એપશહેર

બે દિવસના ભારત બંધનો પ્રારંભ: ગુજરાત સહિત બેંકોના કર્મચારીઓ જોડાતાં વ્યવહારો ઠપ્પ

Bharat Bandh : ઓલ ઈન્ડિયા બેંક એમ્પલોઈઝ એસોસિએશને કહ્યું અમે આ હડતાળમાં બેંકિંગ ક્ષેત્રોની માગો પર ધ્યાન અપાવવા માટે સામેલ થઈ રહ્યા છીએ. બેંક યુનિયનની માગ છે કે સરકાર સાર્વજનિક ક્ષેત્રોની બેંકોનું ખાનગીકરણ બંધ કરે અને તેને મજબૂત કરે. આ સિવાય અમારી માગ છે કે ડૂબી ગયેલા પૈસાની વસૂલી ઝડપી કરવામાં આવે, બેંક જમા પર વ્યાજ વધારવામાં આવે, સેવા ચાર્જમાં ઘટાડો કરવામાં આવે અને જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવામાં આવે.

Authored byનિલય ભાવસાર | I am Gujarat 28 Mar 2022, 11:46 am

હાઈલાઈટ્સ:

  • બેંક કર્મચારીઓના યુનિયનના એક વર્ગે સોમવાર અને મંગળવારે આ હડતાળને સમર્થન આપ્યું છે.
  • સાર્વજનિક ક્ષેત્રની ભારતીય સ્ટેટ બેંકે જણાવ્યું કે હડતાળના કારણે તેઓની સેવાઓ પર થોડી ઘણી અસર પડી શકે છે.
  • એસબીઆઈએ કહ્યું કે પોતાની તમામ શાખાઓ અને કાર્યાલયોમાં સામાન્ય કાર્યને સુનિશ્ચિત કરવા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.

હાઈલાઈટ ટેક્સ્ટ
નવી દિલ્હી:
ટ્રેડ યુનિયન્સની તારીખ 28 અને 29 માર્ચે બે દિવસની દેશવ્યાપી સામાન્ય હડતાળના કારણે બેંકોના કામકાજ પર પણ થોડીઘણી અસર જોવા મળી શકે છે. આજે બેંક કર્મચારીઓના યુનિયનના એક વર્ગે સોમવાર અને મંગળવારે આ હડતાળને સમર્થન આપ્યું છે. સરકારની જન વિરોધી આર્થિક નીતિઓ અને શ્રમિક વિરોધી નીતિઓના વિરોધમાં કેન્દ્રિય ટ્રેડ યુનિયન્સના સંયુક્ત મંચ અને વિવિધ ક્ષેત્રોના સ્વતંત્ર શ્રમિક યુનિયન્સે બે દિવસની હડતાળની જાહેરાત કરી છે. તેઓની પ્રમુખ માગોમાં શ્રમ સંહિતા સમાપ્ત કરવી, કોઈપણ પ્રકારનું ખાનગીકરણ રોકવું, એનએમપી સમાપ્ત કરવી, મનરેગા હેઠળ મજૂરી માટેનું વિતરણ વધારવું અને હંગામી ધોરણે અથવા કોન્ટ્રાક્ટ પર કામ કરતાં શ્રમિકોને નિયમિત કરવા સામેલ છે.

ગુજરાતમાંથી પણ સરકારી બેંકના કર્મચારીઓ ભારત બંધમાં જોડાયા છે. અમદાવાદ, સુરત સહિના શહેરોમાં આજે બેંકના કર્મચારીઓએ રેલી કાઢી હતી, તેમજ પોતાની માગોને પૂરી કરવાને લઈને સૂત્રોચ્ચારો પણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં બેંકોમાં આગામી બે દિવસ સુધી કામકાજ ઠપ્પ રહેવાનું હોવાથી 25 હજાર કરોડ રુપિયાના વ્યવહારો અટવાઈ પડે તેવી શક્યતા છે.

કેટલાક રાજ્યોમાં ભારતની જોરદાર અસર જોવા મળી રહી છે. કેરળમાં તેના કારણે બસ સેવા પણ ખોરવાઈ ગઈ છે. પશ્ચિમ બંગાળમાં કેટલીક જગ્યાએ ટ્રેનો અટકાવવા માટે પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બંધમાં રેલવે, ડીફેન્સ સેક્ટર, બેંક, વીમો, ટેલીકોમ, સ્ટીલ, ઓઈલ, કોલસો, પોસ્ટ, ઈન્કમટેક્સ જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલી સરકારી કંપનીઓના કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે. આજના જ દિવસે ગોવાના સીએમ પદે પ્રમોદ સાવંત શપથ ગ્રહણ કરી રહ્યા છે, ત્યારે ભારત બંધને પગલે તેમાં કોઈ વિક્ષેપ ઉભો ના થાય તે સુનિશ્ચિત કરવા સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવાઈ છે.

ઓલ ઈન્ડિયા બેંક એમ્પલોઈઝ એસોસિએશને કહ્યું અમે હડતાળની આ જાહેરાતને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે. અમે આ હડતાળમાં બેંકિંગ ક્ષેત્રોની માગો પર ધ્યાન અપાવવા માટે સામેલ થઈ રહ્યા છીએ. બેંક યુનિયનની માગ છે કે સરકાર સાર્વજનિક ક્ષેત્રોની બેંકોનું ખાનગીકરણ બંધ કરે અને તેને મજબૂત કરે. આ સિવાય અમારી માગ છે કે ડૂબી ગયેલા પૈસાની વસૂલી ઝડપી કરવામાં આવે, બેંક જમા પર વ્યાજ વધારવામાં આવે, સેવા ચાર્જમાં ઘટાડો કરવામાં આવે અને જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવામાં આવે.

સાર્વજનિક ક્ષેત્રની ભારતીય સ્ટેટ બેંકે જણાવ્યું કે હડતાળના કારણે તેઓની સેવાઓ પર થોડી ઘણી અસર પડી શકે છે. એસબીઆઈએ કહ્યું કે પોતાની તમામ શાખાઓ અને કાર્યાલયોમાં સામાન્ય કાર્યને સુનિશ્ચિત કરવા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. પંજાબ નેશનલ બેંકે કહ્યું કે એઆઈબીઈએ, બેંક એમ્પલોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા તથા ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશને 28 અને 29 માર્ચે હડતાળની નોટિસ આપી છે. બેંગ્લુરુ મુખ્યાલયવાળી કેનરા બેંકે કહ્યું કે હડતાળના કારણે સામાન્ય બેંકિંગ કાર્ય પર અસર થઈ શકે છે. કેન્દ્રિય ટ્રેડ યૂનિયનોના એક ફોરમે 28 અને 29 માર્ચે ભારત બંધની જાહેરાત કરી છે.
લેખક વિશે
નિલય ભાવસાર
નિલય ભાવસાર છેલ્લા સાડા ચાર વર્ષથી ડિજિટલ પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલ છે. અગાઉ પ્રિન્ટ મીડિયમ અને ઈસરોમાં પણ કામ કર્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ઈન ડેવલપમેન્ટ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. અનુવાદની પ્રક્રિયામાં વધારે રુચિ છે.... વધુ વાંચો

Read Next Story