એપશહેર

રાજસ્થાન સંકટ: રાહુલ-પ્રિયંકાને મળ્યા પાઈલટ, કોંગ્રેસમાં પડેલો ડખો ઉકેલાઈ જશે?

રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાઈલટ વચ્ચે ચાલી રહેલા ઝઘડાનો અંત નજીકમાં હોય તેવું લાગી રહ્યું છે. આજે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડેરાના પ્રયાસોથી સચિન પાઈલટ અને રાહુલ ગાંધી વચ્ચે મુલાકાત થઈ હતી. તે પછી કહેવાઈ રહ્યું છે કે, સચિન પાઈલટ સમજૂતી માટે તૈયાર થઈ ગયા છે અને પાર્ટી નહીં છોડે.

I am Gujarat 10 Aug 2020, 5:54 pm
નવી દિલ્હી: રાજસ્થાનમાં વિધાનસભા સત્ર શરૂ થયા પહેલા રાજકીય હલચલ વધી ગઈ છે. પાર્ટીમાં બળવો કરનારા સચિન પાઈલટે સોમવારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડેરા સાથે મુલાકાત કરી છે. જણાવાઈ રહ્યું છે કે, ત્રણેય વચ્ચેની આ મુલાકાત સકારાત્મક રહી છે, એવામાં સંકેત મળી રહ્યા છે કે, સચિન પાઈલટને સમજાવવામાં કોંગ્રેસ સફળ રહી છે.
I am Gujarat Priyanka and Sachin Pilot


કોંગ્રેસ સૂત્રોનું માનીએ તો પાર્ટી હાઈકમાન્ડે સચિન પાઈલટને ખાતરી આપી છે કે, તેમની બધી સમસ્યાઓ દૂર કરી દેવાશે. ઉલ્લેખનીય છે કે, 14 ઓગસ્ટથી જ વિધાનસભાનું સત્ર શરૂ થવાનું છે, એ પહેલા સચિન પાઈલટ જૂથે સત્રમાં ભાગ લેવાના સંકેત આપ્યા હતા.

હવે, પ્રિયંકા અને રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, સચિન પાઈલટ પોતાની નારાજગી ભૂલીને પાર્ટીમાં પાછા આવશે. આ પહલા પણ જ્યારે સચિન પાઈલટે બળવો કર્યો હતો, ત્યારે પ્રિયંકા ગાંધી વાડેરા સાથે તેમની ઘણી વખત ફોન પર વાત થઈ હતી અને તેમણે મામલો ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સામે મોરચો ખોલનારા સચિન પાઈલટની સાથે લગભગ 22 ધારાસભ્યો હતા. રાજ્ય સરકારે તેમના પર સરકાર પાડવાનો આરોપ લગાવ્યો હતો અન રાજદ્રોહનો કેસ કર્યો હતો. જેનાથી સચિન પાઈલટ ઘણા નારાજ થયા હતા. તેમના બળવા પછી જ કોંગ્રેસે સચિન પાઈલટ પાસેથી નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષનું પદ છીનવી લીધું હતું. એટલું જ નહીં, પ્રદેશ અધ્યક્ષ તરીકે ગોવિંદ સિંહ ડોટાસરાને નિયુક્ત પણ કરી દીધા હતા. અશોક ગેહલોતે પત્રકારો સાથેની વાતચીતમાં સચિન પાઈલટ પર અંગત પ્રહારો પણ કર્યા હતા. તે પછી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી બંનેનો ઝઘડો પહોંચ્યો હતો.

ગેહલોતે આરોપ લગાવ્યો હતો કે સચિન પાઈલટ ભાજપ સાથે મળીને સરકાર પાડવાના પ્રયાસ કરી રહ્યા હતા. તેમણે તેમની પાસે ફોન ટેપિંગ સહિતના ઘણા પુરાવા હોવાનો દાવો કર્યો હતો. આ બધા વચ્ચે લાગી રહ્યું હતું કે, સચિન પાઈલટ મામલે પાર્ટી કોઈ ઢીલ આપવાના મૂડમાં નથી.

ગેહલોત અને પાઈલટ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણમાં પાર્ટી તૂટવાનું નિશ્ચિત જ મનાતું હતું, પરંતુ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડેરાના પ્રયાસોથી આખો ખેલ બદલતો દેખાઈ રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, પ્રિયંકા ગાંધીની સલાહ પર જ સચિન પાઈલટ અને રાહુલ ગાંધી સોમવારે મળ્યા અને રાજસ્થાનના રાજકીટ ઝઘડાને ઉકેલવા પર વાત થઈ છે.

ઉલ્લેખનીય છે કે, 14 ઓગસ્ટે રાજસ્થાન વિધાનસભાનું સત્ર શરૂ થશે, જેમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત બહુમતી સાબિત કરવાનો પ્રયાસ કરશે. છેલ્લા ઘણા સપ્તાહથી રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસે વારંવાર કહ્યું છે કે, અશોક ગેહલોત સરકાર પાસે 100થી વધુ ધારાસભ્યોનું સમર્થન છે અને તેના પર કોઈ ખતરો નથી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો