એપશહેર

ઓરડીમાં રહેતા વિદ્યાર્થીએ પાસ કરી NEET, બનશે ગામનો પહેલો ડૉક્ટર

સાવ ગરીબ પરિવારના દીકરાએ અનેક અવરોધો વચ્ચે પણ નીટ પાસ કરી, હવે પૂરું થશે તેનું ડૉક્ટર બનવાનું સપનું

Authored byShoeb Khan | TNN 21 Oct 2020, 9:35 am
જયપુર: રાજસ્થાનના બાડમેર જિલ્લામાં રણપ્રદેશમાં આવેલું છે 8-10 ઘરનું એક સાવ નાનું ગામ. આમ તો તેને ગામ કહી શકાય કે કેમ તે પણ એક સવાલ છે, પરંતુ હાલ અહીં ખુશીનો માહોલ છે. કારણકે, પહેલીવાર ગામનો કોઈ છોકરો ડૉક્ટર બનવા જઈ રહ્યો છે.
I am Gujarat laxman kumar


આ ગામના લક્ષ્મણ કુમાર નામના વિદ્યાર્થીએ NEETની પરીક્ષા પાસ કરીને દેશમાં 3727મો રેન્ક મેળવ્યો છે. મતલબ કે, હવે તેને સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન મળી જશે. લક્ષમણ ભલે આ એક્ઝામનો રેન્કર ના બન્યો હોય, પરંતુ તેણે કારમી ગરીબીમાં રહીને જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે ચમત્કારથી કમ નથી.

એક રુમના નાનકડા મકાનમાં રહેતા લક્ષમણને ચાર ભાઈબહેન છે. તે નાનો હતો ત્યારે જ તેના પિતાનું મોત થયું હતું. જેના કારણે આ ગરીબ પરિવાર પર આફતનો પહાડ તૂટી પડ્યો હતો. સૌથી મોટો હોવાના કારણે હવે પરિવારની જવાબદારી લક્ષ્મણ પર હતી. લક્ષ્મણ ભણવામાં હોશિયાર હતો, છતાંય તે અભ્યાસ છોડી મજૂરી કરવા ગુજરાત જવાની તૈયારીમાં જ હતો.

જોકે, લક્ષ્મણની ભણવાની ધગશ જોઈ તેનો નાનો ભાઈ આગળ આવ્યો, અને પરિવારનું પેટ પાળવા મજૂરી કરવા ગુજરાત ચાલ્યો ગયો. લક્ષ્મણ જણાવે છે કે, જો નાના ભાઈએ તે વખતે આટલો મોટો નિર્ણય ના લીધો હોત તો તેની પાસે ભણવાનું છોડવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નહોતો.

પરિવાર મોટો હતો, અને ભાઈની આવક ટૂંકી હતી. જેથી લક્ષ્મણને પણ નાનું-મોટું કામ કરી પોતાના ખર્ચા કાઢવા પડતા હતા. તેની માતાએ પણ 4-5 બકરી રાખી હતી, અને તેના દૂધના વેચાણમાંથી તેમને થોડાઘણા રુપિયા મળી જતા હતા. 2018માં સરકારી સહાય દ્વારા પાક્કું ઘર ના બન્યું ત્યાં સુધી તો માટીના ઘરમાં રહેતો હતો.

લક્ષ્મણની સ્કૂલ પણ ગામથી 8 કિલોમીટર દૂર હતી. તે માત્ર દિવસે જ અભ્યાસ કરી શકતો, કારણકે તેના ગામમાં વીજળી પણ છેક 2019માં આવી હતી. રાત્રે દીવો કરી વાંચતો ત્યારે માખી અને મચ્છરનો અસહ્ય ત્રાસ સહન કરવો પડતો. પરીક્ષાના દિવસોમાં તેની માતા તેને શરીર પર તેલ લગાડી આપતી, જેથી તેને રાત્રે વાંચતી વખતે મચ્છર ના કરડે.

આટલા સંઘર્ષ વચ્ચે પણ લક્ષ્મણ દસમા ધોરણમાં 92 ટકા લાવ્યો, અને બસ ત્યારથી જ તેની જિંદગી બદલાઈ ગઈ. સરકારી ડૉક્ટરો અને અધિકારીઓની એક ટીમ તેને શોધતી આવી, અને તેને NEETના કોચિંગ માટે બાડમેર લઈ જવાની વ્યવસ્થા કરી આપી.

દસમા ધોરણ બાદ પોતાની જિંદગીમાં આવેલા અણધાર્યા પરિવર્તન અંગે લક્ષ્મણ જણાવે છે કે, તેણે કદીય વિચાર્યું જ નહોતું કે તે ડૉક્ટર પણ બની શકે છે. તેને તો એમ જ હતું કે બીએ કર્યા બાદ તે સરકારી સ્કૂલમાં શિક્ષક બની જશે. તે નીટની તૈયારી કરવા બાડમેર આવ્યો ત્યારે પણ તેને સ્થિતિનો સ્વીકાર કરવામાં બે મહિના લાગ્યા હતા. જોકે, હવે તે પોતાના ભવિષ્યને લઈને ઘણો આશાવાદી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો