એપશહેર

ઉનાકાંડ: હાર્દિકે ‘દલિત ભાઈઓ’ના સમર્થનમાં બર્થ ડે ન ઉજવી!

I am Gujarat 21 Jul 2016, 2:37 am
નવગુજરાત સમય ઉદેપુર
I am Gujarat national 36
ઉનાકાંડ: હાર્દિકે ‘દલિત ભાઈઓ’ના સમર્થનમાં બર્થ ડે ન ઉજવી!


પાટીદાર આંદોલન સમિતિના નેતા અને હાલમાં કોર્ટના આદેશને કારણે ગુજરાત બહાર ઉદેપુરમાં રહેતા હાર્દિકે પટેલે ઉનામાં બનેલા જઘન્ય અત્યાચારના મામલે પાટીદારોને ‘દલિત ભાઈઓ’ સાથે રહેવા માટે વિનંતી કરી છે. એટલું જ નહીં, હાર્દિકે વીસમી જુલાઈની તેની ૨૩મી બર્થ ડે પણ આ ગોઝારી ઘટનાના વિરોધમાં ન ઉજવવા માટે કહ્યું છે. હાર્દિકે કહેવાતા ગૌરક્ષકો દ્વારા દલિતોને જાહેરમાં ઢોર માર મારવાની ઘટનાની ટીકા કરીને કહ્યું છે કે સમાજમાં ભાગ પડાવીને રાજ કરવાનો ભાજપનો પ્રાથમિક એજન્ડા છે.

‘ગુજરાતમાં દલિત ભાઈઓ સાથે જે બન્યું છે તેના વિરોધમાં મેં મારા તમામ સમર્થકોને મારી બર્થ ડે ન ઉજવવા માટે કહ્યું છે,’ તેમ અંગ્રેજી અખબાર ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ને આપેલા ઈન્ટરવ્યૂમાં હાર્દિકે કહ્યું હતું. ‘ભાજપનો આ જ પ્રાથમિક એજન્ડા છે. પાર્ટીનો મુખ્ય આશય ભાગલા પાડો અને રાજ કરોનો રહ્યો છે. પાર્ટી બે સમુદાય વચ્ચે વેરઝેર વાવે છે અને તેમને ધર્મના આધારે જુદાં કરે છે. ભાજપ વિકાસમાં માનતી પાર્ટી નથી. તેને ફક્ત જાતિ આધારિત હિંસામાં રસ છે. ગુજરાતમાં દલિત સમુદાય દ્વારા જે વિરોધ-પ્રદર્શનો થઈ રહ્યાં છે તે સરકાર વિરુધ્ધનો રોષ દર્શાવે છે. ભાજપની સરકારે હંમેશા હિંસાને પ્રોત્સાહન આપ્યું છે અને ૨૦૦૨નાં રાજ્યનાં રમખાણો તેનો પુરાવો છે,’તેમ હાર્દિકે ગુજરાત શા માટે આટલું રોષે ભરાયેલું છે? તેવા સવાલના જવાબમાં કહ્યું હતું.

પટેલ આંદોલન અને હાલની દલિત ઝુંબેશ વચ્ચે કોઈ સામ્ય છે કે કેમ તેવા સવાલના જવાબમાં પાટીદાર નેતાએ કહ્યું કે, પાટીદારોની ઝુંબેશ વખતે પોલીસ દયાહીન થઈને લોકો પર તૂટી પડી હતી. બાળકો સામે પણ દેશદ્રોહના કેસ કરાયા હતા. પોલીસ ફાયરિંગમાં ઘણાંએ જીવ ગુમાવ્યા હતા. આવું જ અત્યારે દલિતો સાથે થઈ રહ્યું છે. ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે? સરકાર લોકોની ફરિયાદો સામે અસંવેદનશીલ છે? તેવા સવાલના જવાબમાં હાર્દિકે કહ્યું કે,’ભાજપ સરકારે લોકોને વિકાસનાં નામે ફક્ત સપનાં જ વેચ્યાં છે. આજે ગુજરાતના ગામડાંઓમાં ૨૪ કલાક વીજળી નથી. છતાં ભારતના લોકોને ગુજરાત મોડેલના નામે મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે. અયોધ્યામાં રામ મંદિર હોય કે બાબરી મસ્જિદ-તેની સામે લોકોને કોઈ નિસ્બત નથી. લોકોને મૂર્ખ બનાવવા માટે(ઉત્તરપ્રદેશની) દાદરીકાંડ જેવી ઘટનાઓ ભાજપ દ્વારા જાણીજોઈને ઉછાળવામાં આવે છે. લોકોને વિકાસ જોઈએ છે અને મેઈક ઈન ઈન્ડિયાની નહીં પણ મેઈડ ઈન ઈન્ડિયાની દેશને વધુ જરુર છે.’

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો