એપશહેર

દિલ્હીના DyCM મનિષ સિસોદિયાએ કહી દીધું, રાજ્યમાં ક્યા સુધી સ્કૂલો નહીં ખૂલે?

ગુજરાતમાં પણ સરકાર વાલીઓના વિરોધ વચ્ચે પણ 23મીથી સ્કૂલો ખોલવા મક્કમ હતી, પરંતુ તે નિર્ણય પડતો મૂકવો પડ્યો હતો

I am Gujarat 25 Nov 2020, 5:03 pm
નવી દિલ્હી: કોરોનાના વધતા કેસો વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને સાવધાની સાથે સ્કૂલો ખોલવાની મંજૂરી આપી દીધી છે. જોકે, ગુજરાત જેવા રાજ્યોમાં સરકારે પૂર્ણ તૈયારી કરી લીધી હોવા છતાં વાલીઓના વિરોધને જોતા સરકારને પોતાનો નિર્ણય પાછો ખેંચવાની ફરજ પડી હતી. ત્યારે હવે સવાલ એ થઈ રહ્યો છે કે સ્કૂલો ખૂલશે ક્યારથી?
I am Gujarat schools in delhi unlikely to open till we get vaccine says dycm manish sisodia
દિલ્હીના DyCM મનિષ સિસોદિયાએ કહી દીધું, રાજ્યમાં ક્યા સુધી સ્કૂલો નહીં ખૂલે?


ગુજરાતની માફક દિલ્હીમાં પણ કોરોનાના કેસો રોકેટ ગતિએ વધ્યા છે. તેવામાં શિક્ષણ મંત્રી તેમજ DyCM એવા મનિષ સિસોદિયાએ સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી કોરોનાની કોઈ રસી બજારમાં ના આવી જાય ત્યાં સુધી સ્કૂલો ખૂલે તેવી કોઈ શક્યતા હાલ નથી લાગતી.

ગુજરાત અને દિલ્હી જેવા રાજ્યોમાં માર્ચ મહિનાથી સ્કૂલો બંધ છે. કેન્દ્ર સરકારે મંજૂરી આપી હોવા છતાં ધોરણ 9થી 12ના વર્ગો પણ આ બે રાજ્યોમાં શરુ નથી કરી શકાયા. દિલ્હીના વાલીઓનું કહેવું છે કે અહીં ઠંડીની સાથે પ્રદૂષણની પણ સમસ્યા છે. જેથી કોઈ પોતાના બાળકને ઘરની બહાર મોકલવા તૈયાર નથી. તેવામાં સરકારે લીધેલો નિર્ણય યોગ્ય છે.

દિલ્હીના શિક્ષણ મંત્રીએ 30 ઓક્ટોબરે જ જાહેર કરી દીધું હતું કે સ્કૂલો આગામી આદેશ સુધી બંધ જ રહેશે. તેમણે જણાવ્યું હતું કે વાલીઓ બાળકોને સ્કૂલે મોકલવા માટે તૈયાર નથી. દેશમાં જ્યાં પણ સ્કૂલો ખૂલી છે ત્યાં બાળકોમાં કોરોનાના કેસ વધ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. જેથી, હાલની સ્થિતિમાં સ્કૂલોને બંધ રાખવી જ સલામત છે.

દેશમાં 25 માર્ચના રોજ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારથી સ્કૂલો પણ બંધ કરી દેવાઈ છે. આખરે અનલોક 5.0ની ગાઈડલાઈનમાં સ્કૂલોને લઈને કેટલીક છૂટ આપવામાં આવી હતી. હરિયાણા જેવા રાજ્યોમાં સ્કૂલો શરુ પણ થઈ ગઈ હતી, પરંતુ તેમને કોરોનાના કેસો વધતા ફરી બંધ કરવાની ફરજ પડી હતી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 23મી નવેમ્બરથી સ્કૂલો ખૂલવાની હતી. વાલીઓના વિરોધ વચ્ચે પણ સરકાર છેક સુધી સ્કૂલો ખોલવા માટે મક્કમ રહી હતી. જોકે, અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં નવા કેસોનો ગ્રાફ અચાનક ઉંચો જતાં શુક્રવારે રાત્રે અમદાવાદમાં શનિ-રવિના કર્ફ્યુનું એલાન કરાયું હતું. બીજી તરફ, રાજ્યના ચારેય મોટા શહેરોમાં હાલ નાઈટ કર્ફ્યુ અમલી છે. તેવામાં શુક્રવારે રાત્રે જ સરકારે સ્કૂલો ખોલવાનો નિર્ણય પડતો મૂકાયો હોવાનું જાહેર કર્યું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો