એપશહેર

માની મમતા લજવાઈઃ 25 દિવસ પહેલાં જોડિયા બાળકને જન્મ આપ્યો, એકનું મોત થતાં બીજાનું ગળું દબાવ્યું

ઉત્તર પ્રદેશના કાનપુરમાં 25 દિવસ પહેલાં જોડિયા બાળકોને જન્મ આપી માતા પિયર જતી રહી હતી. તેવામાં સોમવારે સાસરીમાં એક બાળકીનું મોત થઈ જતાં માતાએ નવજાત બાળકનું ગળું દબાવી મોતન ઘાટ ઉતાર્યો

I am Gujarat 13 Sep 2021, 10:23 pm

હાઈલાઈટ્સ:

  • કળિયુગી માતાનો સનસનીખેજ કિસ્સો
  • 9 મહિના પહેલાં જ થયા હતા લગ્ન, 25 દિવસ પહેલાં ટ્વિવન્સને આપ્યો જન્મ
  • ઈચ્છા વિરુદ્ધ લગ્ન થતાં બાળકોને સાસરીમાં મુકી પિયર આવી ગઈ
  • સાસરીમાં બાળકીનું મોત થતાં નવજાત બાળકનું ગળું દબાવી દીધું
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat UTTAR PRADESH POLICE
ભલે દીકરો કપાતર પાકે પણ માતાની મમતા પર કોઈ આંચ આવતી નથી. પણ આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને સાંભળીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં 25 દિવસ પહેલાં એક માતાએ બે જોડિયા બાળકને જન્મ આપ્યો હતો. જન્મ આપ્યા બાદ માતા બાળકોને સાસરીમાં મૂકીને પિયર જતી રહી હતી. માતા વગર દાદી અને દાદી સાથે ઉછરી રહેલ બાળકીનું સોમવારે મોત નિપજ્યું હતું. જેને કારણે માતા સાસરીમાં આવી હતી. જે બાદ તેણે બાળકનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો. અને ત્યાંથી ભાગી ગઈ હતી. હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.
9 મહિના પહેલાં જ કર્યાં હતા લગ્ન

ઘટનાની વિગતમાં વાત કરીએ તો, ઉત્તર પ્રદેશના કાનપુરમાં રેલ બજાર પોલીસ સ્ટેશનની હદમાં આવતાં સુજાતગંજના રહેવાસી મોહમ્મદ અશફાકે પોતાના પુત્ર દાનિશના લગ્ન 9 મહિના પહેલાં રેલ બજારમાં જ રહેતી સના સાથે કર્યા હતા. અને સનાએ 25 દિવસ પહેલાં જ બે ટ્વીન્સ (એક બાળક અને એક બાળકી)ને જન્મ આપ્યો હતો. બંને બાળકોને જન્મ આપ્યા બાદ જ ક્રૂર માતા બંને બાળકોને પોતાની સાસરીમાં મૂકીને પિયર જતી રહી હતી.

માતા લગ્ન કરવા માગતી ન હતી

સનાની સાસુ રેશમ બેગમે જણાવ્યું કે, સના દાનિશ સાથે લગ્ન કરવા માગતી ન હતી. પણ તેના પરિવાર દ્વારા સમજાવીને તેના નિકાહ દાનિશ સાથે કરવામાં આવ્યા હતા. જો કે લગ્ન બાદ સના દ્વારા સતત નાની-નાની બાબતોમાં ઝઘડો કરવામાં આવતો હતો. 25 દિવસ પહેલાં બાળકોને જન્મ આપ્યા બાદ તેણે પોતાના પિયરમાં ફોન કરીને કહ્યું હતું કે, મને અહીંથી લઈ જાઓ નહીંતર હું આત્મહત્યા કરી લઈશ. જે બાદ પિયરવાળાએ આવી સનાને લઈ ગયા હતા. જ્યારે બાળક બીમાર પડી ગયા તો સના તેમને જોવા પણ આવી ન હતી.

બાળકીનું મોત થતાં બાળકનું ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યો

માતા વગર બંને નવજાત બાળકો બીમાર પડી ગયા હતા. અને તેવામાં સોમવારે બીમારીને કારણે નવજાત બાળકીનું મોત થયું હતું. જેથી આ વાતની જાણ સનાને પણ કરવામાં આવી હતી. જે બાદ સના સાસરીમાં આવી હતી અને બાળકીના મોત પર થોડીવાર રડી હતી. જે બાદ તેણે દાદીના ખોળામાં રહેલા બાળકને છીનવી લીધો હતો અને તેનું ગળું દબાવી દીધું હતું. જેને કારણે તેનાં શ્વાસ અટકી ગયા હતા. અમે તેને લઈને તાત્કાલિક હોસ્પટલ દોડ્યા હતા. પણ ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યો હતો.

આ મામલે સનાના સસરા દ્રારા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલે રેલ બજાર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર રવિ શ્રીવાસ્તવે જણાવ્યું કે, એક નવજાત બાળકનું મોત થયું છે. સાસરી પક્ષ તરફથી વહુ પર આરોપ લગાવવામાં આવ્યો છે. ઘટનાની તપાસ ચાલી રહી છે. અને તપાસમાં જે હકીકત સામે આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.

Read Next Story