એપશહેર

PM Modi Degree: પીએમ મોદીની ડિગ્રીની વિગતો જાહેર નહીં થાય, ગુજરાત હાઈકોર્ટે કેજરીવાલને દંડ ફટકાર્યો

PM Modi Degree Case: વર્ષ 2016માં CICએ મોદીની ડિગ્રીની વિગતો અરવિંદ કેજરીવાલને આપવા માટે ગુજરાત યુનિવર્સિટીને ઓર્ડર આપ્યો હતો, પરંતુ હવે ગુજરાત હાઈકોર્ટે આ ઓર્ડર ફગાવી દીધો છે. અદાલતે ગુજરાત યુનિવર્સિટીની અપીલ માન્ય રાખી છે. આ કેસમાં 9 ફેબ્રુઆરી સુધીમાં સુનાવણી થઈ ગઈ હતી અને ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો.

Authored byઅજિત ગઢવી | ETMarkets.com 31 Mar 2023, 4:56 pm
PM Modi Degree News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અને અભ્યાસનો વિવાદ ફરી એક વખત ચગ્યો છે. સેન્ટ્રલ ઈન્ફોર્મેશન કમિશન (CIC)એ નરેન્દ્ર મોદીની ડિગ્રીની વિગત જાહેર કરવા માટે 2016માં ગુજરાત યુનિવર્સિટીને ઓર્ડર આપ્યો હતો. પરંતુ ગુજરાત હાઈકોર્ટે આજે આ ઓર્ડર ફગાવી દીધો છે. મોદીની ડિગ્રી વિશેની માહિતી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે માંગી હતી. આ મુદ્દે હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને ફટકાર લગાવી છે અને તેમને 25,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
I am Gujarat PM Modi degree
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એજ્યુકેશન રેકોર્ડનો વિવાદ જાગ્યો છે.

થોડા વર્ષો અગાઉ અમીત શાહે મોદીની ડિગ્રી જાહેર કરી હતી.



મોદીની ડિગ્રીની વિગતો કેજરીવાલને આપવા માટે સીઆઈસીએ 2016માં ગુજરાત યુનિવર્સિટીને સૂચના આપી હતી. ગુજરાત યુનિવર્સિટીએ આ આદેશ પડકાર્યો હતો. યુનિવર્સિટીનું કહેવું હતું કે CICએ તેને નોટિસ આપ્યા વગર ડિગ્રી વિશે ઓર્ડર આપ્યો હતો. આ બાબતને ધ્યાનમાં રાખીને જસ્ટિસ બિરેન વૈષ્ણવે ગુજરાત યુનિવર્સિટીની અપીલ માન્ય રાખી હતી. આ અંગે સંબંધિત પક્ષોને સાંભળ્યા પછી 9 ફેબ્રુઆરીએ ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો.

કેન્દ્રિય માહિતી આયોગ એટલે કે CICએ મોદીની ડિગ્રીની વિગતો આપવા માટે ગુજરાત યુનિવર્સિટીને જે આદેશ આપ્યો હતો તે પણ આ સાથે રદ કરવામાં આવ્યો છે.

અરવિંદ કેજરીવાલે દંડ ભરવો પડશે
ગુજરાત હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઝાટકણી કાઢીને તેમને 25 હજાર રૂપિયાનો દંડ કર્યો છે. કેજરીવાલે ચાર અઠવાડિયાની અંદર ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીને આ દંડ ભરવાનો રહેશે. કોર્ટે આ જજમેન્ટ પર સ્ટે આપવાનો પણ ઈનકાર કર્યો હતો.

તત્કાલિન માહિતી કમિશનર ડો. શ્રીધર અચર્યુલુએ આ વિવાદમાં મોદીની શૈક્ષણિક લાયકાત અંગે સુઓ મોટો નિર્ણય લીધો હતો તેમ કહેવામાં આવ્યું છે. કેજરીવાલના ચૂંટણી ઓળખપત્રને લગતી એક અરજી પર સુનાવણી કરતી વખતે CICએ સુઓ મોટો આદેશ આપ્યો હતો. તે સમયે કેજરીવાલે CICની ટીકા કરીને કહ્યું હતું કે કમિશન પારદર્શક રીતે કામ નથી કરતું. કેજરીવાલે કહ્યું હતું કે હું મારા વિશે જરૂરી માહિતી આપવા માટે તૈયાર છું. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમની ડિગ્રીની વિગત આપવી જોઈએ જેથી તેના વિશે કોઈના મનમાં શંકા ન રહે.

તેના પગલે CICએ દિલ્હી યુનિવર્સિટીમાંથી મોદીની BAની ડિગ્રી અને ગુજરાત યુનિવર્સિટીમાંથી MAની ડિગ્રી, તેનો નંબર અને વર્ષની વિગત આપવા આદેશ આપ્યો હતો. ગુજરાત યુનિવર્સિટી આ આદેશ સામે હાઈકોર્ટમાં ગઈ હતી.
લેખક વિશે
અજિત ગઢવી
અજિત ગઢવી લગભગ 22 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી આ યુનિવર્સિટીમાંથી જ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદમાં ઈકોનોમિક ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર અને મેટ્રોમાં કામ કરવા ઉપરાંત રાજકોટના જયહિંદ, સાંજ સમાચાર અખબારોમાં કામ કર્યું છે. તેઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ન્યૂઝ એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિયેશનનો અનુભવ ધરાવે છે.... વધુ વાંચો

Read Next Story