એપશહેર

UP: ચોરી કરવા ન મળતા 10 લાખ સ્ટૂડન્ટ્સે બોર્ડની પરીક્ષા જ ન આપી

નવરંગ સેન | I am Gujarat 10 Feb 2018, 11:23 am
I am Gujarat more than 10 lakh quit up board exams in 4 days
UP: ચોરી કરવા ન મળતા 10 લાખ સ્ટૂડન્ટ્સે બોર્ડની પરીક્ષા જ ન આપી


પરીક્ષામાં ચોરી કરવું હવે બન્યું મુશ્કેલ

ઈશા જૈન, લખનઉ: બોર્ડની પરીક્ષામાં આ વખતે એક્ઝામ રુમમાં કોઈ ચોરી ન કરી શકે તે માટે કડક વ્યવસ્થા ગોઠવાતા ઉત્તર પ્રદેશમાં 10 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાનું જ માંડી વાળ્યું છે. મહત્વનું છે કે, ગયા વર્ષે પણ આ જ કારણે પાંચ લાખ સ્ટૂડન્ટ્સ પરીક્ષામાં ચોરી કરવાની કોઈ તક ન અપાતા પરીક્ષામાં બેઠા જ નહોતા.

66 લાખમાંથી 10 લાખે ગુલ્લી મારી

યુપીમાં આ વખતે 6 ફેબ્રુઆરીથી 10મા અને 12માની બોર્ડની પરીક્ષાઓ ચાલુ થઈ છે, અને તેમાં બેસવા 66 લાખ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. પરીક્ષા શરુ થયે 4 દિવસ થઈ ગયા છે, અને આ સમયગાળામાં 10 લાખ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે. યુપીમાં એક મહિના સુધી પરીક્ષાઓ ચાલવાની હોવાથી આ આંકડો હજુય વધે તેવી પૂરી શક્યતા છે.

2016નો રેકોર્ડ આ વખતે તૂટ્યો

શુક્રવારે દસમા ધોરણના વિદ્યાર્થીઓને ઈંગ્લિશનું જ્યારે 12મા ધોરણના સ્ટૂડન્ટ્સને ઈંગ્લિશનું પેપર હતું, અને આ બે પેપરમાં જ સૌથી વધુ સંખ્યામાં સ્ટૂડન્ટ્સ ગેરહાજર રહ્યા હતા. આ પહેલા 2016માં રેકોર્ડ સંખ્યામાં 6.40 લાખ વિદ્યાર્થીઓેએ પરીક્ષા નહોતી આપી, પણ આ રેકોર્ડ આ વખતે તૂટી ચૂક્યો છે.

1991-92માં પણ આવું થયું હતું

1991 અને 1992માં રાજનાથ સિંહ યુપીના શિક્ષણ મંત્રી હતા, ત્યારે તેમણે પરીક્ષાની પદ્ધતિ કડક બનાવતા બંને વર્ષે અનુક્રમે 1.3 લાખ અને 1.6 લાખ વિદ્યાર્થીઓએ ડ્રોપ લઈ લીધો હતો. જોકે, તે વખતે હાલની સંખ્યા જેટલા સ્ટૂડન્ટ્સ પરીક્ષા આપવા પણ નહોતા આવતા.

પરીક્ષા ખંડોમાં સીસીટીવી

યુપી શિક્ષણ બોર્ડના સેક્રેટરી નીના શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર, સરકારે સામૂહિક ચોરી કરાવતા એજ્યુકેશન માફિયાઓ પર લગામ કસતા લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા નથી આવી રહ્યા. ચોરી અટકાવવા માટે દરેક રુમમાં સીસીટીવી ગોઠવાયા છે, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ગોઠવવામાં આવી છે, અને યુપીના ડેપ્યુટી સીએમ દિનેશ શર્મા ખુદ પર્સનલ ઈન્સ્પેક્શન કરી રહ્યા છે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો