એપશહેર

ગમે ત્યાં કચરો ફેંકનારાને વંદે મારતમ બોલવાનો કોઈ હક્ક નથી: મોદી

નવરંગ સેન | I am Gujarat 11 Sep 2017, 12:31 pm
નવી દિલ્હી: પીએમ મોદીએ આજે સ્વામી વિવેકાનંદે શિકાગોમાં આપેલા ભાષણની 125મી વરસી પર સ્ટૂડન્ટ્સને સંબોધ્યા હતા. પીએમે પોતાના સંબોધનમાં સ્વચ્છતાથી લઈને મહિલાઓના સમ્માન, યુવા રોજગાર સુધીના અનેક મુદ્દાઓ આવરી લીધા હતા. પીએમે સ્વચ્છતા પર ખાસ ભાર મૂકતા જણાવ્યું હતું કે, ગમે ત્યાં કચરો ફેંકતા લોકોને વંદે માતરમ બોલવાનો કોઈ હક્ક નથી. પીએેમ કહ્યું હતું કે, સ્વામી વિવેકાનંદે આજથી 125 વર્ષ પહેલા શિકાગોમાં જે ભાષણ આપ્યું હતું તે દિવસ મારા માટે વિજય દિવસ હતો. સ્વચ્છતા પર ખાસ ભાર મૂકતા પીએમે કહ્યું હતું કે, આપણે બધો કચરો ભારત મા પર ફેંકીને વંદે માતરમ બોલીએ છીએ. આપણને આ હક્ક કોણે આપ્યો? આપણી ભારત મા સુજલામ સુફલામ ભારત માતા છે, સફાઈ કરો કે ન કરો, પરંતુ ગંદકી ફેલાવવાનો આપણને કોઈ હક્ક નથી. ક્યારેક આપણને લાગે છે કે, આપણે સારી હોસ્પિટલો અને ડોક્ટરોને કારણે સ્વસ્થ છીએ, ખરેખર એવું નથી. આપણે સ્વસ્થ છીએ આપણી આસપાસ સફાઈ કરતા લોકોને કારણે. પીએમે પોતાના ભાષણમાં પહેલા શૌચાલય, પછી દેવાલયનો પણ ખાસ ઉલ્લેખ કર્યો હતો. પીએમે યુવાનો વિશે વાત કરતા એમ પણ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓની ચૂંટણીમાં સ્ટૂડન્ટ લીડર્સ જાતભાતના વાયદા કરે છે, પરંતુ એ વાયદો ક્યારેય નથી કરતા કે કેમ્પસને તેઓ સાફ રાખશે. યુવાનોને ખાસ અપીલ કરતા પીએમે જણાવ્યું હતું કે, દેશના યુવાનો નોકરી માગનારા નહીં, પણ નોકરી આપનારા બનવા જોઈએ. આપણા દેશની યુવા પેઢીમાં તે જોશ જોઈએ, કે જેનાથી તે ઈનોવેશન કરે. હું ઈચ્છું છું કે દેશના યુવાનો ઈનોવેશન કરે અને દેશની સમસ્યાઓનો અંત લાવે. પીએમે કહ્યું હતું કે, કોલેજોમાં કેટલા ડે મનાવવામાં આવે છે? શું પંજાબમાં કોઈએ કેરળ ડે ઉજવવાનું નક્કી કર્યું? તેમની જેમ કપડાં પહેરવાનું, રમવાનું વિચાર્યું? હું રોઝ ડેનો વિરોધી નથી. જો આપણે આઝાદીના 75 વર્ષ મનાવવા હોય તો ગાંધી, ભગતસિંહ-સુખદેવ, સુભાષચંદ્ર બોઝ અને વિવેકાનંદના સપનોનું ભારત નહીં બનાવીએ? પીએમે સ્કીલ ઈન્ડિયા અને સ્ટાર્ટ અપ ઈન્ડિયાને પણ સ્વામી વિવેકાનંદના આદર્શોથી પ્રેરિત ગણાવ્યા હતા. પીએમે જણાવ્યું હતું કે, સ્વામી વિવેકાનંદે અમેરિકામાં લોકોને બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ કહીને સંબોધ્યા તે જાણી આપણે નાચી ઉઠ્યા, પરંતુ શું આપણે મહિલાઓનું સમ્માન કરીએ છીએ? જે સમયે પૂજા-પાઠનું સૌથી વધુ મહત્વ હતું તેવામાં 30 વર્ષના સ્વામી વિવેકાનંદે યુવકોને એ વાત કહી હતી કે, મંદિરમાં બેસીને ભગવાન નહીં મળે, જનસેવાથી જ ભગવાન મળશે. તે જમાનામાં આ વાત ઘણી મોટી હતી. સ્વામી વિવેકાનંદ જ્યારે ભારતમાં ભાષણ આપતા ત્યારે આપણી ખરાબ વાતોની ખૂબ જ ટીકા કરતા હતા. સ્વામી વિવેકાનંદ વિશે પીએમે કહ્યું હતું કે, તેઓ માત્ર ઉપદેશ આપનારા નહોતા, તેમણે વિચાર અને આદર્શવાદિતાને એક કરીને ફ્રેમવર્ક બનાવ્યું અને રામકૃષ્ણ મિશનને જન્મ આપ્યો, વિવેકાનંદ મિશનને નહીં. આજે પણ રામકૃષ્ણ મિશનના ભાવમાં કોઈ પરિવર્તન નથી આવ્યું.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો