એપશહેર

એન્ટિલિયા કેસની તપાસ વચ્ચે મુંબઈના પોલીસ કમિશનરને પદ પરથી હટાવાયા

મુંબઈના પોલીસ કમિશનર પરમવીર સિંહની બદલી કરી દેવાઈ છ. તેને હોમગાર્ડ વિભાગમાં તૈનાત કરાયા છે. પરમબીર સિંહને બદલે હેમંત નાગરાલેને મુંબઈના નવા પોલીસ કમિશનર બનાવાયા છે.

I am Gujarat 17 Mar 2021, 7:54 pm
મુંબઈ: મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો ભરેલી કાર મળવાના કેસમાં હવે મુંબઈના પોલીસ કમિશનર પરમબીર સિંહ પર પસ્તાળ પડી છે. આ કેસમાં મુંબઈ ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટ (CIU)ના સચિન વાઝેની ધરપકડ બાદ હવે મુંબઈના પોલીસ કમિશનર પરમબીર સિંહને બુધવારે પદ પરથી હટાવી દેવાયા. તેમને હોમગાર્ડ મંત્રાલયમાં મૂકી દેવાયા છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આ જાણકારી આપી. પરમબીરની જગ્યાએ હેમંત નાગરાલેને મુંબઈના નવા કમિશનર બનાવાયા છે.
I am Gujarat Parambir Singh
પરમબીર સિંહને મુંબઈના પોલીસ કમિશનર પદેથી હટાવી હોમગાર્ડ મંત્રાલયમાં મૂકી દેવાયા.


પરમબીર સિંહ સામે આ કાર્યવાહી મુંબઈ પોલીસના પૂર્વ અધિકારી સચિન વાઝેની ધરપકડના એક દિવસ બાદ કરવામાં આવી છે. સચિન વાઝેની એન્ટિલિયાના વિસ્ફોટક કાર કાંડમાં એનઆઈએએ ધરપકડ કરી છે. વાઝે વિભાગમાં પરમબીર સિંહને જ રિપોર્ટ કરતા હતા. તે ઉપરાંત પરમબીર સિંહની વડપણ હેઠળની રિવ્યુ કમિટીએ જ વિવાદાસ્પદ સચિન વાઝેને 16 વર્ષ પછી કોર્ટના આદેશની વિરુદ્ધ જઈ નોકરી પર પાછા રાખ્યા હતા.

બદલી પહેલા મંગળવારે રાત્રે પરમબીર સિંહએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળવા પણ પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક ભરેલી કાર મળવાના મામલે પોલીસ કમિશનર પરમબીર સિંહ, પોલીસ અધિકારી સચિન વાઝેની ભૂમિકા શંકાસ્પદ હોવાનું સામે આવી રહ્યું છે. મંગળવારે એનઆઈએએ એ વાતની પુષ્ટિ કરી હતી કે, સીસીટીવી ફુટેજમાં અંબાણીના ઘરની પાસે પીપીઈ કિટ પહેરીને દેખાયેલી શંકાસ્પદ વ્યક્તિ સચિન વાઝે હતા.

આ પહેલા સ્કોર્પિયોમાં વિસ્ફોટકો રાખનારો શખસ બાદમાં જે ઈનોવા કારમાં બેસીને ગયો હતો, તે પરમવીર સિંહની ઓફિસ સામેથી મળી હતી. તપાસ એજન્સી મામલામાં પોલીસ અધિકારીઓના કનેક્શનની તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, મુકેશ અંબાણીના ઘરની બહારથી વિસ્ફોટકો ભરેલી સ્કોર્પિયો કાર મળ્યા બાદ ચકચાર મચી ગઈ હતી. બાદમાં રહસ્યમય પરિસ્થિતિઓમાં સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે હિરેનની પત્નીએ પૂર્વ પોલીસ અધિકારી સચિન વાઝે પર ગંભીર આરોપ લગાવ્યા હતા.

Read Next Story