એપશહેર

બુલેટ ટ્રેનને નહીં નડે વંદે ભારત એક્સપ્રેસ જેવા અકસ્માત, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું તેનું કારણ

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (Vande Bharat Express) શરૂ થઈ ત્યારથી ચર્ચામાં છે. જોકે, હાલમાં તે એક તેને થયેલા અકસ્માતોને લઈને વધારે ચર્ચામાં છે. ખાસ કરીને ગાંધીનગર અને મુંબઈ વચ્ચે શરૂ કરાયેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ગત સવા મહિનામાં લગભગ ચાર વખત અકસ્માત થયો છે, તેનાથી સોશિયલ મીડિયા પર આ ટ્રેનની ઘણી મજાક ઉડાવાઈ રહી છે. વંદે ભારત ટ્રેનના અકસ્માતોને પગલે હવે બુલેટ ટ્રેન (Bullet Train)ની સુરક્ષા સામે પણ સવાલ ઉભા થયા છે.

Edited byવિપુલ પટેલ | I am Gujarat 24 Nov 2022, 6:42 pm

હાઈલાઈટ્સ:

  • અમદાવાદ-મુંબઈ વચ્ચે શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને એક પછી એક ઘણા અકસ્માત થયા.
  • રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, રેલવે ટ્રેક પર લોકો અને પશુઓને આવતા રોકવા ફેસિંગનું કામ ચાલી રહ્યું છે.
  • તેમણે એમ પણ જણાવ્યું કે, બુલેટ ટ્રેનની ડિઝાઈન અને કોન્સેપ્ટ અલગ હોવાથી તેમાં આવા અકસ્માતનો ભય નહીં રહે.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Bullet Train and Vande Bharat Express Train
વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express)ને તાજેતરમાં થયેલા અકસ્માતોને પગલે બુલેટ ટ્રેન (Bullet Train)ની સલામતીને લઈને ચિંતાઓ ઊભી થઈ છે. જોકે, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ (Railway minister Ashwini Vaishnaw)એ કહ્યું કે, એ બાબતે ડર રાખવાની કોઈ જરૂર નથી.
નવી દિલ્હી: વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (Vande Bharat Express)ને તાજેતરમાં ઘણા અકસ્માત નડ્યા છે. ખાસ કરીને મુંબઈથી ગાંધીનગર વચ્ચે સપ્ટેમ્બરના અંતમાં શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ઘણા અકસ્માતનો ભોગ બની છે. નવેમ્બરની શરૂઆતમાં આણંદમાં વંદે ભારત ટ્રેનની અડફેટે એક મહિલાનું મોત થઈ ગયું હતું. તે પહેલા અમદાવાદ, આણંદ અને વલસાડમાં પશુઓ સાથે ટ્રેન અથડાઈ હતી. આ અકસ્માતોમાં વંદેને ભારત ટ્રેનનું 'નાક' તૂટી ગયું હતું. આ ઘટનાઓને કારણે સોશિયલ મીડિયા પર વંદે ભારત ટ્રેનની ઘણી મજાક ઉડી હતી. યૂઝર્સનું કહેવું હતું કે, આ ટ્રેન છે કે પતરાનો ડબ્બો! ઘણા સોશિયલ મીડિયા યૂઝર્સએ વંદે ભારતને લઈને ઘણા મીમ્સ પણ બનાવ્યા. તેનાથી બુલેટ ટ્રેન (Bullet Train)ની સુરક્ષા પર પણ સવાલ ઊભા થયા છે, જેની ઝડપ વંદે ભારત કરતા લગભગ બે ગણી હશે. પરંતુ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ (Railway Minister Ashwini Vaishnaw)નું કહેવું છે કે, બુલેટ ટ્રેનની સાથે વંદે ભારત એક્સપ્રેસ જેવી ઘટના નહીં બને.
રેલવે મંત્રીએ ટાઈમ્સ નાઉ સમિટમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોની સુરક્ષા અંગે પૂછાયેલા સવાલ પર કહ્યું કે, તે અકસ્માતો ન હતા, પરંતુ પશુઓ ટ્રેન સાથે અથડાયા હતા. તેમમે કહ્યું કે, 'સમગ્ર દુનિયામાં જ્યાં પણ સ્પીડથી દોડતી ટ્રેન બને છે તો તેમાં હંમેશ ક્રંબલ ઝોનવાળો કોન્સેપ્ટ હોય છે. જો કોઈ વસ્તુ પૂરઝડપે કોઈ બીજી વસ્તુ સાથે અથડાય છે, તો કાઈનેટિક એનર્જીને શોષવા માટે તેમાં હંમેશા એક એલિમેન્ટ રહે છે, જેથી ટ્રેન પલટી ન જાય. વંદે ભારતમાં આગળનો ભાગ ડિસમેન્ટલ માટે ડિઝાઈન કરાયો છે.' વંદે ભારત એક્સપ્રેસની મહત્તમ સ્પીડ 180 કિમી પ્રતિ કલાક છે, પરંતુ તેને હાલમાં 130 કિમી પ્રતિ કલાકની ઝડપે ચલાવાઈ રહી છે.

તેમણે કહ્યું કે, ભારતમાં રેલવે ટ્રેન જમીન પર છે. એવામાં પશુઓ કે મનુષ્યો ટ્રેક પર આવી જવાનો ખતરો કાયમ રહે છે. તેને રોકવા એક મોટો પડકાર છે. આ એક સામાજિક સમસ્યા છે. આ સ્થિતિને દૂર કરવા માટે વંદે ભારત ટ્રેનને એ રીતે ડિઝાઈન કરાઈ છે કે, કોઈ ચીજ ટકરાતા જ તેનો આગળનો ભાગ ડિસમેન્ટલ થઈ જાય. જે રીતે ગાડીઓમાં બંપર લગાવાય છે, એ જ રીતે વંદે ભારત ટ્રેનમાં આગળનો ભાગ અકસ્માત સહન કરવા માટે ડિઝાઈન કરાયો છે.

વૈષ્ણવે કહ્યું કે, 'લોકો અને પશુઓને ટ્રેક પર આવતા રોકવા માટે છેલ્લા ત્રણ વર્ષથી ફેસિંગ લગાવવાનું કામ ચાલી રહ્યું છે. તેમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ આવે છે, પરંતુ તેમાં ઝડપી કામ ચાલી રહ્યું છે. ફેસિંગ થવાથી આ મુશ્કેલી ઘણી હદ સુધી દૂર થઈ જશે. જ્યાં સુધી બુલેટ ટ્રેનની વાત છે, તો તેમાં એ સમસ્યા નહીં આવે. તેનું કારણ એ છે કે, બુલેટ ટ્રેનનો ટ્રેક એલિવેટેડ હોય છે. પિલ્લર હોય ચે, તેના ઉપર વાયાડક્ટ હોય છે અને તેના ઉપર 320 કિમીની ઝડપે બુલેટ ટ્રેન ચાલે છે. તેના કન્ટ્રોલ અને ડાયનામિક્સ અલગ પ્રકારના હોય છે.'

હાલમાં દેશમાં પાંચ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચાલી રહી છે. તેમાં બે જૂની પેઢીની છે, જ્યારે ત્રણ નવી પેઢીની છે. તેની શરૂઆત સૌથી પહેલા નવી દિલ્હી અને વારાણસી વચ્ચે થઈ હતી. આવી બીજી ટ્રેન નવી દિલ્હી અને કટડા માટે ચલાવાઈ હતી. નવી પેઢીની પહેલી વંદે ભારત ટ્રેન સપ્ટેમ્બરના અંતમાં મુંબઈ અને ગાંધીનગર વચ્ચે ચલાવાઈ. તે પછી નવી દિલ્હી અને હિમાચલ પ્રદેશના ઉના અને પછી ચેન્નઈ અને મૈસુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરાઈ. દેશનો પહેલો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મુંબઈથી અમદાવાદ વચ્ચે બનાવાઈ રહ્યો છે.
લેખક વિશે
વિપુલ પટેલ
વિપુલ પટેલ છેલ્લા 19 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતમાં ક્રાઈમ, કોર્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરવા ઉપરાંત તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો પણ બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (બીએ વિથ ઈંગ્લિશ) કર્યું છે. ત્યારબાદ ડિપ્લામા ઈન જર્નાલિમઝ કરી પત્રકારના ક્ષેત્રમાં જોડાયા. તેઓ વેસ્ટર્ન ટાઈમ્સ, આજકાલ, સંદેશ અને દિવ્ય ભાસ્કર જેવા અખબારોમાં એડિટિંગનું કામ અને દિવ્ય ભાસ્કરની વેબસાઈટમાં પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story