એપશહેર

મુંબઈમાં કચ્છીઓના 4,000 કરોડ સલવાયા, સમાધાન ના થતાં આખરે થયો પોલીસ કેસ

પોલીસે આ મામલે એક બ્રોકરેજ ફર્મના ભાગીદારોની ધરપકડ કરી છે. આ મામલે 6 અન્ય લોકો સામે પણ કચ્છી વિસા ઓસવાલ જ્ઞાતિના લોકો સાથે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.

Written byChaitanya Marpakwar | Mumbai Mirror 23 Oct 2020, 5:19 pm
મુંબઈ: વેપારી કોમ કહેવાતી કચ્છી વિસા ઓસવાલ જ્ઞાતિએ રૂ. 4000 કરોડની ફસાયેલી ઉઘરાણીનો પ્રશ્ન ઉકેલવા માટે બે વર્ષ પહેલા 'મદદ અભિયાન' શરૂ કર્યું હતું. જેમાં પોલીસ કે કોર્ટની મદદ લેવામાં આવી ન હતી. તેમનો આ પ્રયાસ નિષ્ફળ રહ્યો છે.
I am Gujarat Kutchi Visa Oswal community


કચ્છી સહિયારુ અભિયાન ટીમના 25 સભ્યો તરફથી રાહત માટે રાહ જોઈને થાકેલા અન લોકડાઉનમાં રોકડની અછતનો સામો કરી રહેલા જ્ઞાતિના સભ્યોએ હવે આ મામલે પોલીસની મદદ માગી છે.

જ્ઞાતિના લોકો દ્વારા પોલીસ પાસે જવાના પગલાંની અસર પણ થઈ છે. પોલીસે આ મામલે 7 લોકો સામે ફરિયાદ નોંધી છે. જેમાંથી બ્રોકરેજ ફર્મ આરએચ એસોસિએટ્સના બે પાર્ટનરની ધરપકડ કરવામાં આવી છે. આ બેમાંથી એક કચ્છી વિસા ઓસવાલ સમાજનો છે. આ લોકો સામે 277 રોકાણકારો સાથે રૂ. 79.52 કરોડની છેતરપિંડી કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ બધા રોકાણકારો કચ્છી વિસા ઓસવાલ જ્ઞાતિના છે. પોલીસના જણાવ્યા મુજબ, જેમની સામે ગુનો નોંધાયો છે તેમાંથી 4 ફરાર છે, એકને કોરોના થયો છે અને અન્ય એકનું સ્વાસ્થ્ય સારું નથી.

મિરરે સૌ પહેલા આ 4000 કરોડની લોનમાં કચ્છી વિસા ઓસવાલ જ્ઞાતિના 2000 લોકોના રૂપિયા ફસાયાના અહેવાલ પ્રસિદ્ધ કર્યા હતા. આ જ્ઞાતિમાં ધંધો કરવા માટે જ્ઞાતિબંધુઓને રૂપિયા ઉછીના આપવાનો દાયકાઓ જૂનો વ્યવહાર છે. જેમાં કોઈપણ પ્રકારની કાયદાકીય પ્રક્રિયા વિના 12.-15 ટકાના વ્યાજે રૂપિયા ઉછીના આપવામાં આવે છે. લેણદેણની આ સમગ્ર પ્રક્રિયા દલાલ મારફતે કરવામાં આવે છે અને તેને બદલામાં વાર્ષિક 1-2 ટકા દલાલી મળી જાય છે.

વર્ષોથી ચાલી આવતી આ સિસ્ટમ અત્યાર સુધી બરાબર ચાલતી હતી. જ્યારે કોઈ રૂપિયા ન આપે ત્યારે સમાજના આગેવાનો વચ્ચે પડી સેટલમેન્ટ કરાવતા હતા. જોકે, ડિસેમ્બર 2018માં સ્થિતિ વધુ ગંભીર બની ગઈ. ડિફોલ્ટરોની યાદી સતત વધવા લાગી. બ્રોકરો રૂપિયા ઉછીના આપનારાઓ પાસેથી દલાલોએ પણ રૂ. 25થી 50 લાખ લીધા હતા, એટલે જેમના ઘર વ્યાજ પર ચાલતા હતા તેઓ ભારે મુશ્કેલીમાં મૂકાઈ ગયા. તેમાંથી કેટલાકને તો દવાઓ અને બાળકોની ફી ભરવાના પણ ફાંફા પડવા લાગ્યા. તે પછી જ્ઞાતિના લોકોએ કચ્છી સહિયારુ અભિયાન નામનું મંડળ બનાવ્યું, જેનું કામ બધા રૂપિયા પાછા લાવવાનું હતું.

જ્ઞાતિના એક વરિષ્ઠ સભ્યએ જણાવ્યું કે, શાહુકારો ધીરજ રાખીને બેઠા છે, પરંતુ જ્ઞાતિ સ્તરે આ સમસ્યાનો ઉકેલ લાવવાની યોજના સફળ ન થઈ.

લોકડાઉનના કારણે મુશ્કેલીનો બીજો રાઉન્ડ શરૂ થયો તો જ્ઞાતિના લોકોએ કાયદાની મદદ લેવાનું નક્કી કર્યું.

ગોરેગાંવમાં રહેતા અને એક ખાનગી બેંકમાં આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડન્ટ રાજેશ શાહની ફરિયાદના આધારે પોલીસે કચ્છી વિસા ઓસવાલ જ્ઞાતિના એક સભ્ય સામે કાર્યવાહી કરી છે. ફરિયાદ મુજબ, શાહે આરએચ એસોસિએટ્સમાં 48 લાખ રૂપિયા રોક્યા હતા. તેમને વર્ષે ઓછામાં ઓછું 12 ટકા વ્યાજ મળશે તેવી ખાતરી આપવામાં આવી હતી. કંપનીએ એવું કહ્યું હતું કે, એક મહિનાની નોટિસ આપીને તેઓ પોતાનું ફંડ પાછું મેળવી શકે છે .

ગત સપ્ટેમ્બર મહિનામાં આરએચ એસોસિએટ્સના ભાગીદાર હસમુખ ગોગરીની ધરપકડ કરવામાં આવી હતી.


પોલીસે જણાવ્યું કે, ડિસેમ્બર 2017 સુધીમાં આરએચ એસોસિએટ્સે વચન મુજબ રિટર્ન આપ્યું. પરંતુ તે પછીના મહિનાથી તે પેમેન્ટ કરવામાં ડિફોલ્ટ થવા લાગી. શાહે ફરિયાદમાં દાવો કર્યો છે કે, જ્યારે રોકાણકારોએ તેમના રૂપિયા પાછા માગ્યા તો કંપનીએ પહેલા તો નોટબંધીના કારણે કેશની સમસ્યાની વાત કહી અને પછી બીજા બહાના બતાવવા લાગી

આ ફરિયાદ નોંધાયા બાદ બીજા રોકાણકારો પણ બહાર આવ્યા અને ફરિયાદ નોંધાવી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 'આ કંપનીમાં હજારો લોકોએ રૂપિયા રોક્યા છે. આ કૌભાંડ લગભગ 650 કરોડ રૂપિયાનું હોવાનો અંદાજ છે.'

શાહ અને અન્ય રોકાણકારોનો આરોપ છે કે, કંપનીએ તેમના રૂપિયા ટ્રાવેલ અને કન્સ્ટ્રક્શન કંપનીઓમાં રોક્યા હતા.

પોલીસે જણાવ્યું કે, 'અમે 9 લાખ રૂપિયા રોકડા ઉપરાંત 18 બેંક અકાઉન્ટ, 8 કોમર્શિયલ અને રેસિડેન્સિયલ પ્રોપર્ટી અને કેટલાક વાહનો સીઝ કર્યા છે.'

આ કેસની તપાસ કરી રહેલા આર્થિક ગુના શાખાના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પરાગ મનેરેએ જણાવ્યું કે, દરેક રોકાણકારના હક અને રૂપિયાનું રક્ષણ કરવામાં આવશે.

આ કંપનીના ભાગીદારો- હસમુખ ગોગરી, રમણિક ડેઢિયા, દિલેશ વિરા, મુકેશ છેડા, પંકજ છેડા, કૌશલ છેડા અને તેમના સંબંધીઓ હેમંત છેડા અને જયેશ છેડા સામે રોકાણકારોના હિતોનું રક્ષણ કરતી કલમો અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. ગોગરી અને પંકજની ધરપકડ કરી લેવાઈ છે. મિરરે ગોગરીના વકીલ વિજય વાઘેલાનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે નિવેદન આપવાનો ઈનકાર કરી દીધો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો