એપશહેર

વિકાસ, ચૂંટણી અને આતંકવાદ... કાશ્મીર પર પીએમ મોદીએ કરી આ મહત્વની વાતો

વિપુલ પટેલ | I am Gujarat 8 Aug 2019, 7:57 pm
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવાયા બાદ પીએમ પહેલી વખત દેશને સંબોધિત કરી રહ્યા છે. ત્યારે તેઓ શું કહેશે તેના પર બધાની નજર છે. આ પહેલા તેઓ સાંજે 4 કલાકે સંબોધન કરવાના હતા. જે રેડિયો પર થવાનું હતું, પણ, પછી સંબોધનનો સમય બદલી સાંજે 8 કલાકનો કરાયો હતો અને તે ટેલિવિઝન પર પ્રસારિત કરવાનો નિર્ણય લેવાયો હતો. જુઓ, પીએમ મોદીએ તેમના સંબોધનમાં શું કહ્યું…. – આવો આપણે બધા મળીને નવા ભારતની સાથે હવે નવા જમ્મુ-કાશ્મીર અને નવા લદ્દાખનું પણ નિર્માણ કરીએ. – હું જમ્મુ-કાશ્મીરના મારા ભાઈઓ અને બહેનોને, લદ્દાખના મારા ભાઈઓ અને બહેનોને આહવાહન કરું છું. આવો, આપણે બધા મળીને દુનિયાને બતાવી દઈએ કે આ ક્ષેત્રના લોકોનું સામર્થ્ય કેટલું વધારે છે, અહીંના લોકોનો હોંશલો, તેમનો જઝ્બો કેટલો વધારે છે. -જમ્મુ-કાશ્મીરના કર્મચારીઓ અને પોલીસ સ્થિતિઓને જે રીતે સંભાળી રહ્યા છે, તે ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે. -ઈદનો તહેવાર નજીક છે, મારી તરફથી ઈદની શુભેચ્છાઓ. સરકાર એ પ્રયાસ કરી રહી છે કે ઈદ દરમિયાન જમ્મુ-કાશ્મીરના લોકોને કોઈ મુશ્કેલી ન પડે. -હું ખાતરી આપું છું કે, ત્યાં ધીરે-ધીરે સ્થિતિ સામાન્ય થઈ જશે અને તેમની પરેશાની ઓછી થશે. -આતંકવાદ અને અલગતાવાદને પ્રોત્સાહન આપવાના વિરોધમાં જમ્મુ-કાશ્મીરના જ દેશભક્ત લોકો ઊભા છે. -કેટલાક મુઠ્ઠીભર લોકો સ્થિત બગાડવા ઈચ્છે છે, તેમને ધૈર્યપૂર્વક જવાબ પણ ત્યાંના આપણા ભાઈ-બહેનો આપી રહ્યા છે. -ત્યાંના લોકોની તકલીફથી અમે અલગ નથી. કલમ 370ની મુક્તિ એક હકીકત છે. સલામતીના ભાગરૂપે કેટલાક પગલાં ઉઠાવાયા છે, તેનો મુકાબલો પણ ત્યાંના જ લોકો કરી રહ્યા છે. -કલમ 370 હટ્યા બાદ સુરક્ષાની દ્રષ્ટિએ જરૂરી પગલાં ઉઠાવવાના હતા, ઉઠાવ્યા છે. – જે લોકો આ નિર્ણયથી અસંમત છે, હું તેમનું પણ સન્માન કરું છું. કોણે પક્ષમાં વોટ કર્યો, કોણે નથી કર્યો, હવે તેનો કોઈ અર્થ નથી. – લદ્દાખના યુવાનોને સારા શિક્ષણ માટે સારી સંસ્થાઓ મળશે. ત્યાંના લોકોને સારી હોસ્પિટલ મળશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું વધુ ઝડપથી આધુનિકરણ થશે. – લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશ થવાને કારણે અહીંના યુવાનોને સારી તક મળશે, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થશે. -પહેલા જમ્મુ-કાશ્મીરમાં ફિલ્મોનું શૂટિંગ થતું હતું, હું બોલિવૂડ, તમિળ, તેલુગુ ફિલ્મ નિર્માતાઓને આગ્રહ કરું છું કે, અહીં આવીને શૂટિંગ કરે. -લદ્દાખમાં સ્પિરિચુઅલ, ટૂરિઝમ, એડવેન્ચર ટૂરિઝમ અને ઈકો ટૂરિઝમનું સૌથી મોટું કેન્દ્ર બનવાની ક્ષમતા છે. – કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ હવે લદ્દાખના લોકોનો વિકાસ ભારત સરકારની ખાસ જવાબદારી છે. સ્થાનિક પ્રતિનિધિઓ, લદ્દાખ અને કારગિલના ડેવલપમેન્ટ કાઉન્સિલના સહયોગથી કેન્દ્ર સરકાર વિકાસની તમામ યોજનાઓનો લાભ હવે વધુ ઝડપથી પહોચાડશે. – જમ્મુ-કાશ્મીરના કેસરનો રંગ હોય કે કહવાનો સ્વાદ, સફરજની મીઠાશ હોય કે ખુબાનીનું રસીલાપણું, કાશ્મીરી શાલ હોય કે પછી કલાકૃતિઓ, લદ્દાખની ઓર્ગેનિક પ્રોડક્ટ્સ હોય કે હર્બલ મેડિસિન… તેનો પ્રચાર દુનિયાભરમાં કરવાની જરૂર છે. -દાયકાઓથી પરિવારવાદે જમ્મુ-કાશ્મીરના યુવાનોને નેતૃત્વની તક નથી આપી. હું યુવાનો, ત્યાંની બહેનો-દીકરીઓને આગ્રહ કરું છું કે પોતાના ક્ષેત્રના વિકાસની કમાન જાતે સંભાળે. – મને પૂરો વિશ્વાસ છે કે જમ્મુ-કાશ્મીરની જનતા, ગુડ ગવર્નન્સ અને પારદર્શકાના વાતાવરણમાં નવા ઉત્સાહ સાથે પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરશે. – મને પૂરો વિશ્વાસ છે કે જમ્મુ-કાશ્મીરની જનતા અલગતાવાદને હરાવી નવી આશાઓ સાથે આગળ વધશે. – હું રાજ્યના ગવર્નરને પણ આગ્રહ કરીશ કે બ્લોક ડેવલપમેન્ટ કાઉન્સિલની રચના, જે છેલ્લા બે-ત્રણ દાયકાથી પડતર છે, તેને પુરું કરવાનું કામ પણ જલદીમાં જલદી કરવામાં આવે. -હું તમને ખાતરી આપું છું કે, જે રીતે અમે પંચાયતની ચૂંટણી પારદર્શકતાથી સંપન્ન કરાવી, એવી જ રીતે વિધાનસભા ચૂંટણી પણ થશે. -આપણે બધા ઈચ્છીએ છીએ કે આવનારા સમયમાં જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી થાય, નવી સરકાર બને, મુખ્યમંત્રી બને. હું જમ્મુ-કાશ્મીરના લોકોને ખાતરી આપું છું કે તમને પૂરી પ્રામાણિકતાથી, સમગ્ર પારદર્શક વાતાવરણમાં તમારા પ્રતિનિધિ ચૂંટવાની તક મળશે. – જમ્મુ-કાશ્મીરમાં રાજસ્વ ખાદ ઘણી વધુ છે. તે ચિંતાનો વિષય છે. કેન્દ્ર સરકાર એ પણ સુનિશ્વિત કરશે કે તેના પ્રભાવને ઓછો કરવામાં આવે. -જમ્મુ-કાશ્મીરના યુવાનોને પરિવારવાદે આગળ આવવાની તક જ ન આપી, હવે જમ્મુ-કાશ્મીરના યુવાનોને તક મળશે. હું તેમને આહવાહન કરું છું કે વિકાસના કામ માટે આગળ આવો. – હું જમ્મુ-કાશ્મીરના લોકોને ખાતરી આપું છું કે, આગળ પણ જનપ્રતિનિધી તમારી વચ્ચેથી જ ચૂંટાશે. ધારાસભ્યો તમારી વચ્ચેથી જ હશે, સીએમ તમારી વચ્ચેથી જ આવશે. – દેશના અન્ય રાજ્યોમાં લઘુમતીઓના હિતોના સંરક્ષણ માટે માઈનોરિટી એક્ટ લાગુ છે, પરંતુ જમ્મુ-કાશ્મીરમાં તે લાગુ ન હતો. દેશના અન્ય રાજ્યોમાં શ્રમિકોના હિતોના રક્ષણ માટે મિનિમમ વેજીસ એક્ટ લાગુ છે, પરંતુ જમ્મુ-કાશ્મીરમાં તે માત્ર કાગળ પર જ હતો. – પહેલાની સરકારો એ પણ દાવો નહોંતી કરી શકતી કે તેમનો કાયદો જમ્મુ-કાશ્મીરમાં પણ લાગુ થશે. એ કાયદાઓનો લાભથી જમ્મુ-કાશ્મીરના લોકો વંચિત રહી જતા હતા. શિક્ષણના અધિકારથી લાભથી જમ્મુ-કાશ્મીરના બાળકો અત્યાર સુધી વંચિત હતા. – દેશના અન્ય રાજ્યોમાં સફાઈ કર્મચારીઓ માટે સફાઈ કર્મચારી એક્ટ લાગુ છે, પરંતુ જમ્મુ-કાશ્મીરના સફાઈ કર્મચારી તેનાથી વંચિત હતા. દેશના અન્ય રાજ્યોમાં દલિતો પર અત્યાચાર રોકવા માટે કાયદો લાગુ છે, પરંતુ જમ્મુ-કાશ્મીરમાં આવા કાયદા લાગુ નહોંતા થતા. -કાયદો બનાવતા સમયે ઘણી ચર્ચા થાય છે અને તેની જરૂરિયાતને લઈને ગંભીર પક્ષ રાખવામાં આવે છે. આ પ્રક્રિયાથી પસાર થઈને જે કાયદો બને છે, તે સમગ્ર દેશના લોકોનું ભલું કરે છે. પરંતુ, કોઈ કલ્પના ન કરી શકે કે સંસદ આટલી મોટી સંખ્યામાં કાયદો બનાવે અને તે દેશના એક ભાગમાં લાગુ જ ન થાય. – આપણા દેશમાં કોઈપણ સરકાર હોય, તે સંસદમાં કાયદો બનાવી દેશની ભલાઈનું કામ કરે છે. કોઈપણ પક્ષ કે ગઠબંધનની સરકાર હોય, આ કાર્ય સતત ચાલતું રહે છે. – આર્ટિકલ 370 અને 35Aથી જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદ, આતંકવાદ, પરિવારવાદ અને વ્યવસ્થાઓમાં મોટા પ્રમાણમાં ફેલાયા અને ભ્રષ્ટાચાર ઉપરાંત કંઈ ન આપ્યું. – છેલ્લા 3 દાયકામાં 42 હજાર નિર્દોષ લોકોનો પોતાનો જીવ ગુમાવવો પડ્યો. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો વિકોસ એ રીતે ન થઈ શક્યો, જેના તેઓ હકદાર હતા. – આ બંને કલમોનો દેશની વિરુદ્ધ કેટલાક લોકોની ભાવનાઓ ભડકાવવા માટે પાકિસ્તાન દ્વારા એક શસ્ત્રની જેમ ઉપયોગ કરાયો. -સમાજ જીવનમાં કેટલીક વાતો, સમયની સાથે એટલી હળીમળી જાય છે કે ઘણી વખત એ ચીજો સ્થાયી માની લેવાય છે. કલમ 370ની સાથે પણ એવો જ ભાવ હતો. તેનાથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના આપણા ભાઈ-બહેનોની જે હાનિ થઈ રહી હતી, તેની ચર્ચા જ નહોંતી થતી. – જે સપનું સરદાર પટેલનું હતું, બાબા સાહેબ આંબેડકરનું હતું, ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જનું હતું, અટલજી અને કરોડો દેશભક્તોનું હતું, તે હવે પુરું થયું છે. હવે દેશના બધા નાગરિકોના હક અને ફરજો સમાન છે. -એક રાષ્ટ્ર તરીકે, એક પરિવાર તરીકે, આપણે, અમે દેશે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. એક એવી વ્યવસ્થા, જેના કારણે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના આપણા ભાઈ-બહેન તેમના અધિકારોથી વંચિત હતા, જે તેમના વિકાસમાં મોટી અડચણ હતી, તે આપણા બધાના પ્રયાસોથી હવે દૂર થઈ ગઈ છે. – જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકોને ખૂબ-ખૂબ અભિનંદન
લેખક વિશે
વિપુલ પટેલ
વિપુલ પટેલ છેલ્લા 19 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતમાં ક્રાઈમ, કોર્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરવા ઉપરાંત તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો પણ બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (બીએ વિથ ઈંગ્લિશ) કર્યું છે. ત્યારબાદ ડિપ્લામા ઈન જર્નાલિમઝ કરી પત્રકારના ક્ષેત્રમાં જોડાયા. તેઓ વેસ્ટર્ન ટાઈમ્સ, આજકાલ, સંદેશ અને દિવ્ય ભાસ્કર જેવા અખબારોમાં એડિટિંગનું કામ અને દિવ્ય ભાસ્કરની વેબસાઈટમાં પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો