એપશહેર

ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ બનાવશે નવું સંસદ ભવન, 861.90 કરોડનો થશે ખર્ચ

નવી બિલ્ડિંગ હાલના સંસદ ભવનની બાજુમાં બનાવવામાં આવશે અને 21 મહિનામાં સમગ્ર કામ પૂરું થવાની શક્યતા છે

I am Gujarat 17 Sep 2020, 12:18 am
નવી દિલ્હીઃ ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડે 861.90 કરોડ રુપિયાના ખર્ચે નવા સંસદ ભવનના બાંધકામનો કોન્ટ્રાક્ટ મેળવ્યો છે. ટાટાએ બાંધકામ માટેની બિડમાં લાર્સન અને ટુબ્રોને પાછળ છોડ્યું છે. જેણે 865 કરોડની બોલી લગાવી હતી. સેન્ટ્રલ પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટે બુધવારે નવા સંસદ ભવનની રચના માટે બિડ શરૂ કરી હતી જેમાં નિર્ણય ટાટાના પક્ષમાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ એક વર્ષમાં પૂર્ણ થવાની શક્યતા છે. સીપીડબ્લ્યુડીએ નવા સંસદ ભવનના નિર્માણ માટે 940 કરોડના ખર્ચનો અંદાજ લગાવ્યો હતો.
I am Gujarat tata projects limited wins contract for construction of new parliament building
ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ બનાવશે નવું સંસદ ભવન, 861.90 કરોડનો થશે ખર્ચ


દેશની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણીનો ઈરાદો
મળતી માહિતી પ્રમાણે, નવી બિલ્ડિંગ ત્રિકોણાકાર આકારમાં બનાવવામાં આવશે. હાલની સંસદની ઇમારત બ્રિટીશ કાળ દરમિયાન બનાવવામાં આવી હતી અને ગોળાકારમાં છે. દેશ આઝાદ થયો તેને 75 વર્ષ થવા જઈ રહ્યાં છે અને દેશનું સંસદ ભવન હવે ઘણું જૂનું થયું છે. તેમાં વિવિધ પ્રકારની સમસ્યાઓ પણ આવી રહી છે. મોદી સરકારનો એવો ઈરાદો છે કે જ્યારે દેશ 15 ઓગસ્ટ 2022ના રોજ સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો હોય ત્યારે સાંસદો નવા સંસદ ભવનમાં બેઠા હોવા જોઈએ.

21 મહિનામાં પૂરું થશે સમગ્ર કામ
એક અધિકારીએ જણાવ્યું કે, ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડે નવી સંસદ ભવન બનાવવાનો કરાર લીધો છે. સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ નવી બિલ્ડિંગ હાલના સંસદ ભવનની બાજુમાં બનાવવામાં આવશે અને 21 મહિનામાં સમગ્ર કામ પૂરું થવાની શક્યતા છે. સેન્ટ્રલ પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ (સીપીડબ્લ્યુડી) અનુસાર નવી બિલ્ડિંગ સંસદ હાઉસ એસ્ટેટના પ્લોટ નંબર 118 પર બનાવવામાં આવશે. સીપીડબ્લ્યુડીએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટના અમલીકરણના સંપૂર્ણ સમયગાળા દરમિયાન હાલનું સંસદ ભવન કાર્યરત રહેશે.

નવા સંસદ ભવનની તરફેણ
નોંધનીય છે કે પૂર્વ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન, હાલના લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ નવા સંસદ ભવનની જરૂરિયાત માટે તરફેણ કરી છે. મળતી માહિતી મુજબ મોદી સરકારે તેના પર એક ડ્રીમ પ્લાન પણ તૈયાર કર્યો છે. જેની તરફ હવે ઝડપથી આગળ વધવાનો ઇરાદો છે.

જૂનું સંસદ ભવન ક્યારે બન્યું?
હાલનું સંસદ ભવન બનવાની શરૂઆત 1911 માં થઈ હતી. ત્યારબાદ બ્રિટીશ શાસન દરમિયાન દિલ્હી રાજધાની બન્યું. સંસદ ભવનનું ઉદઘાટન 1927 માં થયું હતું. પરંતુ આજના સમય પ્રમાણે સંસદ ભવનમાં ઘણી સમસ્યાઓ દેખાવા લાગી છે. સૌથી મોટી સમસ્યા એ છે કે સંસદમાં બેઠેલા મંત્રીઓ માટે ચેમ્બર છે પરંતુ સાંસદો માટે નહીં. આ ઉપરાંત વીજ પુરવઠાની વ્યવસ્થા પણ જૂની છે. જેના કારણે શોર્ટ સર્કિટની સમસ્યા પણ અવારનવાર સર્જાતી રહે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો