આ ઘટના પછી પોલીસ, જીઆરપીની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ સાથે જ ઘટનાસ્થળ પર સ્થાનીક લોકોની પણ મદદથી બચાવકાર્ય શરુ છે.

ટ્રેન હેઠળ કચડાયાં લોકો

train-3-1196655306-1590310313

રાવણ દહન દરમિયાન જોડા ફાટક પાસે અચાનક જ ભાગદોડ મચી હતી. જે કારણે અનેક લોકો ટ્રેનના પાટા તરફ ભાગ્યાં હતાં. આ દરમિયાન પઠાનકોટથી અમૃતસર આવી રહેલી ટ્રેનની ઝપેટમાં આવવાના કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો