એપશહેર

રાજસ્થાનમાં ITને મળી મોટી સફળતા, ભોંયરામાં છૂપાવેલી 700 કરોડની સંપત્તિ હાથ લાગી

રાજસ્થાનમાં આવકવેરા વિભાગે ત્રણ ફર્મ પર પાડી રેડ, કુલ 1750 કરોડથી વધુની બેનામી સંપત્તિનો થયો ખુલાસો.

I am Gujarat 23 Jan 2021, 11:49 pm
જયપુર: રાજસ્થાનમાં આવકવેરા વિભાગને મોટી સફળતા મળી છે. આવકવેરા વિભાગની રેડ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની છે. જાણવા મળ્યા મુજબ, આવકવેરા વિભાગની ટીમોએ છેલ્લા પાંચ દિવસમાં અત્યાર સુધીમાં ત્રણ ફર્મના 20 સ્થળો પર રેડ પાડી છે. જ્યારે 11 સ્થળોએ સર્વેનું કામ ચાલી રહ્યું છે. જણાવાઈ રહ્યું છે કે, વિભાગની ટીમોને મોટી સંખ્યામાં દસ્તાવેજ અને બેનામી રસીદો સહિત ઘણા જાહેર ન કરાયેલા લેણ-દેણની જાણકારી અહીં મળી છે. આવકવેરા વિભાગના એક અધિકારીએ આપેલી જાણકારી મુજબ, ટીમોએ જયપુરની ત્રણ ફર્મ- ચોરડિયા ડેવલપર્સ ગ્રુપ, ગોકુલ કૃપા બિલ્ડર્સ અને સિલ્વર આર્ટ ગ્રુપના એકમો પર રેડ કરી લગભગ 1750 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિને ઝડપી લીધી છે, જેનો ખુલાસો ટૂંક સમયમાં જ વિભાગ દ્વારા કરવામાં આવશે.
I am Gujarat IT Raid in Rajasthan
પ્રતિકાત્મક તસવીર


જયપુરમાં આઈટીની 50 ટીમોએ 200 કર્મચારીઓ સાથે આ ફર્મો પર રેડ પાડી હતી. આ ટીમોએ સતત 5 દિવસ સુધી હિસોબો અને દસ્તાવેજોની તપાસ કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે, રાજસ્થાનના ઈતિહાસમાં અત્યાર સુધીની આ સૌથી મોટી રેડ છે.

મીડિયા રિપોર્ટસ મુજબ, સંબંધિત ફર્મોની ઓફિસો અને ફર્મોના માલિકોના ઘરોમાં સીસીટીવી લાગેલા છે. વિભાગે આ ઘરોના સીસીટીવી ફુટેજને જપ્ત કરી લીધા. તેમાં ગોકુલ ગ્રુપની ઓફિસના સીસીટીવી ફુટેજમાં એક કર્મચારી નોટ ગણતો નજરે પડ્યો હતો. આવકવેરા વિભાગે વધુ તપાસ કરતા સામે આવ્યું કે, સિલ્વર આર્ટ ગ્રુપમાં એન્ટીક સામાનોને વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. જેમાં સામાનને 10 ગણી કિંમતો પર વેચવામાં આવી રહી હતી, પરંતુ તેનો હિસાબ રાખવામાં આવ્યો ન હતો. વિભાગના એક અધિકારી મુજબ આ સિલ્વર આર્ટ ગ્રુપમાં બનેલા ભોંયરામાં તપાસ કરવામાં આવી તો તેમાંથી સોનાની મૂર્તિ, હીરા, સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિતની 700 કરોડ રૂપિયાની સંપત્તિ મળી આવી હતી. જણાવાયા મુજબ, આ ભોંયરામાંથી 17 કોથળા ભરીને આર્ટ જ્વેલરી, એન્ટીક સામાન, લેવડ-દેવડ અને સંપત્તિઓના દસ્તાવેજ મળ્યા છે.

જાણવા મળ્યા મુજબ, આ દરેક આર્ટની દરેક આઈટમ પરના આલ્ફા-ન્યુમરિક સીક્રેટ કોડમાં તે વસ્તુની વાસ્તવિક કિંમત લખેલી હતી. ભોંયરામાંથી બે હાર્ડ-ડિસ્ક અને પેન-ડ્રાઈવ પણ મળી છે, જેમાં કોડની ભાષામાં વિવિધ વસ્તુઓની માહિતી હતી.

આ ઉપરાંત જોહરી ફર્મની 525 કરોડ રૂપિયાની બેનામી લેવડ-દેવડનો ખુલાસો થયો છે, તો અન્ય એક એસ્ટેટ ડેવલપર ફર્મની તપાસમાં લગભગ 225 કરોડ રૂપિયાની બેનામી લેવડ-દેવડનો ખુલાસો થયો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો