એપશહેર

રાઈટ ટુ હેલ્થ મૌલિક અધિકાર, સસ્તી સારવારની વ્યવસ્થા કરે સરકાર: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે શુક્રવાર રાઈટ ટુ હેલ્થ અને સસ્તી સારવાર અંગે ઐતિહાસિક ટિપ્પણી કરી. તે સાથે જ કોર્ટે કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરાવવા અને હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી સુનિશ્ચિત કરવા ટકોર કરી.

I am Gujarat 18 Dec 2020, 6:29 pm
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક ઐતિહાસિક ટિપ્પણી કરતા આરોગ્યને મૌલિક અધિકાર જણાવ્યો કોર્ટે કહ્યું કે, રાઈટ ટુ હેલ્થ મૌલિક અધિકાર છે. સરકાર સસ્તી સારવારની વ્યવસ્થા કરે. તે સાથે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને બધી રાજ્ય સરકારોને કડકાઈથી કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરાવવાનો નિર્દેશ આપ્યો. કોર્ટે કોરોના હોસ્પિટલોની ફાયર સેફ્ટીને પણ સુનિશ્ચિત કરવા કહ્યું.
I am Gujarat Supreme Court on Health


'બધી કોરોના હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી સુનિશ્ચિત કરો'
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દેશભરના રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો કોવિડ ગાઈડલાઈન્સનું કડકાઈથી પાલન કરે. કોર્ટે સરકારોને બધી કોરોના હોસ્પિટલોની ફાયર સેફ્ટી સુનિશ્ચિત કરવા કહ્યું. તાજેતરમાં જ ગુજરાતની એક કોરોના હોસ્પિટલમાં આગ લાગવાથી દર્દીઓના થયેલા મોતની ઘટનાને કોર્ટે ગંભીરતાથી લીધી હતી. કોર્ટે કહ્યું કે, જે હોસ્પિટલે હજુ સુધી ફાયર એનઓસી નથી લીધી, તે તાત્કાલિક લે. જો ચાર સપ્તાહની અંદર ફાયર ઓનઓસી ન લે તો રાજ્ય સરકાર તેમની સામે એક્શન લે. કોર્ટે ફાયર સેફ્ટી માટે દરેક રાજ્યને એક નોડલ અધિકારી નિમવા કહ્યું છે, જે હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી ઓડિટ કરશે.

'કોરોનાની સામે આ લડાઈ છે વિશ્વ યુદ્ધ'
તે ઉપરાંત સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દિશાનિર્દેશો અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર લાગુ ન થવાથી કોવિડ-19 મહામારી 'જંગલની આગ'ની જેમ ફેલાઈ ગઈ છે. કોર્ટે કહ્યું કે, અભૂતપૂર્વ મહામારીના કારણે દુનિયાભરમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે પ્રભાવિત થઈ રહી છે. આ કોવિડ-19 વિરુદ્ધ વિશ્વ યુદ્ધ છે. ટોપ કોર્ટે એમ પણ કહ્યું કે, કર્ફ્યૂ કે લોકડાઉન લાગુ કરવાના કોઈપણ નિર્ણયની પહેલા જાહેરાત કરવી જોઈએ, જેથી લોકો પોતાની આજીવિકા માટે વ્યવસ્થા કરી શકે.

'નાગરિકોની સુરક્ષા અને સ્વાસ્થ્ય પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ'સુપ્રીમ કોર્ટે કહ્યું કે ,સતત 8 મહિનાથી કામ કરી રહેલા પહેલી હરોળના આરોગ્યકર્મીઓ થાકી ગયા છે, તેમને આરામ આપવા માટે કોઈ વ્યવસ્થાની જરૂર છે. સાથે જ રાજ્યોએ સફળતાપૂર્વક કાર્યવાહી કરવી જોઈએ અને કેન્દ્રની સાથે સૌહાર્દપૂર્ણ રીતે મળીને કામ કરવું જોઈએ, નાગરિકોની સુરક્ષા અને સ્વાસ્થ્ય પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો